હનુમાનલવકુશમિલન/બિલાડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બિલાડી

બહાર દિવાળીના ફટાકડાની તડાતડી બોલી ગઈ. આગલા ઓરડામાં બાપુજી પીરુમલ મારવાડીને ‘ધર્મ-અધર્મ અને તેના ચાર પાયા’ પર પ્રવચન આપતા હતા. વચ્ચેના એરડામાં ‘ઉર્દૂ સર્વિસ’ કજરી ચાલતી હતી ને શશી બાંકડાને અઢેલીને તાલ આપી સાથે ગાવામાં ૫ણ સથવારો આપવાનો સહૃદય પ્રયત્ન કરતો હતો. બા એને પોતાનો ગૌરવવંતો ભૂતકાળ ને પરાક્રમગાથાઓ સંભળાવવામાં તલ્લીન હતી. એ પ્રતિ પણ શશી યંત્રવત્ ડોક ધુણાવ્યે જતો હતો. અને સાથે જ અત્યારે એ તરફ ધ્યાન આપવા જેવો પિતાને સમય નથી એ બા ન સમજી શકતી હોવાના વિષાદને માંડ મોં પરથી દૂર રાખવાનો ઠાવકો પ્રયત્ન કરી વળી પોતાના તાલ અને ગીતને જોરદાર કરતો જતો હતો. ઉપર પ્રીતિ ને નીચે રસોડામાં ડાઈનિંગ ટેબલ પર સુભાષભાઈ વાચન કરી રહ્યાં હતાં. પાછલી બારીમાંથી માટલું કૂદીને ભૂખરી બિલાડી અંદર આવી ગઈ. ખખડાટ થયો એટલે સુભાષભાઈની આંખ ઊંચી ઊઠી બિલાડી પર પડી. બિલાડીએ સુભાષભાઈ સામે જોઈ કહ્યું – ‘મ્યાઉં!’ એટલે સુભાષભાઈની આંખો રસોડામાં બધે ફરી વળી. ગૅસ પર મૂકેલા દૂધને ઊભરો આવી રહ્યો હતો. શાકની તપેલી ને રોટલીનો દાબડો ખુલ્લાં હતાં. ફરી સુભાષભાઈની નજર બિલાડી પર પડી. મોં પર એક મૂંઝવણ આવી. નજર બાજુના રૂમ તરફ ઊઠી. પણ ત્યાં ભીંત હતી ને બારી કબાટના ખુલ્લા બારણાથી ઢંકાઈ ગઈ હતી એટલે કંઈ દેખાયું નહીં પણ બધું સંભળાયે જતું હતું એટલે સુભાષભાઈએ પાછો શ્વાસ છોડ્યો. હડપચી હાથ પર ટેકવી જરા વિચારમાં ડૂબ્યા. બિલાડીના મ્યાઉંએ સદ્ભાગ્યે બાની સમાધિ છોડાવી. એ દોડતી રસોડામાં આવી. બિલાડી ભાખરી સૂંઘવાની તૈયારીમાં જ હતી. બાની આવવાની શૈલીએ જ એને ભગાડી મૂકી, પણ દૂધ તો ઉભરાયું જ. ઝડપથી બાએ ગૅસ બંધ કરી દીધો. મોં રડવા જેવું થઈ ગયું. નજર ઊઠીને સુભાષભાઈ તરફ ગઈ. એમનું ડોકું પાછું ચોપડીમાં. બધી મલાઈ નીચે નકામી ચાલી ગઈ હતી. ‘દૂધ બળે છે, મંજુબહેન.’ પીરુમલના નાકે સૌ પ્રથમ પારખી લીધું તે રસોડા પ્રતિ નજર જતાં એ અંગે વ્યવસ્થા થઈ ગઈ છે એ જોઈ લીધું. પ્રતિક્રિયામાં બાપુજીના મોંમાંથી કશાક લાંબા પ્રવચનના વિકલ્પે હમણાં હમણાં જ અપનાવવો પડેલો લાક્ષણિક ઊંહકાર સરી પડ્યો. ને એક નાના અવકાશ બાદ એમનું નિયમિત પ્રવચન વળી આગળ ચાલ્યું. અણધાર્યું જ મહોલ્લાંના ટાબરિયાનું એક ટોળું હો હો કરતું અંદર ધસી આવ્યું. ને આગલો રૂમ વટાવી સાવ અવિધિસર રીતે વચલા રૂમમાં આવી બાંકડા નીચે, કબાટ નીચે, બારણા પાછળ બધે ડોકિયાં કરવા લાગ્યું. ‘શું છે? શું છે?’ શશી, બાપુજી બધાની પૂછપરછ તરફ ખાસ ધ્યાન આપ્યા વગર એમની નજર રસોડા તરફ વળી. – ‘એઈ પેલ્લું’ એકે આંગળી ચીંધી. હવે સુભાષભાઈની નજર ઊડીને એ આંગળીને તાંતણે ડાઈનિંગ ટેબલની નીચે પહોંચી. ટેબલના એક પાયાની પાછળ છુપાવાનો પ્રયત્ન કરતું બિલાડીનું એક નાનકડું બચ્ચું ધ્રૂજતું ત્યાં બેઠું હતું. શશી ને બા પણ ધસી આવ્યાં હતાં. બાપુજીનું પ્રવચન અટકી પડ્યું હતું. એમાં પીરુમલને ઊઠવાનો મોકો મળી ગયો હતો. રસોડાની અંદરના વર્તમાન જાણવા કરતાં એને સ્વતંત્ર થવામાં વધારે રસ હોવાથી પ્રણામ કરી એ ઓટલો ઊતરી ગયો. બાપુજીના કાન રસોડા તરફ સરવા બન્યા ને મોં પર વ્યગ્રતા આવી ગઈ – આ બધું શું ચાલે છે! ‘શું છે? કેમ એની પાછળ પડ્યા છો?’ શશીએ મામલો હાથ પર લીધો. ‘કોનું બચ્ચું છે? એ ક્યાંથી આવ્યું છે?’ એક ટાબરિયાની નજર ભૂખરી બિલાડી પર પડી. નીચે વેરાયેલા દૂધ પર નજર નાખીને એ રસોડાની જાળી ઉપર સળિયા પર ટેકવીને બે પગે ઊભી થઈ ડોકાતી હતી – ‘એ...ય, એની મા!’ બા રસોડાની જાળી ખોલવા ગઈ એટલે બિલાડી વાડાના અંધારામાં નાસી ગઈ. શશીએ બચ્ચાને ઊંચકીને વાડામાં મૂક્યું. ને બિલાડીને બૂમ પાડી – ‘આવ, મ્યાઉં મ્યાઉં, આવ.’ ટોળું આમન્યા જાળવી રસોડાના ઉંબરે જ થોભી ગયું હતું. બિલાડીએ તુલસીક્યારા પાછળથી ડોકિયું કર્યું ને બચ્ચું મ્યાઉં મ્યાઉં કરતું એની પાસે ચાલ્યું ગયું. હવે શશી ટોળા તરફ વળ્યો ને એને વિખેરી કાઢવા લાગ્યો. એક પડોશનો સૂરિયો એનો આગવો હક્ક બતાવતો ઊભો રહ્યો. ટોળું હજુ માંડ વિખેરાયું ત્યાં બાએ કહ્યું, ‘એ...ઈ, આ તો ઘૂરકે છે!’ હવે સુભાષભાઈ ઊઠ્યા ને વાડામાં આવ્યા. બચ્ચું બિલાડી પાસે જઈ હવે પાછું ફરતું હતું ને બિલાડી એને જોઈ રહી હતી. બચ્ચું સુભાષભાઈએ ઊંચકી લીધું ને સૂરિયાની ઊલટતપાસ શરૂ કરી. જાણવા મળ્યું કે એ તો લાટીમાં લાકડા ઉપર બેઠું હતું. ને ત્યાંથી દોડતું બહાર આવ્યું. બધા પાછળ પડ્યા એટલે અહીં ભરાઈ ગયું. ‘ભૂલું પડ્યું લાગે છે. લાટીમાં જ જવા દો એને.’ બાએ કહ્યું. સુભાષભાઈ એને ઊંચકીને નીચે પડેલા દૂધ આગળ લઈ આવ્યા. પેટ સાવ ખાડા જેવું થઈ ગયું હતું. ચાલતાંયે નહોતું ફાવતું એને. પાછલું અડધું શરીર જેમતેમ ઘસડતું હોય તેમ ચાલતું હતું. થોડુંક દૂધ તો એણે માંડ ચાટ્યું ને પછી મોં ફેરવી લીધું. વળી વળીને સુભાષભાઈના મોં સામે જોઈને મ્યાઉં મ્યાઉં કરવા માંડ્યું. બા અને શશી બાંકડા ઉપર બેસી ગયાં હતાં. પ્રીતિ પણ દાદરના કઠેડા પરથી ડોકાવીને જેતી હતી. ભૂખ્યું તો ખાસ્સું લાગે છે. ભાખરી નાખી જોઈ હોય તો? સુભાષભાઈની નજર ભાખરીના ડબ્બા પર પડી. એ બંધ હતો. પાછી બચ્ચાં પર પડી. બચ્ચું દરમિયાનમાં ચાલતું ચાલતું બારણે જતું હતું. સુભાષભાઈ એની પાછળ પાછળ ચાલ્યા. આગળ જાળી વાસેલી હતી, સુભાષભાઈએ તે ઉઘાડી નાખી. ‘આવતા રહો હવે, એ તો જતું રહેશે એની મેળે એની મા પાસે.’ શશીએ કહ્યું. સુભાષભાઈ આંચકાની જેમ પાછા ફર્યા – ‘I don't think so’ એણે ભાલાની જેમ નજર શશી પર નાખીને પછી લાચારીથી ડોક નીચે કરી દીધી ને પાછા મૂળ ડાઈનિંગ ટેબલ આગળ જઈને બેઠા. શશીએ ડોકું ફેરવી હોઠ વાંકો કર્યો. પ્રીતિ ધબ ધબ ધબ અવાજ કરતી ઉપર ચાલી ગઈ. બા પહેલેથી જ આ બધા તરફ નિર્લક્ષની જેમ સીધું મોં રાખીને બેઠી હતી. બાપુજી જાજરૂ ચાલ્યા ગયા હતા. સુભાષભાઈ હાથની મુઠ્ઠીઓ વાળી સામસામે ઠોકતા બેઠા રહ્યા. બચ્ચું ઉંબર આગળથી બહાર થોડીવાર તાકી રહ્યું. ને પાછું અંદર વચલા ઓરડામાં દોડી આવ્યું. સુભાષભાઈએ ત્યાં આવી એને ઊંચકી લીધું તે પંપાળવા માંડ્યું. પાછું દૂધ આગળ મૂકી જોયું. બધું દૂધ ચાટી ગયું ને પાછું સુભાષભાઈ તરફ જોઈ વધારેની માગણી કરવા લાગ્યું. બા ને શશી બધું જોતાં હતાં. સુભાષભાઈની નજર કબાટ પર પડી. તારની જાળીમાંથી અંદર ઢાંકેલું દૂધ દેખાતું હતું. રેડિયો તો ક્યારનો બંધ થઈ ગયો હતો. સુભાષભાઈ ઊભા થયા : કંઈ નહીં, કાલે મારે પીવાના દૂધમાં એટલું ઓછું લઈશ. કેટલું નાનું છે બિચારું – વળી થોડું દૂધ બચ્ચાંને રેડ્યું. ‘દૂધમાં થોડુંક પાણી નાખીને પીવાડો.’ સૂરિયો આગલે બારણેથી તાકતો હતો તેણે ત્યાંથી જ બૂમ પાડી. સુભાષભાઈએ પાછી ભાલા જેવી આંખો ઊંચી કરી ને ત્યાં માંડી. સૂરિયો ત્યાંથી સરકી ગયો. બચ્ચાંને દૂધ આગળ મૂકવા જતાં પહેલાં સુભાષભાઈને થયું : ભાખરીના કટકા દૂધમાં બોળીને નાખી જોઈએ. બા ને શશી જોયા જ કરે છે બધું. કંઈ નહીં. સુરેશભાઈએ માપીને ભાખરીનો એક ટુકડો ડબ્બામાંથી તોડ્યો ને કટકા દૂધમાં બોળવા માંડ્યાં. જાજરૂમાંથી બાપુજી બહાર આવ્યા ને બાજુમાંથી પસાર થઈ આગલા ઓરડા તરફ ચાલ્યા. ‘એમ તો સાવ દૂધની જ ટેવ પડી જશે.’ રોજ રાતે સૂતા પછી બાપુજીને એક ઉંદર ‘કટ કટ’ અવાજથી સૂવા નહોતો દેતો. જરા અટકી પછી—‘પછી તો જેવી મરજી તમારી!’ ને પછી પેલો લાક્ષણિક ઊંહકાર ને આગલા ઓરડામાં પ્રસ્થાન. બિલાડી ફક્ત દૂધ દૂધ ચાટી ગઈ. કટકા જેમના તેમ પડ્યા રહ્યા. વારે વારે સુભાષભાઈએ બિલાડીને એ આપી જોયા. અડધોક કટકો ખાધા પછી બિલાડીએ પ્રયત્ન છોડી દીધો. મ્યાઉં મ્યાઉં કરતી એ સુભાષભાઈની આસપાસ ફરવા લાગી ને પૂંછડી ને શરીર તંગ કરીને એના શરીર સાથે ઘસવા લાગી. છેલ્લે સુભાષભાઈના ખોળામાં બેસી ગઈ. અચાનક કશુંક જોયું હોય તેમ કૂદી. પણ છેતરાઈ. સુભાષભાઈના માથાનો પડછાયો જ એ તો હાલતો હતો. ‘ઉસ્તાદ છે’, શશી એની તરાપ પર ખુશ થઈને બોલ્યો. ને એક ખાલી રબ્બરની શીશી નીચે નાખી. તરત બિલાડી એના પર કૂદી ને એને આમ જ તેમ ઉથલાવી ચીરવાના, ખાવાના પ્રયત્ન કરવા લાગી. ‘જોયું કે, જોયું કે?’ શશીને વધુ રસ પડ્યો ને બાનું ધ્યાન ખેંચ્યું.

       સુભાષભાઈ ઊઠીને પાણી પીવા લાગ્યા.

શીશી સાથે થોડુંક રમીને બિલાડીએ એ મૂકી દીધી ને શશીની ફરફરતી લુંગીના છેડા પર ટીંગાઈ ગઈ. હાથવતી શશી લુંગી ઊંચે ખેંચવા લાગ્યો તો એણે હાથ પર કૂદકો માર્યો. શશીની એક ટપલીથી નીચે પછડાઈ. ‘એંહ, એંહ! એનું જોર જોયું કે!’ બાને હસવું આવી ગયું. બિલાડી આગલા રૂમમાં ભાગીને લાંબે રાગે બાપુજી સામે જઈ બૂમ પાડવા લાગી. ‘ગયા જન્મની ઓળખાણ લાગે છે. આ તો અહીં આવીનેયે વાતો કરવા માંડી! ઉપર બેસવું છે તારે, શું છે?’ બાપુજીએ એની સાથે વાત આરંભી. ચૂપ થઈને બિલાડી ઓટલા પર નીકળીને બધે જોવા લાગી. પછી પાછી અંદર ચાલી આવી. સુભાષભાઈએ એને પાછું ઊંચકી લીધું ને ઉપર ચાલ્યા ગયા. ઉપર ટેબલલૅમ્પ સળગાવીને પ્રીતિ કોઈ લખેલો કાગળ કવરમાં બીડતી હતી. સુભાષભાઈને જોઈને એણે કાગળ ખાનામાં નાખી દીધો ને ટેબલ પરની ચોપડીઓ ફેંદવા લાગી. સુભાષભાઈએ અણગમામાં ડોકું ઝાટક્યું ને પાછા નીચે આવી ગયા. બચ્ચાએ એક મંકોડા ઉપર તરાપ મારી ને મંકોડાના ડંખથી પગ ખંખેરી તે જુદા સ્વરમાં મ્યાઉં મ્યાઉં કરવા લાગ્યું. વળી બા ને શશી ખડખડાટ હસી પડ્યાં. ‘શું થયું, શું થયું?’ કરીને હસતી હસતી જ પ્રીતિ નીચે આવી. ‘જોકર છે, જોકર.’ કહીને બાએ આખું વર્ણવી બતાવ્યું. સુભાષભાઈ પાછા પેલા દૂધવાળા રોટલીના ટુકડા લઈ આવ્યા. ઉંદર જેવું હાલતું ચાલતું જોશે તો ખાશે. સુભાષભાઈએ દૂરથી એની તરફ એ રીતે કટકા લસરતા ફેંક્યા. બચ્ચું તરાપ મારવા લાગ્યું. વળી ફરીથી ખાવા પ્રયત્ન કરી જોયો પણ બરાબર ચાલ્યું નહીં. બચ્ચું વળી ખૂણાખાંચરા ફંફોસવા માંડ્યું. બાંકડા પરથી પાછો શશી એને મોં વતી અવાજ કરી બોલાવવા લાગ્યો. એની હાલતનું આ લોકોને શું ભાન? સુભાષભાઈએ બચ્ચા પર હાથ ફેરવ્યો. બિચારું રોજ અત્યારે તો ઉંદરો ખાઈને માની ગોદમાં સૂઈ જતું હશે. સુભાષભાઈના હાથ નીચેથી બચ્ચું શશીના પગ તરફ સરક્યું. સુભાષભાઈને એની બહુ દયા આવી ગઈ : ત્યાં તો કશું નથી, અલ્યા. ધીમેથી ઊઠી પાછા ડાઈનિંગ ટેબલ આગળ વાંચવા બેઠા – સંવાદ ને અવાજ પરથી લાગતું હતું કે બચ્ચું શશીના પગ પર તરાપ મારતું હતું ને શશી પગને આમતેમ હડસેલી એને દોડાવતો, કુદાવતો હતો. સુભાષભાઈએ એક હળેવો ખોંખારો ખાઈ ગળું સહેજ સાફ કરી લીધું. ‘નાચ મેરી જાન ફટાફટ.’ ઉપરથી બારણું ખૂલવાનો અવાજ આવ્યો ને પ્રીતિ ગાતી ગાતી બહાર આવતી લાગી. ‘ઓ હમસે સનમ ક્યા પરદા ઓ ઓ ઓ ઓ હમસે સનમ...’ ધડબડ ધડબડ ધડબડ કરતી પ્રીતિ દાદર ઊતરીને પાણી પીવા ચાલી ગઈ. ‘હરે હરે.’ બાપુજીનો ઉદ્ગાર આગલા એરડામાંથી આવ્યો. પાણી પીને પાછા આવતાં પ્રીતિએ રેડિયોની ‘ઉર્દૂ સર્વિસ’ ફેરવી નાખીને ‘સીલોન’ મૂકી દીધું. અવાજ મોટો કરી દીધો. બચ્ચું શશીને મૂકીને પ્રીતિના પગમાં અટવાવા લાગ્યું. ગાયન ભેગું પ્રીતિએ પણ ગાવા માંડ્યું. અવાજ મૂળ ગીતને અનુરૂપ થવાના પ્રયત્નમાં નાનો બની ગયો ને નાકમાંથી આવવા માંડ્યો ને ખાસ કોઈ ચડાવ-ઉતાર વિના મૂળ ગીતની સાથે રહેવામાં હાંફવા માંડ્યો. ‘જો તો, જો તો. તોફાન કરે છે કેમ?’ પ્રીતિ બિલાડીને ટપલી લગાવતી હતી. ‘ટણણ ટણણ લલલ લલલ...રહતી હૈ આબાદ. ઝિંદાબાદ, ઝિંદાબાદ, અય મહોબ્બત ઝિંદાબાદ... શટ અપ. બેસ બેસ. હંઅંઅં...એમ.’ એ પાછી ઉપર જવા માંડી, ‘આવજે.’ ‘દોડ્યું, દોડ્યું’ બા બોલી. ધડબડ ધડબડ પ્રીતિના દોડવાનો ને પાછળ બચ્ચાનો ધીમો દાદર ચડવાનો અવાજ આવ્યો. સુભાષભાઈએ વાંચવામાં પાછું ધ્યાન પરોવ્યું. શશીએ રેડિયોનો અવાજ ધીમો કર્યો ને સ્વિચ ‘ઉર્દૂ સર્વિસ’ તરફ ફેરવી. ત્યાં ઉપરથી અવાજ આવ્યો, ‘મસ્ત ગાયન આવે છે, એમ જ રહેવા દે ને પ્લીઝ.’ એટલે શશીએ પાછું યશાવત્ કરી દીધું ને મોં ફુલાવી ધબધબ અવાજ સાથે રસોડામાં આવી અવાજ સાથે કબાટ ખોલી સૂતા પહેલાંનું દૂધ પીવા માંડ્યો. ‘જાલીમ તેરી શરાબને ક્યા ક્યા બના દિયા...’ સુભાષભાઈનેયે હવે ઊંઘ આવતી હતી. પણ એના રૂમનો કબજો જમાવીને પ્રીતિ બેઠી હતી. અંદર લાઈટ સળગતી હતી. ચોપડીઓ બંધ કરી સુભાષભાઈ વચલા રૂમમાં આવ્યા ને એકલા બાંકડા પર બેઠા. ખાધા પછી વજ્રાસન કરવું જોઈએ પણ ડાઈનિંગ ટેબલ પર બરાબર ફાવતું નથી. કંઈ નહીં, મોડું તો મોડું. ઊંઘ બહુ સખત આવતી હતી. કાલે રાતે પણ મોડું સુવાયું, પછી ઊંઘ નહોતી આવી. ઊઠીને એક-બે વાર અડધો દાદર ચડીને જોઈ આવ્યા. બાજુના બંધ ઓરડામાં હજુયે લાઈટ બળતી હતી ને આ ઓરડામાં બધાં સૂઈ ગયાં હતાં. વાંચવું હોય તો અહીં નીચે નથી વંચાતું? મોડું વાંચવાનુંયે— સુભાષભાઈની નજર રેડિયો પર ઠરી. એમણે નીચલો હોઠ કરડ્યો. ચૂપ. Silence is the top of wisdom. બાપુજી રસોડામાંથી ગરમ પાણી પી આવ્યા ને પથારી કરવા લાગ્યા. પીછોડી જોરથી ખંખેરીને ગોદડા પર ઝાપટવા માંડયા. ધૂળને લીધે છીંક આવી ગઈ. ઉપર બારણું ખૂલ્યું, લાઈટ બંધ થઈ ને પ્રીતિનાં પગલાં આ ઓરડામાં સંભળાયાં. સુભાષભાઈ ઉપર ચાલ્યા ગયા. પાછળ બાપુજીનું ‘ઊંહ્’ ને રેડિયાનું બંધ થવું સાંભળીને જવું પડશે. રસ્તા વચ્ચે પથારી કરે છે ને પછી – કાલે જ પગ કચરાઈ ગયો એમાં તો – અંધારામાં હાથ ફંફોસતાં સુભાષભાઈ રૂમમાં આવ્યા. બારણું બંધ કરી લાઈટ કરી. ‘મ્યાઉં, મ્યાઉં.’ ઝરુખાના બંધ બારણા પાછળથી બચ્ચું બોલતું હતું. પ્રીતિ એને ઝરુખામાં પૂરી ગઈ હતી. બિચારું! મા વગરનો પહેલો દિવસ એનો. કોણ જાણે મા એને મળશે કે નહીં. બારણું ખોલ્યું એટલે બચ્ચું એમની પાસે આવી પગની આસપાસ ફરવા માંડ્યું. સુભાષભાઈએ એને પંપાળ્યું. પછી ઊંચકીને ચામડાની પેટી પર મૂક્યું. સૂઈ જશે. પણ નહીં. ત્યાંથી ઊઠી પાછું એમના પગ પાસે આવ્યું ને ઉપર એના મોં સામે જોઈ પગની આસપાસ આંટા મારવા માંડ્યું. લાઈટ બંધ કરી. લાઈટને લીધે હોય. પણ નહીં. પથારીમાં પલાઠી વાળીને બેઠા પણ ત્યાં પાછું એમની આસપાસ – ‘ઘૂરુર્ર ઘૂરુર્ર ઘૂરુર્ર’ એના શ્વાસ સાથે ગળામાંથી આછી ઘુરઘુરાટી આવતી હતી. ઊંઘ સખત આવતી હતી. બગાસું આવ્યું. આજે પણ ઊંઘ ઊડી જશે કે શું? નીચે બાપુજી જાજરૂ જઈને આવ્યા. બારણું બંધ કર્યું ને લાઈટ બંધ કરી દીધી. એમનો પથારીમાં પડવાનો આછો અવાજ : ‘ઓ ઓ ઓમ અ...’ સુભાષભાઈએ લાઈટ કરી ને બિલાડીને હાથ ફેરવવા માંડ્યો. બિલાડી એમની પલાંઠી પર લુંગીમાં ચડી આવી ને ડોક ટટ્ટાર કરી એમના બીજા હાથ તરફ એકીટશે જોવા માંડી. અચાનક પંજો માર્યો. ‘ઓય, આ તો નખ મારે છે.’ હાથ ઉપર તરફ જતાં બચ્ચું નીચે ઊતરી ઉપર હાથ તરફ તાકી રહ્યું. ને પાછું ઘુરઘુરાટી સાથે શરીરને ઘસાઈ ફરવા માંડ્યું. પગના પોલાણમાંથી એક પંજો એણે પલાંઠીની નીચે નાખ્યો ને પછી મોં પણ– સુભાષભાઈએ એને હડસેલી દીધું. બિચ્ચારું આજે ઉંદર વિના રહ્યું. પાછું એક વાર નીચે દૂધવાળી ભાખરીના પડેલા ટુકડા પાસે એને લઈ જવા મન થયું. ભૂખ્યું હશે. બાપુજી સૂઈ ગયા છે. લાઈટ બંધ કરી દીધી ને બીજી બધી પંચાત છોડી એ સૂઈ ગયા. બચ્ચું પલંગ પર કૂદી આવ્યું. ઘૂરુર્ર ઘૂરુર્ર ઘૂરુર્ર શ્વાસ ચહેરા પર અથડાયો. અરે! ગોદડું ખેંચી માથે-મોઢે આખા શરીર પર ઓઢી લીધું. ‘મ્યાઉં મ્યાઉં’ બચ્ચું ચોમેર આંટા મારવા માંડ્યું. ઘૂરુર્ર ઘૂરુર્ર ઘૂરુર્ર... ગોદડાના બધા છેડા ચારેબાજુથી ‘પેક’ કરી દીધા. ક્યાંક અંદર ઘૂસી ન આવે કે પગ નાખીને નખ ન મારે. સાલું જરા વિચિત્ર તો છે જ આ. આગળ કોઈ આવું જોયું નહોતું. ઘૂરુર્ર... અંદર ખૂબ તાપ લાગતો હતો. પરસેવો પરસેવો. શ્વાસ પણ લેવાતો નહોતો. મગજ જરા ભારે થઈ ગયું હતું. ઊંઘ તો આજેયે હવે— મિયાઉં– કાન પાસે. આખરે નિરાશાનો છેલ્લો સૂર કાઢી એકાદ બગાસા સાથે બચ્ચું નીચે કૂદી પડ્યું. ઓહ, હાશ. હમણાં આવશે પાછું. થોડી વાર રાહ જોઈ પછી ગોદડું કાઢી નાખ્યું. હાશ. નીચે જ ક્યાંક સૂઈ ગયું હતું. બગાસું. ઘડિયાળમાં ક્યાંક બારના ટકોરા થયા. ખલાસ હવે. આજે તો મચ્છરદાની બાંધવાનીયે– પણ હજુયે બાંધી લેવી ઠીક રહેશે. અવાજ ન થાય તેમ ઉપર બેઠાં બેઠાં જ જેમતેમ મચ્છરદાની બાંધી દીધી. ચોમેરથી બરાબર ઊંડી ખોસી દીધી ને એક વાર બરાબર જોઈ લીધું. ગૂંગૂંગૂંગૂંગૂં... એકાદ મચ્છર અંદર રહી ગયો હતો. પણ એનો બહુ વાંધો નહીં. થોડી વારમાં જ મચ્છરદાની આગળ બહાર નીકળવાનાં ફાંફાંમાં પડી જશે. આ વખતની ડ્રામા કોમ્પિટીશનમાં – ડાયરેક્શન, ફક્ત ડાયરેક્શન; આ વખતે એકટિંગ નહીં. સ્ક્રિપ્ટ કઈ લેશું? એડેપ્ટેશન જ લેવું પડશે પાછું. હાથમાં શિલ્ડ. તાળીના ગડગડાટ. ઘરે શિલ્ડ ટેબલ પર મૂકતાં બધાનાં મોં ફુસ્સ્... (પ્રીતિ કપ જીતે ત્યારે તો...) પછી એક અલગ શો કેસ. ને એ નહીં કરવા દે તો એમ ને એમ ક્યાં? પ્રીતિના શો કેસની સામે કબાટ પર પોલિથીનની કોથળીમાં એ મૂકવાનું. પ્રીતિના નાના નાના બધા કપ તો બાપડા —પછી? પછી કૉલેજમાં છોકરીઓ આવશે. પેલી ટેલરને ત્યાંનીયે આવશે. મળશે. હસશે. હાથ. પછી ધીમેથી, તદ્દન ધીમેથી વારાફરતી એક પછી એકના એક પછી એક પછી એક...સૌથી પહેલાં પેલી ફૉરવર્ડ બૂચી આવશે. ચોમેરથી ગરકાવ...ઘટરગૂ.... મ્યાઉં મ્યાઉં મ્યાઉં મ્યાઉં... ખરે વખતે મચ્છરદાની પર હલ્લો. દાંત ને નખ ચાલુ હતા. એનો અવાજ. મચ્છર ઊડીને કાન આગળ ગણગણવા લાગ્યો. મચ્છરદાની એક છેડા પરથી તૂટીને એમના પર આવી ગઈ હતી. બચ્ચું એની ઉપર ચડ્યું હતું. પંજાનો એક નખ કાણાંમાંથી વાગ્યો. હાથ કાન આગળથી વીંઝાઈને બચ્ચાની દિશામાં ધસ્યો. —વાઉં વાઉં વાઉં વાઉં. બચ્ચું નીચે પછડાયું હતું. સુભાષભાઈ જાગી ગયા. ઓહ, પાછું! અંદર બેઠાં બેઠાં જ પહેલા પેલો છૂટી ગયેલો છેડો એક હાથ બહાર કાઢી સરખો કરી દીધો. સદ્ભાગ્યે બચ્ચું કૂદયું નહીં. સાવ ધીમા પાતળા ગૂંગણા અવાજે માત્ર ‘મ્યાઉં મ્યાઉં’ બોલતું રહ્યું ને પછી સહેજ ખુલ્લા બારણામાંથી જતું રહ્યું. મ્યાઉં મ્યાઉં મ્યાઉં મ્યાઉં. નીચે વાડામાં બેસીને બોલે છે. બાપુજી જાજરૂ ગયા લાગે છે. ‘મ્યાઉં’ બંધ. રાતે ગાડી પર જતાં કોઈએ ફટાકડો ફોડ્યો ને આંખ પાછી ખૂલી ગઈ. ખૂલતાંની સાથે જ... મ્યાઉં.... મ્યાઉં... મિ...આં...ઉં..દયામણો દયામણો અવાજ. બારણું પણ ઠોકે છે. અગાશીમાં લાગે છે. ‘ઊંહ, શું માંડ્યું છે આણે!’ બાનો અવાજ. શશીનો અણગમાસૂચક અવાજ પ્રતિભાવ રૂપે. થોડી વાર પછી ‘મિયાઉં’ બંધ. ક્યાં ગયું હશે બિચારું? એકલા એકલા અથડાવાનું. મચ્છરદાનીમાં એને સૂવા જ આવવું હશે. આમ એકલું કોઈ દિવસ સૂતું નહીં હોય ને તેમાં પાછા મોટા મોટા બિલાડાઓ ફરતા હોય એનો ડર. આ લોકોને સમજાય તો તો— પડખું બદલ્યું ને હાથ માથા નીચેથી સેરવી લીધો. મ્યાઉં. હવે નીચે વાડામાંથી– મ્યાઉં મ્યાઉં. અવાજ ખૂબ મોટો બની ગયો હતો. બાપુજીનો લાઇટ સળગાવવાનો ને બારણું ખોલવાનો અવાજ. –ભફાંગ... કશુંક ફેંકાયું, અથડાયું ને સાથે ગુસ્સાભર્યા કેટલાક ઉદ્ગારો. –ધબાક્ કૂવાની દીવાલ પર ટીચાઈને પાણીમાં કશું પડ્યાંનો પડઘાવાળો અવાજ. ગયું. સુભાષભાઈની આંખ ખૂલી ગઈ ને હૃદય એકદમ વલોવાઈ ગયું. ખલાસ. નાલાયકો! માર્યું. મચ્છરદાની હડસેલી ઝડપથી નીચે તરફ. પ્રીતિનો પગ કચડાતાં એક ગડથોલું ખવાતું માંડ રહી ગયું. ઊંઘણશી અચાનક સફાળી બેઠી થઈ ગઈ. ‘શું છે? કોણ હેં...?’ સુભાષભાઈને દોડતા જોઈ એ ઊભી થઈ ગઈ. પાછળ પાછળ નીચે ઊતરી પડી. બાપુજીવાળો ઉંદર દોડીને છાજલી પર લપાઈ ગયો. કૂવા આગળ બાપુજી ઘરના બધાની સુસ્તી અંગે બબડતા બબડતા ફાંફાં મારતા હતા. સુભાષભાઈએ અંદર ડોકાવ્યું. અંધારામાં કશું દેખાતું નહોતું. માંડ સળગતા ગોખલાના દીવાનું અજવાળું સહેજ ઉપર જઈને અટકી જતું હતું. પ્રીતિ પાસે ટૉર્ચ હતી પણ– બા ને શશી પણ આવી પહોંચ્યાં. પ્રીતિએ આવી એક વાર ‘શું થયું? કોણ પડ્યું?’ કર્યું. પછી કશોક ગંભીર બનાવ લાગતાં ટૉર્ચ લેવા દોડી. ‘મ્યાઉં’ દર્દભર્યો અવાજ ક્યાંક નજીકમાંથી જ સંભળાયો. ‘હે એ એ એ, પેલું.’ કૂવાની દીવાલના એક ખાલી ગોખલામાં નાનકડો ગોળાકાર હલબલતો હતો. દીવાના ઝાંખા પરાવર્તિત પ્રકાશમાં પણ અસ્પષ્ટ કળાતું હતું. ત્યાંનું કોડિયું અંદર પડી ગયું લાગતું હતું.