હનુમાનલવકુશમિલન/બાય બા...ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

બાય બા....ય

સુરેખા સરસ છોકરી છે, પણ મુંબઈએ એના પોતીકા વ્યક્તિત્વને પીગાળી નાખ્યું છે. એ મુંબઈના એક પરમાણરૂપે જ જીવે છે પણ એને છંછેડીએ ત્યારે એ પરમાણુ બીજા પરમાણુ કરતાં જુદો પડે છે. ચાલીસ મિનિટમાં મરાયલી ‘સૅંન્ચ્યુરી’ જેવી તે બની જાય. છે. ‘સિંગલ બેડ’ અને સાંકડી ખોલીમાં એ ઝડપથી છંછેડાય છે. એને છંછેડવા માટે ગરમ હથેળીના એક નાના-શા સ્પર્શની જ જરૂર પડે છે. પછી, પોતાના સમગ્ર અસ્તિત્વ સાથે, મુંબઈના બુરખારૂપી વ્યક્તિત્વની પરોપજીવિતાને દૂર કરીને પોતાના વ્યક્તિત્વ સાથે એ તમારી પર ધસી આવે છે. શરત માત્ર એટલી જ કે તમે પુરુષ હોવા જેઈએ. હું પુરુષ છું! મેં એને કદી ચાહી નથી.

*

સુરેખાને જોઈ તે પહેલાં એની અટક અને પછી એનું નામ – બાપના નામ વિનાનું – સાંભળવા મળ્યું હતું. મારે એક બહેન હતી. રેખા. એનો પતિ વીરચંદ નાણાવટી મારવાડી હતો. તે મીઠું મીઠું બોલતો. પાંચ વરસમાં તે રેખાના શરીરને અને પછી એના જીવને પણ ખાઈ ગયો હતો. સુરેખાની અટક સાંભળતાં કશું જ થયું ન હતું પણ એનું નામ સાંભળતાં જ રેખા યાદ આવી. એના ચહેરામાં, સાડી પહેરવાની, ચાલવાની, લ્હેકો કરવાની, જીવવાની એની રીતમાં હું રેખાને જોવા માટે ગયો હતો. પણ ના. મારી બહેન ઇજિપ્તનું ‘સ્ફીંક્સ’ ન હતી. એ તો ઇજિપ્તનું ‘મમી’ હતી. માત્ર નિર્જીવ રૂપે જ મારામાં જીવતી હતી. પુનર્જીવન પામીને પોતાની જ રાખમાંથી બેઠા થવાની એની શક્તિ ન હતી. સુરેખામાં ‘રેખા’ હતી અને ઉપરાંત ‘સુ’ વધારાનું હતું એવું પણ ન હતું. એનામાં રેખા હતી જ નહીં : એ માત્ર ‘સુ’ હતી. —ને પછી મેં એને કદી ચાહી નથી. બહેન તરીકે પણ નહીં, ભાવી પત્ની તરીકે કે પ્રેમિકા તરીકે પણ નહીં. હું એને છંછેડતો. ખુશ થતો. ઓડકાર ખાતો. ચાલ્યો આવતો. એ પણ છંછેડાતી, ખુશ થતી અને હાંફતી હાંફતી થોડી વાર પડી રહેતી. બે વ્યક્તિઓના ચહેરા સરખા નથી હોતા. જો હોય છે તો બીજી વસ્તુ – ટેવ, રીતભાત – તો જુદી જ હોય છે. બે વ્યક્તિઓનાં આંતર કે બાહ્ય વ્યક્તિત્વો સંપૂર્ણપણે એક સરખાં તો કદી હોતાં જ નથી. ના નથી હોતાં, હું એ જાણું છું. સુને મળ્યો તે પહેલાં પણ જાણતો હતો. સુમાં રેખાના વ્યક્તિત્વને આશાથી હું સુને મળ્યો હતો? આજે લાગે છે કે સુને મળવા માટે ઊભો કરાયેલો એ બુરખો હતો. કેમ કે એનામાં રેખાનું વ્યક્તિત્વ જોવા મળ્યું હોત તો જ કદાચ મને આંચકો લાગ્યો હોત એમ હું કલ્પી શકું છું. સુને મેં કદી ચાહી નથી. મારી પાસે એક અનુભવીની કરામતો હતી. એના વડે સુના બિનઅનુભવીપણાને હું છંછેડાટના આવેશમાં ફેરવી નાખતો. અંધારાને લીધે કોઈને બે આંખની શરમ નડતી ન હતી. સુ પણ મને કદાચ ચાહતી ન હતી. સુએ મને કદી ચાહ્યો નથી.

*

હું પુરુષ છું. મારા હાથને ચાર આંગળાં અને એક અંગૂઠો છે. મારે બે હાથ છે. મારા હાથ-પગ પર દર ત્રણ દિવસે નખ વધી જાય છે. તેને ‘નેઈલ કટર’ વડે હંમેશ સફાઈથી કાપ્યા કરું છું. પણ મારા મોંમાંના દાંત તીક્ષ્ણ છે. હું ‘કૉલગેટ ટૂથ-પેસ્ટ’ વાપરું છું. જમ્યા પછી કોગળા કરી નાખું છું અને સવાર-સાંજ બંને વખત દાતણ કરું છું. સુરેખાના દાંત સફેદ છે, પણ તીણા નથી. પણ રાત્રે ‘સિંગલ બેડ’ની સંકડાશમાં મારા ‘કલીન શેવ’ પર, મારા હોઠ પર તે પોતાના અર્ધતીક્ષ્ણ દાંત પૂરેપૂરી તીક્ષ્ણતા સાથે અજમાવે છે. દિવસનો અડતાળીસમો ભાગ એક પ્રકારના આવેશમાં જીવવાનું પહેલાં ખૂબ ગમતું. હજુયે ગમે છે, સારું છે કે સદી નથી ગયું.

*

ના, પણ એ કદાચ સુરેખાના દાંતની તીક્ષ્ણતા તો નથી, મારો એ કદાચ ભ્રમ છે. એ સુરેખાના હોકની તીક્ષ્ણતા છે. એના દાંત અર્ધતીક્ષ્ણ જ છે. એક વખત શેકેલી મકાઈના દાણા ખાવા જતાં તેમાંનો એક તૂટી ગયો હતો ત્યાં હવે નવો ઊગી રહ્યો છે પણ એના હોઠ એના દાંત કરતાં વધુ તીક્ષ્ણ છે. મારા આખા ચહેરા પર એ જડબેસલાક ચોંટી ગયા છે. હું વધતી દાઢીને ‘શેવ’ કરતી વખતે પણ તે હોઠને દાઢીના ખરબચડા વાળ ભેગા ઉતરડી નાખી શકતો જ નથી અને શિયાળામાં ફાટી ગયેલા હોઠની જેમ આખા ચહેરા પર એક માદક ચડચરાટ જાણે કે આખો દિવસ રહે છે. આ તો ઉપમા થઈ, પણ સાચેસાચ શિયાળામાં હોઠ ફાટી જાય છે ત્યારે પણ ત્યાં બેઠેલા તેના હોઠ જૂની ચામડી ભેગા દૂર થઈ જતા નથી. એ હોઠ પર કદી ‘લિપસ્ટિક’ ફેરવતી નથી અને છતાં રાત્રે ઘસી ઘસીને ચહેરો અને હોઠ સાફ કરે છે પછી સિંગલ બેડની ચાદર પર સમુદ્રનાં મોજાંની જેમ પથરાયેલી કરચલીઓ પર હથેલી લંબાય છે અને તે ઉશ્કેરાય છે. તે પોતે પણ જાણે છે કે તે ઉશ્કેરાય છે, પણ તે તેને ગમે છે. મારે માટે જેમ બહેનના વ્યક્તિત્વને સુમાં જોવાનું એક બહાનું હતું તેમ એને માટે મારી હથેળીનો સ્પર્શ તો એક બહાનું – છંછેડાવા માટેનું – બની રહે છે. કશો ઉશ્કેરાટ કે આવેશ ન જન્મે તો પણ તે પ્રયત્નપૂર્વક જાણે કે આવેશની દિશામાં જ પગલાં ભરવા માંડે છે. આવેશથી દૂર જવાનો તેણે કદી પ્રયત્ન કર્યો નથી. હું હંમેશ શાંત રહું છું. તે મારી પર ધસી આવે પછી ભયંકર ઉશ્કેરાટ અનુભવું છું અને હંફાવવા પ્રયત્ન કરું છું, પણ એ તો માત્ર મારા અનુભવીપણામાંથી જન્મેલી એક સ્વાભાવિક નાટકીય પ્રક્રિયા જ છે. એમાં સામા સાથે છલ રમવા માટે, સામાને દેખાડવા માટે ઊભો કરાયેલો બનાવટી આવેશ છે. હું પૂરેપૂરો શાંત હોઉં છું, પણ સાથે જ એક શંકા પણ જન્મે છે... સુરેખા પણ મારી સાથે છલ તો નથી રમતી ને? સુરેખા પણ અનુભવી તો નથી ને?

*

સુરેખા મારી સાથે છલ તો નથી રમતી ને? ના, મારું અનુભવીપણું મને કહે છે કે, સુરેખા મારી સાથે છલ નથી રમતી. ઉરશ્કેરાટ એ જ જાણે કે એનું વ્યક્તિત્વ છે. ઉશ્કેરાટ એનું વ્યક્તિત્વ હોવા છતાં તે આટલા ઉત્કૃષ્ટ રૂપમાં કદાચ પ્રગટ થઈ શક્યું ન હોત. એક સ્વાભાવિક વર્તન જ હોત પણ અહીં તેમ રહ્યું નથી. એ અને ઘણાં બીજાં અહીં વંદાની વેલ જેવાં પરોપજીવી બની ગયાં છે – મુંબઈના આધારે તેઓ જીવે છે અને ‘ડબલ ડેકરો’નાં ‘હેંગરો’ પર લટકીને ઑફિસની ખુરશી પર ફસડાઈ પડે છે. મુંબઈનું એમના પર ચીપકી બેસેલું વ્યક્તિત્વ જ એમના સ્વાભાવિક વ્યક્તિત્વ જેવું બની જાય છે. આને કારણે જ તક મળતાં ઝળકી ઊઠતું તેમનું સાચું વ્યક્તિત્વ પોતાને સંતાડી રાખ્યાનો સંપૂર્ણ બદલો લેવા તે ક્ષણો પૂરતું જાણે કે તેના ઉત્કૃષ્ટ સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. સુનું આવું જ છે. કદાચ સુ મને ચાહતી નથી. સુરેખા અનુભવી તો નથી ને? સુ અનુભવી હોય તેમાં મને કશો વાંધો નથી. સુનું આખું શરીર ચોપાટીની સામે પથરાયેલા અરબી સાગરની જેમ મારી સામે પથરાયેલું છે. પણ એમાં ચોપાટીના દરિયા જેવી શાંતિ નથી. મારે ચાહ્ય તેટલું તેમાંથી હું વાપરું. બબડતાં-બબડતાં, હાંફતાં-હાંફતાં વાપરવાની મજા પણ પડે. અમારો સંબંધ બે શરીરના સંબંધો પૂરતો જ મર્યાદિત છે. જેમ જેમ તે સંબંધમાં દિવસના અડતાલીસમા ભાગના આવેશના ટુકડાઓનો વધારો થતો જાય છે તેમ તેમ તે ગાઢ બને છે અને કદાચ સુ તરફની મારી જરાતરા, રહી-સહી ચાહના પણ તૂટતી જાય છે. પણ ચાહના કદી રહી-સહી હોઈ શકે ખરી? ના, સુને મેં કદી ચાહી નથી. ચાહનાર માણસ સામાના પર સંપૂર્ણ૫ણે શારીરિક અને માનસિક આધિપત્ય જમાવવા માગે છે. પણ સુ અનુભવી હોય તેની સાથે મને કશી જ લેવાદેવા નથી. હું અનુભવી હોઉં તે સાથે સુને કશી જ લેવાદેવા નથી. અમે બંનેએ કદી એકબીજા પર એકહથ્થુ સત્તા ભોગવવાનો પ્રયત્ન કર્યો જ નથી. હું સુને ચાહતો નથી. સુ મને ચાહતી નથી.

*

સુને હું ચાહતો નથી. સુ મને ચાહતી નથી. સુ મને ચાહતી નથી?... મારા અનુભવીપણાએ થાપ અનુભવી હતી. તે દિવસે સુની હથેળીને મારી હથેળી સ્પર્શી. એનામાં ઉશ્કેરાટ હતો, પણ એ ઉશ્કેરાટમાં કશુંક કારુણ્ય કે અસહાયતા હું માત્ર સ્પર્શથી જ વર્તી ગયો. મારા આખા ચહેરા પર છવાઈ જવા માટે એના હોઠ આગળ આવ્યા પણ એના હોઠને બદલે એની આંખ મારા ચહેરા પર રેલી ગઈ. એનાં આંસુ મારા ચહેરાને ભીંજવી ગયાં. હું સમજી ગયો. સુના સ્વભાવમાં આંસુ ન હતાં. ઉશ્કેરાટ જ હતો. મને એની સંપૂર્ણ ખાતરી હતી. એનાં આ આંસુ એના વ્યક્તિત્વનો ભાગ ન હતાં. એ નિષ્કારણ જ વહેતાં હતાં. પણ હથેળીનો સ્પર્શ થવાથી ટપકી પડતાં આંસુમાં માત્ર શારીરિક સંબંધ હોઈ ન શકે. એની પાછળ ચોક્કસ વિચારોની શૃંખલામાંથી વહી આવતો એક ચોક્કસ પ્રકારનો પ્રેમ છુપાયો હોવાની પણ શક્યતા ખરી. દિવસના અડતાલીસમા ભાગનો આવેશ ત્યારે પણ જીવતો તો રહ્યો જ પણ તેમાંની પાંચ મિનિટ તે અશ્રુમિશ્રિત હતો અને બાકીની પાછલી પચ્ચીસ મિનિટ પાછો તે શુદ્ધ ઉશ્કેરાટ બની ગયો હતો. સુમાંથી હવે એકતરફી પ્રેમની નવા પ્રકારની ગંધ મને આવતી હતી. એના હોઠ મારા પર ચીટકી રહેતા હતા – કાયમ માટે; નહીં?

*

સુ મને ચાહતી હતી, હું અનુભવી હતો. કૌમુદી, ચંદ્રિકા, નેત્રા, ગંગા વગેરે. ગંગા જુનવાણી નામ હેઠળ સરસ ‘મૉડર્ન’ છોકરી હતી. પછી કમ્પાલા ચાલી ગઈ. કૌમુદી, ચંદ્રિકા, નેત્રા, ગંગા બધાં સાથેનો મારો વર્તાવ મળીને જાણે કે મારા જીવનનો એક નાનો-શો ભાગ સર્જાતો હતો. એક નવું વાક્ય જાણે કે લખાતું હતું. કૌમુદી પછી એક અલ્પવિરામ. પછી નેત્રા. તે પૂરું થાય તે પહેલાં જ વચ્ચેથી ચંદ્રિકા. છતાં બેની વચ્ચે અલ્પવિરામ મૂકી શકવાની જગ્યા શોધી કઢાય અને પછી ગંગા આગળ પણ અલ્પવિરામ જ – જરા મોટું પણ તોયે વધારે તો અલ્પવિરામ જ. સુ કદાચ એ વાક્યનું પૂર્ણવિરામ તો નહીં બને ને? સુ આગળ એ વાક્ય પૂરું થશે એમ લાગે છે. વાક્ય જ્યાં પૂરું થાય ત્યાં જે ચિહ્ન આવે તે પૂર્ણવિરામ. પછી એ પૂર્ણવિરામ આશ્ચર્યચિહ્નના રૂપમાં પણ હોય કે પ્રશ્નાર્થચિહ્નના રૂપમાં પણ હોય. વાક્યમાં અલ્પવિરામમાં આખા વાક્યનું પૂરેપૂરું રૂપ કદાચ કલ્પી શકાતું નથી. ઘણી વાર તો એના અડધા-પોણામાં છુપાયેલા એના અર્ધઅસ્તિત્વને પારખી કાઢવું પણ મુશ્કેલ બને છે. જ્યારે તેમાંથી કશો પણ અર્થ કાઢવો મુશ્કેલ હોય ત્યારે આવી વખતે એ અડધા વાક્યનું હોવું ન હોવું બધું સરખું જ બની જાય છે. પણ વાક્ય પૂરું થાય ત્યારે એ સંપૂર્ણ અર્થ સાથે આપણી સામે આવે છે અને આગલા વાક્ય કરતાં પોતાની પૃથક્તાનું જાણે કે ભાન કરાવી દે છે. કૌમુદી, ચંદ્રિકા, નેત્રા પછી સુ પૂર્ણવિરામ, કદાચ, બનવાની હોય – કેમ કે મારા જીવનનું એ અધૂરું વાક્ય જાણે કે સ્પષ્ટ થતું જતું હતું. હું કશુંક બદલાયો હતો. હું ‘હું’ નહોતો રહ્યો. હું કોઈ બીજી જ વ્યક્તિ બની ગયો હતો. તે વિરંચી ક્રીમવાલા હતો. બા-બાપુજી નાનપણમાં વીરિયા-વીરિયા કહીને મારતાં, વઢતાં, નિશાળે મોકલતાં, ખાવા બોલાવતાં. મોટો થતાં બંને વીરુભાઈ કહેતાં. રેખા વીરચંદ નાણાવટી – મારી મોટી બહેન –રંચી કહેતી. એ બધામાં હું ‘હું’ હતો. પણ આ આખું નવું વાક્ય જીવી જનાર ‘હું’ હતો? ના, એ તો કોઈ જુદું જ તથ્ય હતું. આવી જિંદગી જીવવાની વીરિયા કે વીરુભાઈ કે રંચીની તાકાત ન હતી. તેમનામાં એ સત્ય જ ન હતું અને વીરિયો કે વીરુભાઈ કે રંચી ભલે પલટાતાં સ્વરૂપો હોય પણ તે બધામાં જે બધું હતું તે મારા પોતીકા વ્યક્તિત્વમાંથી જ ઊપસ્યું હતું. પણ આ આખી નવા તબક્કાવાળી કૌ ને સુ ને ગંગા ને ચંદ્રિકાથી ભરેલી ને તેને ભરડો લેતી જિંદગી જિવાડવામાં આ આખા વ્યક્તિત્વમાં ઉમેરાયેલા કોઈ નવા જ તત્ત્વનો ભાગ હતો. એ નવું તત્ત્વ જાણે કે મારામાં અચાનક આવી ગયું હતું. વીરિયા, વીરુભાઈ કે રંચી વિનાનું એ બીજું કોણ? ‘હું’ સિવાય એ ત્રીજી જ વ્યક્તિ તે જ પેલી વિરંચી ક્રીમવાલા કે શું? બા-બાપુજી વિરિયા અને પછીથી વીરુભાઈ કહેતાં. બહેન રંચી કહેતી. ચિડાતી ત્યારે એ પણ વીરિયા બોલી પડતી ખરી! નિશાળના દોસ્તો બધા ક્રીમવાલા કહેતા. એક ખાસ ફ્રેન્ડ હતો તે વી. એસ. કહેતો. ના, હું તો કદી વિરંચી ક્રીમવાલા, આ પહેલાં, ન હતો. જવાન વયસ્ક માણસો પોતાના નામ અને અટકના મિશ્રણથી બનેલા નામ વડે ઓળખાય છે. હા, એ જવાન અને વયસ્ક તે જ વિરંચી ક્રીમવાલા.

*

વિરંચી ક્રીમવાલા તે જાણે કે ‘હું’ છું જ નહીં. મારો ‘હું’ તો સોડાવૉટરમાંના અંગારવાયુની જેમ અજાણતાં જ મને હાથતાળી આપીને છટકી ગયો છે. વિરંચી ક્રીમવાલા સારો માણસ છે. એ બધા સાથે હસી હસીને વાતો કરે છે. સુને એ રમાડે છે. દર ત્રણ દિવસે નખ કાપે છે. સવાર-સાંજ ‘ટૂથ-પેસ્ટ’ ઘસે છે. ‘પેસ્ટ’ કર્યા પછી થોડું ‘પેસ્ટ’ ટ્યુબમાંથી કાઢીને ચાખી લેવાની તેને ટેવ છે. એને પેસ્ટ ભાવે છે. પણ પેસ્ટ કરતાં વધુ તો સુનાં હોઠ ભાવે છે. ‘પેસ્ટ’માં ઝણઝણાટભરી મીઠાશ છે. સુના હોઠોમાં મીઠાશથી ભરેલી તીખાશ છે. એ હોઠો સમગ્ર ક્લીન શેવ પર છવાઈ જાય છે અને દાઢીના ખરબચડા વધતા વાળ ભેગા પણ તે ઉસરડાતા નથી. સુને મન વિરંચીનો દરિયો ઊછળે છે. વિરંચીને મન સુનો દરિયો ઊછળે છે. બે દરિયા એકબીજામાં સ્નાન કરે છે અને પછી સ્વચ્છ ટુવાલ વતી પોતપોતાના દેહને લુછી નાખીને મુંબઈમાં ગોળ-ગોળ, ચોરસ-ચોરસ, વાંકા-ચૂંકા ફરે છે

*

ટપાલી વિરંચી ક્રીમવાલાના નામનો કાગળ સી-થ્રીની રૂમમાં નાખી જાય છે. વાંચતી વખતે વિરંચીના ચહેરા પર સુના હોઠ તરફડ્યા કરે છે. વિ.ના ચહેરા પર સુએ એક દિવસ પોતાની આંખે ખેરવેલી. વિ.ના ચહેરા પર ખેરવેલી આંખો પર સુના ખેરવેલા હોઠ તરફડ્યા કરે છે. ચહેરા પર રેલાયેલી સુની આંખોને લીધે ચહેરા પર તરફડતા સુના હોઠનો મીઠો આવેશ વિ.ને મન થોડો ઓછો થઈ જાય છે. દિવસના અડતાલીસમા ભાગનો આવેશ બારના ટકોરાની આસપાસ પૂરો થઈ જાય છે. કદીક સુનો આવેશ ઠલવાયા કે પૂરો થઈ ગયા વિના એકલો એકલો જ સિંગલ બેડમાં તરફડે છે. વિ.નો નાટકીય આવેશ તરફડતો નથી પણ કશીક તાલાવેલી તો એ જરૂર અનુભવે છે ને પછી દ્રાક્ષની લૂમ જેવા સુના હોઠ બીજે દિવસે સુની સાથે હાજર થઈ જાય છે. વિ.માં માત્ર શારીરિક સંબંધો જ વિકસે છે. સુનામાં વિ. માટેનો પ્રેમ પાંગરતો જાય છે, સુનું પેટ ફરકે છે.

*

સુરેખાના હોઠ દ્રાક્ષની લૂમ જેવા છે. પણ વિ.ના ‘ક્લીન શેવ’ પર હવે તે આખો દિવસ તરફડતા નથી અને દાઢીના ખરબચડા વાળ પર બ્લેડના એક ઘસરકા ભેળા જ સાબુના ફીણની સાથે તે ઉસરડાઈ જાય છે. દિવસના અડતાલીસમા ભાગમાં સુના હોઠો ચુસાય છે ને બે દરિયા એકબીજામાં સ્નાન કરીને સ્વચ્છ ટુવાલથી શરીર લૂછી નાખે છે. હાંફતી સુનો ઉચ્છ્વાસ વિના ચહેરા પર છવાતો જ નથી અને ઉપરઉપરથી ચહેરાને સ્પર્શીને ચાલી જાય છે. વિનો ઉચ્છ્વાસ અને હોઠ સુના દ્રાક્ષ જેવા હોઠ પર આખો દિવસ છવાયલા રહે છે અને પવન વિના પણ તે ‘ઑફિસ’ના ‘લંચ-અવર’માં ફરકી જાય છે, હોઠ પર જ...

*

સોમવાર, તારીખ દશમી એપ્રિલને દિવસે રાત્રે બાર વાગ્યા સુધીનું યુદ્ધ પૂરું થાય પછી વિરંચી સુરેખાને મૂકવા માટે તેના ઘર સુધી આવ્યો. સુરેખા ખુશ હતી. શારીરિક ભૂખની તલબવાળી વ્યક્તિઓના ખૂણામાં પણ સ્નેહ ટૂંટિયું વાળીને પડી રહે છે. ટૂંટિયું વળીને પડેલો સ્નેહ જરા જુદી રીતે ફરકે છે. વિરંચી જેમ રેખાના વ્યક્તિત્વને જોવાના બહાનાને બુરખો બનાવી સુને મળ્યો ને વિરંચીની હથેળીના સ્પર્શના બહાનાના બુરખા હેઠળ જેમ સુમાં આવેશ પ્રગટતો તેમ સુને ન ચાહવાના બુરખા હેઠળ વિરંચી તેને ચાહતો જ હતો કે શું? અને પૂર્ણવિરામને પૂર્ણવિરામ કે પ્રશ્નાર્થ કે આશ્ચર્યચિહ્ન – કોઈપણ સ્વરૂપમાં પામતો જ ન હતો કે શું? ખબર નથી. વિરંચી સુરેખાને મૂકવા માટે ઘરે ચાલ્યો. રોજની ટેવની જેમ સુરેખા બરામદામાં ઊભી રહી. વિરન છેલ્લી ‘ડેકર’ પકડવા માટે ઝડપથી ‘સ્ટૉપ’ તરફ જવા માંડ્યો. સુરેખાએ મીઠા અવાજે, લાડભર્યા અવાજે બૂમ મારી ‘ટાટ્ટા...’ હાથ હલાવ્યો. દોડતા જેવું ચાલતા વિરનને તે અરધી-પરધી સંભળાઈ. તેણે અરધો-પરધો હાથ ચલાવી પૂરેપૂરો જવાબ આપ્યો : ‘બાય બા...ય’