હયાતી/પ્રારંભિક
હયાતી
(હરીન્દ્ર દવેનાં કાવ્યોનો સંચય)
: સંપાદન અને પ્રસ્તાવના :
સુરેશ દલાલ
૧૯૭૭
ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
મુંબઈ
HAYATI
Poems of Harindra Dave
Edited by Dr. Suresh Dalal
Professor and Head of the Department of Gujarat
S.N.D.T. Women's University
1, Nathibai Thackersey Road,
Bombay - 20
Published by
Chimanlal Literary Trust
Bombay 400 001
મુદ્રક
જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ
નવજીવન મુદ્રણાલય
અમદાવાદ – ૩૮૦ ૦૧૪
બીજી આવૃત્તિ
ફેબ્રુઆરી ૧૯૮૪
મુખ્ય વિક્રેતા
પૃષ્ઠ સંખ્યા
૭૬ + ૧૪૮ = ૨૨૪
પ્રકાશક
ચીમનલાલ પી. શાહ
પ્રમુખ
ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
મજિઠિયા ચેમ્બસ
૨૭૬, ડૉ. ડી. એન. રોડ
મુંબઈ ૪૦૦ ૦૦૧
મુખપૃષ્ઠ
દિનેશ દલાલ
મૂલ્ય
રૂ. ૨૦
ચીમનલાલ લિટરરી ટ્રસ્ટના ઉપક્રમે ‘કાવ્યવિશ્વ’ પછી શ્રી હરીન્દ્ર દવેનાં કાવ્યોનો ડૉ. સુરેશ દલાલે કરેલો સંચય ‘હયાતી’ પ્રગટ કરતાં અત્યંત આનંદ થાય છે.
શ્રી હરીન્દ્ર દવેએ સંચય માટે પરવાનગી આપી તે બદલ અમે એમના આભારી છીએ. સુરેશ દલાલ સાથે તો એટલો બધો ઘરોબો છે કે એમનો આભાર માનું એ એમને ન ગમે. અમારા લિટરરી ટ્રસ્ટ સાથે જાણે કે તેઓ કાયમના સંકળાયેલા છે.
હરીન્દ્ર દવે અને સુરેશ દલાલ–એક જ યુગના કવિઓ. સમજું છું ત્યાં સુધી ગુજરાતી સાહિત્યમાં આ ઘટના પહેલી જ વાર બને છે કે એક જ યુગના બે સમવયસ્ક કવિઓમાંથી એક કવિ અન્ય કવિની કૃતિઓનો સંચય કરે, એટલું જ નહિ, પણ એને અભ્યાસપૂર્ણ, તટસ્થ પ્રસ્તાવના સાથે બિરદાવે.
સુરેશ દલાલ સાથેના પરિચયે એક વાતની પ્રતીતિ આપી છે કે સાહિત્યની બાબતમાં વ્યક્તિ કે વાદ સાથે એમને કોઈ લેવાદેવા નથી. હરીન્દ્ર દવેની કવિતા વિશેની પ્રસ્તાવનામાંથી પણ એક વાત તરત દેખાઈ આવશે કે એમની કવિતાની મૂલવણીમાં સુરેશ દલાલ પૂર્વગ્રહ અને પક્ષપાતથી પર રહ્યા છે અને એ જ તો વિવેચકનું કામ છે.
આ સંગ્રહને ગુજરાતી પ્રજા ઉમળકાભેર સ્વીકારશે એની મને શ્રદ્ધા છે.
મુંબઈ, ૧૧–૧૨–૧૯૭૬
ચીમનલાલ પી. શાહ, પ્રમુખ
ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુંબઈ
ચીમનલાલ લિટરરી ટ્રસ્ટના ‘કાવ્યવિશ્વ’નું સંપાદન કર્યું એ પહેલાંનો એક નાનકડો ઇતિહાસ છે. શ્રી ચીમનલાલ શાહે એક દિવસ મને ફોન કર્યો ને કહ્યું કે આપણે મળવું જોઈએ. મારે શ્રી બચુભાઈ રાવતનું સન્માન કરવું છે, એમને સુવર્ણચંદ્રક આપવો છે; તમે કવિસંમેલન યોજી આપો અને એનું સંચાલન કરો. કવિસંમેલનની યોજના અને સંચાલનની બાબતમાં મને ગમે કે ન ગમે તોપણ જાણે કે હું મારી અટક સાર્થક કરવા જન્મ્યો હોઉં એવું લાગે છે. એક વેપારીને તંત્રીનું સન્માન કરવાનો વિચાર આવે અને વળી પછી એનો આચાર કરે એ આનંદ થાય એવી વાત હતી. એ પ્રસંગ પછી ચીમનભાઈનું બીજું સૂચન આવ્યું કે તમે મને કાવ્યનું કોઈક સરસ પુસ્તક તૈયાર કરી આપો. મને એમ કે આ બધું ક્યાં પાર પડવાનું છે, એટલે મેં કહી નાખ્યું કે ગુજરાતીમાં વિશ્વની કવિતાના અનુવાદનું પુસ્તક થવું જોઈએ. આ વાતને આટલી ગંભીરતાપૂર્વક ચીમનભાઈ સ્વીકારી લેશે એવું મેં કલ્પ્યું નહોતું, એટલે મેં લગભગ અશક્ય અને ઉડાઉ એવું સૂચન આપ્યું હતું, પણ એમનો ઉત્સાહ મને જંપવા દેતો નહોતો. અને ‘કાવ્યવિશ્વ’ને પ્રગટ થયાને વર્ષ પણ થવા આવશે.
ચીમનભાઈ ‘કાવ્યવિશ્વ’થી ધરાય એમ નથી. એમણે એ ગ્રંથ પ્રગટ થયો તે જ દિવસે મને કહ્યું, તમારે આપણા લિટરરી ટ્રસ્ટને કમમાં કમ વર્ષે એક પુસ્તક તો આપવું.
વિચાર આવ્યો કે હરીન્દ્રની કવિતા લખાતી જતી હોય ત્યારે પણ જોઈ છે, જાણી છે, માણી છે, ગમી છે ત્યારે વખાણી છે, જ્યાં વાંકું પડ્યું છે ત્યાં વિરોધ કર્યો છે. અને હરીન્દ્ર સાથેની મૈત્રીમાં પહેલેથી જ કવિતા નિમિત્ત બની હતી, તો પછી હરીન્દ્રની કવિતાનો મૈત્રીને વચ્ચે લાવ્યા વિના સંચય કેમ ન થઈ શકે?
આપણે ત્યાં નવા કવિઓની કવિતાનું વિવેચન થયું છે તે નહિવત્. જે કાંઈ થયું છે તે વર્તમાનપત્રો, સામયિકો કે આકાશવાણીના તકાજારૂપે જ. આપણા મુરબ્બી સાહિત્યકારો પોતાની પ્રવૃત્તિઓને કે અન્ય કોઈ વૃત્તિઓને કારણે નવા કવિઓની કવિતા વિશે લગભગ મૂંગા જ રહ્યા છે. અને બોલ્યા છે ત્યારે...
કોઈ વિવેચક પશ્ચિમની કવિતાનાં ભરપટ્ટે વખાણ કરે એનો વાંધો ન હોવો જોઈએ, ૫ણ કાદવ ઉડાડવા પૂરતો જ ગુજરાતી કવિતાનો દુરુપયોગ કરે તે પ્રત્યે કોઈનું પણ ધ્યાન સહેજે ખેંચાય.
કોઈ એમ ન માને કે કોઈ પણ કવિની કવિતા વિવેચન–ગરજાઉ હોય છે. અહીં સર્જકની વિવેચનભૂખની વાત નથી પણ વિવેચકોની ઉદાસીનતા માટેની જ ફરિયાદ છે. કોઈએ શું કરવું જોઈએ, ને શું ન કરવું જોઈએ, એ બહારથી હું કે અન્ય કોઈ ન કહી શકે. વિવેચન કરવું કે ન કરવું એ વિવેચકની સ્વતંત્રતા છે, એ સ્વીકાર્યા પછી પણ શું નથી થતું એની નોંધરૂપે આ વાત મૂકું છું.
હરીન્દ્રનાં પાંચસોથીયે વધુ કાવ્યોમાંથી એકસો બે કાવ્યોની પસંદગી તો કરી. એ પછી એમની કવિતાની ચર્ચાવિચારણામાં ડૉ. જયાબહેન મહેતા પહેલેથી જ સાથે રહ્યાં છે, એટલું જ નહીં પણ આખી પ્રસ્તાવના પૂરી થાય અને આ કામ પાર પડે ત્યાં સુધી એમણે જે ધીરજ ને નિષ્ઠાથી સહકાર આપ્યો છે એનો ઉલ્લેખ અહીં કરું એ એમને ન ગમતી વાત હોવા છતાંયે ન કહું તો મને ચેન ન પડે.
મારે નોંધવું જોઈએ કે આ પ્રસ્તાવનાને શ્રી જગદીશ જોષીનાં સૂચનોનો પણ લાભ મળ્યો છે.
સર્વશ્રી ઇન્દ્રજિત મોગલ, દિનેશ દલાલ તથા માધવ ભાગવતનો પણ પૂરતો ઋણી છું, હંમેશની જેમ.
– સુરેશ દલાલ
મુંબઈ, ૪–૧૨–૧૯૭૬