હયાતી/૧૪. તમે કાલે નૈ તો

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૧૪. તમે કાલે નૈ તો

તમે કાલે નૈ તો પરમદિવસે તો અહીં હશો,
ઘણા દી’થી હૈયે ઘર કરતું એકાન્ત હરશો.

તમારું થાકેલું શિર હૃદય ધારીશ, પ્રિય, ને
મીંચાયેલાં નેત્રો પર કર પસારીશ હળવે;
વધેલી હૈયાની ધબક સુણી ખોલી દગ તમે
હસી આછું હૈયાસરસી મુજને સદ્ય ધરશો.

તમારી લાવેલી કુમળી કળીની વેણી સમ એ
નિશાએ હૈયાનાં દલ ઊઘડશે, અંતર જશે,
તમારા હોઠેથી સુરભિ લઈ અર્પીશ સુરખી,
સ્વયં વીંટાઈ હું જઈશ અથરો થૈ કર વિશે.

તમારા આશ્લેષે રજની ક્ષણમાંહે જ વીતશે,
પરંતુ આજે તો ક્ષણ પણ ન વીતે યમ કરી :
તમારાં સ્વપ્નોમાં શયન, સ્મરણે જાગૃત બનું
હશો કાલે નૈ તો પરમદિન, આજે ટળવળું.

૧૯૬૧