હનુમાનલવકુશમિલન/લીમડાનું સફેદ ઝાડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
લીમડાનું સફેદ ઝાડ


ને રામલીલા આવી પહોંચી. આકાશ બધું ગુલાબી હતું અને કમળની પાંખડીઓની માફક આગળ જતાં જતાં ધીમે ધીમે સફેદ થઈ જતું હતું. કમળની પાંખડીઓ ધીમે ધીમે એનાં મૂળ સુધી જતાં જતાંમાં સફેદ બની જાય છે. આવી ગુલાબી-સફેદ પાંખડીઓ મળીને એક ગુલાબી-સફેદ કમળ બની જાય છે ને આ પાંખડીઓના જથ્થામાંથી લીલી દાંડી કાદવમાં ઊતરી જાય છે, પણ તે પાણીમાં રહેવાથી દેખાતી નથી. પાણી ખૂબ છે. ચોમાસામાં વરસાદ પણ સારો પડ્યો છે ને તળાવ ભરચક્ક, ખૂબ ભરચક્ક છે; એટલું બધું કે એમાં કાંકરો નાખો તો તરંગો વિસ્તરતા જાય ને એનો એકાદ ટુકડો કિનારા સુધી ખેંચાઈ આવે. જ્યાંથી તળાવની હદ પૂરી થાય છે ત્યાંથી કિનારો શરૂ થાય છે. પણ આ કિનારો શરૂ થયા પછી એની બીજી હદ ક્યાં છે તે ખબર પડતી નથી. એટલું ખરું કે તળાવની ખૂબ પાસે કિનારો છે ને રામલીલા કિનારાથી સારી એવી દૂર હતી. તળાવ પર લીમડાનું એક ઝાડ છે ને સાંજે બગલાઓ એની પર એટલાં તો ઊભરાય છે કે એ આખું સફેદ બની જાય છે. આ સફેદ લીમડાના ઝાડ પર રાત્રે બગલાઓ જંપી જાય છે પણ સાંજ આખી તેઓ હસ્યા જ કરે છે, હસ્યા જ કરે છે! સાંજ વધતી જતી હતી અને ઝાડ ધીમે ધીમે વધુ ને વધુ સફેદ બનતું જતું હતું. તંબુનાં ફાટેલાં કાણાંમાંથી સુખભાઈએ એ જોયું. બગલાં હસતાં હતાં. બગલાંનો અવાજ માણસના આછા હાસ્ય જેવો જ સંભળાય છે. જબુ અંદર ‘પેટ્રોમેક્સ’ સળગાવવાની મહેનત કરતો હતો. સુખભાઈનું ધ્યાન ખખડાટથી તે તરફ ખેંચાયું ને પાછું પેલાં કાણાં તરફ ગયું. એમાંથી લીમડાનું સફેદ ઝાડ જોવાની આંખની તૈયારી હતી તેને બદલે તંબુ સામે જોઈને ગુસપુસ કરતા બે છોકરાઓનાં માથાં દેખાયાં. સુખભાઈને તેમાં રસ ન હતો. તેમણે ‘પ્રેમનગરમેં બનાઉંગી ઘર મેં’ વાળી જૂની તર્જ લલકારી દીધી અને પછી આખું ગીત મોઢે ન હોવાથી એના લયને મળતો આછો ગણગણાટ શરૂ કર્યો. તેમનો હાથ છાતી પર ફરવા લાગ્યો ને અંદર છાતી પરના વાળ ગૂંચવાવા લાગ્યા ને અંદર જબુ ‘પેટ્રોમેક્સ’ સળગાવવાની મહેનત કરતો હતો. જબુનો બાપ ઘરડો થઈ ગયો હતો ને હવે તો મેરઠની આસપાસમાં આવેલા તેના વતનમાંના ખોરડામાં બેસીને ખાંસી ખાતો હતો. અહીં જબુએ ‘પેટ્રોમેક્સ’ સળગાવ્યું. બહાર હજુ સૂરજનો રહ્યો-સહ્યો પ્રકાશ હતો ને તેથી ‘પેટ્રોમેક્સ’નો રાષ્ટ્રધ્વજના વચલા રંગ જેવો પ્રકાશ પોતાનું નાનું સરખું કૂંડાળું જમાવીને બેસી ગયો. જબુએ આજે રાત્રે ‘સત્યવાદી હરિશ્ચંદ્ર’માં ચાંડાળ બનવાનું હતું. તે આવીને બાબુ અને વેણુબાઈને ખરીદી જતો. હજુ સુધી કોઈ પણ ગામે જબુનો ‘પાર્ટ’ ‘વન્સમૉર’ થયો ન હતો તેથી સુખભાઈ એને મોટો ‘પાર્ટ’ આપતા ન હતા. પણ તોયે સુખભાઈ તેના પર ખુશ હતા. બાબુનો અવાજ છોકરી જેવો હતો અને તે બટકો ને પાતળો હોવાથી દરેક નાટકમાં નાના છોકરાના ‘પાર્ટ’ માટે ચાલતો. તે આજે રાહુલ બનવાનો હતો ને વેણુબાઈ તારામતી બનતી. ચામુંડરાયને હરિશ્ચંદ્ર બનવાનું હતું. ચામુંડરાય પર જ આ આખી રામલીલા કંપનીનો ઘણો આધાર હતો. જોકે સુખભાઈ પણ હવે તો ઘણો ઘડાઈ ગયો હતો. ચામુંડરાયના બધાં ગામમાં ખૂબ ‘વન્સમૉર’ થતા ને એ ‘વન્સમૉર’ને લીધે આવક વધી જતી. ચામુંડરાયની તબિયત આજે બરાબર ન હતી. એનું અંદરથી સણકતું માથું વેણુબાઈ બહારથી દબાવી આપતી હતી. વેણુબાઈએ બામ લગાડી આપવા કહ્યું પણ ચામુંડરાયે જ ના પાડી. એને જરા રજા ભોગવી લેવાનો ચસ્કો લાગ્યો. હવે ‘પેટ્રોમેક્સે’ પોતાના સફેદ પ્રકાશનું કૂંડાળું વધારવા માંડ્યું ને એ બધે ફેલાઈ ગયું. સુખભાઈ દરવાજા આગળ આરામખુરશી પર જમીનથી ત્રાંસા બેઠા અને બહાર ઉભેલા ભિખારીઓ અને ગામનાં છોકરાઓને એક એક આનામાં અંદર દાખલ કરવા માંડ્યા. જબુએ ભૂરો પડદો પશ્ચાદ્ભૂ તરીકે લટકાવી દીધો ને તબલાં-પેટી બહાર લાવીને તપાસવા લાગ્યો. તે પેટી પર બેસતો આથી તેના ‘પાર્ટ’ વખતે પેટી બંધ રહે એટલા માટે એક પણ ગીત આવતું નહીં. જેનો ‘પાર્ટ’ ચાલતો ન હોય તે તબલાં પર બેસી જતું. જબુએ પોતાને એક પણ ગીત ગાવાનું ન હોવાથી આખો દિવસ પેટીમાં સાચવી મૂકેલો નવો નકોર અવાજ લાગ જોઈને શરૂ કર્યો. કાલે જ ગરબાવળીમાંથી પાકી કરેલી એક આરતી ને પેટી પર ગાવા લાગ્યો ને બાબુએ તબલાં હાથ પર લીધાં. ધીમે ધીમે ‘પબ્લિક’માં જરા વધારો થયો. ‘ખજૂરી’ પીધેલાઓ પણ હવે આવવા માંડ્યા હતા. સુખભાઈ તંબુની આજુબાજુ એકાદ આંટો મારી આવ્યા અને કાણાંમાંથી ડોકિયાં કરતા બે-ત્રણ છોકરાઓને કાઢી મૂક્યા. તેમાંનો એક આનો આપીને અંદર જતો રહ્યો ને બાકીના લાલચુ નજરે દરવાજા તરફ જોઈ રહ્યા. વેણુબાઈ ભૂરા પડદાની પાછળથી બહાર નીકળી અને સુખભાઈ તરફ ગઈ. થોડાકના ચહેરા એની પાછળ આશરે ત્રીસ અંશના ‘ઍન્ગલ’ સુધી ફર્યા ને પાછા યથાસ્થાને આવી ગયા. સુખભાઈને તેણે ચામુંડરાયવાળી વાત કહી. સુખભાઈ મૂંગો રહ્યો ને પછી સિગારેટ ફેંકી દઈને પડદાની પાછળ જતો રહ્યો અને તંબુનો કપડાનો દરવાજો પાડી દીધો. ચામુંડરાયે ચારપાઈ પર પડ્યાં પડ્યાં તંબુ દ્વારા બનેલી ક્ષિતિજની પાર જોવા માટે કાણાંની શોધ કરવા માંડી. અડધું-પડધું દેખાતું બગલાનું ઝાડ હવે જંપી ગયું હતું. માથામાં ખટક્... ખટક્ જેવું બોલતું હતું ને પેટમાં હમણાં જ ખાધેલી ખીચડી અને કઢીમાં જઠરરસ ભળતો જતો હતો. તળાવની પાળ પર કોઈ માણસ – મૂંગો માણસ – બોલવાનો પ્રયત્ન કરે અને જો બોલી પડાય તો જે રીતે બોલે તેમ ફિલ્મી ગીત અને ભજનનું મિશ્રણ કરીને કશુંક બરાડતો હતો. ચામુંડરાયે વેશ બદલતા જબુ તરફ નજર કરી. બહાર તબલાં પર કશુંક ગાતો બાબુ બંધ પડ્યો ને અંદર આવ્યો. હાથમાં ચાબૂક લઈને માથે સ્ટ્રો હેટ મૂકીને જબુ બહાર નીકળ્યો. ચામુંડરાયે જરા ઉંહકાર જેવું કર્યું. વેણુબાઈએ ફરી બામ લગાડી આપવા કહ્યું પણ તેણે ના પાડી ને આંખ મીંચીને પડ્યો રહ્યો. ચારપાઈ નીચેની જમીનમાંથી એક મોટા કોળે ડોકું બહાર કાઢ્યું ને પછી રોજ આકાશ અને એકાંત જોવા ટેવાયેલી તેની આંખને કશુંક નવું નવું લાગ્યું ને તેણે પાછું ડોકું દરમાં નાખી દીધું. બહારથી જબૂ બેસૂરા અવાજે ગાતો હતો ને વચ્ચે વચ્ચે ચાબૂકનો અવાજ કામચલાઉ સંગીત જેવો સંભળાતો. ‘લચપચતા નવ લાડુ... મારે જોઈએ સવામણ લાડુ.’ સુખભાઈએ ઝડપથી માથા પર મુગટ ચડાવી દીધો. ચામુંડરાયના માથામાં ખટકાઓ વધી ગયા. તેની આંખો ઘેરાવા લાગી. તેણે અડધી-પડધી આંખો ખોલી ને સામે સુખભાઈ અને હરિશ્ચંદ્રના મિશ્રણ જેવો કોઈ ઝાંખો ચહેરો દેખાયો. ‘ખજૂરી’ની વાસ અંદર સુધી આવે છે, ચામુંડરાયે વિચાર્યું, આજે ‘ખજૂરી’વાળા વધુ લાગે છે, ‘વન્સમૉર’ વધુ થશે. ખટક્...ખટક્...ખટક્... આંખો ઘેરાવા લાગી. તેણે પાસું ફેરવ્યું. ચારપાઈની કાથીની દોરીઓનો અવાજ આવ્યો. પહોળા ખભા નીચે કચડાઈ જતા એક માંકડે લોહીનું એકાદ વધુ ટીપું ચૂસી લેવા પ્રયત્ન કર્યો. થોડીવાર પછી એક ધબાકાનો અવાજ તળાવ તરફથી ધસી આવ્યો. ચામુંડરાય જાગી પડ્યો. તેની આંખો તળાવ તરફ ગઈ. પેલો પાગલ જેવો લાગતો માણસ હજુ ફર્યા કરતો હતો. ચામુંડરાયે ફરી પાસું ફેરવ્યું. જબુ વિશ્વામિત્રની જટા દૂર કરતો હતો ને ચાંડાળનો વેશ પહેરતો હતો. જબુ, વિશ્વામિત્ર ને ચાંડાળમાંથી જબુ જુદો પડી આવતો હતો. હવે જબુ બહાર જશે, ભૂરા પડદાની પેલી બાજુ. ‘અરે હરજનવા...’ તે બોલશે ને ત્યારે ‘કાગ્ગઝ લખ્ખે છાનામાના...’ વાળું ગીત પૂરું થયું હશે. ના, તે તો ‘સતી મદાલસા’માં આવે છે. ને ફરી ચામુંડરાયની આંખો ઘેરાઈ ગઈ. આજે ‘ખજૂરી’વાળાઓ વધુ છે. જબુના ‘વન્સમૉર’ થશે. માથું હવે દુઃખતું ન હતું ને બધું હલકું હલકું લાગતું હતું. ભૂરા પડદાની પેલી બાજુથી આવેલી તબલાંની એક જોરદાર થાપને લીધે તે ફરી જાગી ગયો. તેણે પડદા તરફ નજર કરી. ત્યાં સ્થિર બેઠેલા અનેક માણસોનાં છાયાચિત્રોની વચ્ચે બે ઊભા રહેલા માણસો હાથ, પગ અને મોઢું હલાવતા હતા. ‘પેટ્રોમેક્સ’નો પ્રકાશ પશ્ચાદ્ભૂ તરીકે કામ આપતો હતો. ‘રાજન્, હું પ્રસન્ન થયો છું. આટલું ટેકીલાપણું ને સત્યપ્રિયતા મેં ક્યાંય જોયાં નથી. હું તને આ રાજ્ય…’ વિશ્વામિત્ર બોલતા હતા. અંત નજીક લાગતો હતો. સુખભાઈએ હાથ જોડ્યા, ‘પ્રભો...’ બાજુમાં વેણુબાઈ અને બાબુ ચળકતાં કપડાં પહેરીને ઊભાં હતાં. ચામુંડરાયના મનમાં ગાડીથી છૂટા પડી ગયેલા એન્જિન જેવો એક વિચાર ધસી આવ્યો. તેના વેણુબાઈ સાથેના લગ્નમાં થોડું દેવું થઈ ગયું પણ હવે તો પગારે વધ્યો છે. જબુ ધીમેકથી જઈને પેટી પાસે બેસી ગયો. બાબુએ તબલાં સાંભળ્યાં. સુખભાઈ અને વેણુબાઈએ હાથ જોડીને ગાવા માંડ્યું : ‘પરમ પુનિત પરમેશ્વર અમર તું અનાદિ...’ છેલ્લું ગીત ચાલતું હતું. પણ હવે તો પગારે વધ્યો છે ને સુખભાઈના ગયા પછી તો કદાચ પોતે જ... ચામુંડરાય મૂછમાં હસ્યો. ‘તનના, આતમના, છો મનના અધિકારી... પરમ...’ લીટી બેવડાઈ. ચામુંડરાયને થયું કે આ ગીત ચાલ્યા જ કરે...ચાલ્યા જ કરે તો પોતે વ્યવસ્થિતપણે વિચારી શકે. આજે ઘણું બધું વિચારવા માટે નવરાશ મળી, પણ બે મિનિટ પછી એ ગીત પૂરું થઈ જશે ને ભૂરો પડદો હટાવી લેવાશે ને પછી વાતચીત કરવી પડશે ને પછી કદી નવરાશ નહીં મળે. પાછું હરિશ્ચંદ્ર, રામ અને ગંધર્વસેનમાં પલટાઈ જવું પડશે ને... પ્રેક્ષકોમાંથી કોઈએ સિસોટી મારી. કોઈ પતિયો ભિખારી હશે. ભૂરા પડદાની આ તરફ પોતે એકલો જ હતો ને પેલી બાજુ સુખભાઈ અને વેણુબાઈ હતાં. પવનથી પડદો હાલ્યા કરતો. સુખભાઈએ છેલ્લી પંક્તિ ફરી બેવડાવી. જબુએ પેટીના છેલ્લા સૂરને રખડતો મૂકી દીધો. ધીમે ધીમે બધું જ વિખેરાઈ ગયું. હરિશ્ચંદ્ર, તારામતી, રાહુલ, વિશ્વામિત્ર, ચાંડાલ બધું જ હથેલી પરના સ્પિરિટની જેમ વિખેરાઈ ગયું. પહેલાં પાંચ માણસો દશ જણનો પાઠ ભજવતા. આજે ચાર માણસોએ ભજવ્યો અને ભૂરો પડદો હટાવી લેવાયો. ‘પેટ્રોમેક્સ’નો પ્રકાશ ચામુંડરાયની આંખ પર પડ્યો. તેણે આંખો પર હથેલી ઢાંકી દીધી. જબુ ને બાબુની ચારપાઈઓ તંબુના પેલે છેડે ઢળાઈ ગઈ અને સુખભાઈની વચ્ચે હતી. સાંજે તળાવમાંથી ભરી લવાયેલી માટલીમાંથી સુખભાઈ ગડ...ગડ... અવાજ સાથે પાણી પીવા લાગ્યો. એના ગળાનો ઊપસેલો ભાગ હાલતો હતો. પછી તે પોતાની ચારપાઈ તરફ વળ્યો, પણ પછી રોજની ટેવ યાદ આવી હોય તેમ બહાર પેશાબ કરવા માટે ચાલ્યો ગયો. વેણુબાઈએ પોતાની ચારપાઈ ઢાળી. ‘માથું હજુ દુઃખે છે?’ તેણે ચામુંડરાયને માથે હાથ મૂક્યો. ચામુંડરાયે નકારમાં માથું ધુણાવ્યું ને આંખ પરથી હથેલી હટાવી પડખું ફરી ગયો. સુખભાઈને ઊભા ઊભા પેશાબ કરવાની ટેવ હતી. બહાર કોઈ પીધેલો હજુ પણ લથડિયાં ખાતો ખાતો તંબુને આંટા મારતો હતો અને તાજા જ જોયેલા દૃશ્યમાંની એકાદ પંક્તિ એના મોંમાં લથડતી હતી. સુખભાઈ અંદર આવ્યો. તેણે પેટ્રોમેક્સ હોલવી નાખ્યું. થોડી વાર પછી એની ચારપાઈ તરફથી ‘ૐ શ્રી દીનાનાથ’ અને કાથીની દોરીના કચડવાનો અવાજ આવ્યો. લીમડાના સફેદ ઝાડ પરનાં બગલાંની પાંખ થોડી ફફડીને બિડાઈ ગઈ. પેલો રખડતો પાગલ ઉપર તાકીને કાંકરા મારતો હતો. કાલે ‘ભગવાન શ્રીકૃષ્ણ’ પછી ‘સતી મદાલસા’ પછી ‘કૈલાસપતિ’ પછી... સુખભાઈ ખાટલા પરથી ઊઠ્યો. માટલી તરફ જઈને પાછું અવાજ સાથે પાણી ગટગટાવ્યું. વેણુબાઈની છાતી પર ધીમેકથી કોઈનો હાથ પડ્યો. વેણબાઈએ તે પકડી લીધો ને પછી એના આધારે આધારે તેના ચહેરા સુધી વેણુબાઈનો હાથ પહોંચી ગયો. વેણુબાઈના કાનમાં થોડી ગરમ હવા પેસી ગઈ, ‘હું... સુખભાઈ.’ ને પછી કોઈ તેના પર નમ્યું. કાથીની દોરી કચડાવાનો અવાજ આવ્યો. ચામુંડરાયે જરા ખોંખારો ખાધો ને બેઠો થયો. ‘જાગતો લાગે છે’, સુખભાઈ ધીમેથી બોલ્યો. ચામુંડરાય બેઠો થયો ને પછી માટલી તરફ ચાલ્યો. અવાજ કર્યા વિના તેણે પાણી પીધું ને પછી બહાર પેશાબ કરવા ચાલ્યો ગયો. દૂરથી પેલો પાગલ ‘મારું શબ તળાવ પર તરે છે’ એવા જ કંઈક મતલબનું હસ્યો ને પછી તળાવમાં મોટો પથરો નાખ્યો. ધોળા લીમડાના ઝાડ પરથી કોઈક બગલો હસ્યો. ચામુંડરાયનાં નજીક આવતાં પગલાં સાંભળીને ચારપાઈ નીચેના કોળે પાછું દરમાં માથું નાખી દીધું પણ નાખતાં નાખતાં તે ખુશ થયો, કેમકે રોજના જેવું એકાંત દેખાયું. સુખભાઈની ફેન્સી છાતી અને ચામુંડરાય... વેણુબાઈએ કશીક તુલના કરી જોઈ ને ત્રાજવાનું પલ્લું સ્થિર ન રહેતાં એક તરફ નમી ગયું .