હયાતી/૨૬. રાત રૂપે મઢી
૨૬. રાત રૂપે મઢી
રાત રૂપે મઢી ને રતન ટાંક્યાં,
યમુનાને આરે તોયે વાગી ન હજી વાંસળી.
વહેતી લહરીમાં કાન માંડીને સાંભળું
શું એણે ડુબાડી દીધો સૂર!
વ્રજની નિકુંજને શું આવી મળ્યા પાય, કે આ
યમુનાનો આરો ગયો દૂર?
કળીઓને કાનમાં મેં પૂછ્યું કે
ક્યાંય મારા માધવની મોરલીને સાંભળી?
સૌરભના પાલવને ઝાઝેરો તાણ
હસી કળીઓ ને બની ગઈ ફૂલ,
વાયુની લ્હેરખીએ સાન મહીં સમજાવ્યું
સેરવીને રેશમી દુકૂલ,
અંગ રે ભીંજાયું આખું તોયે લાગે કે હજી
વરસી ના વ્હાલમની વાદળી!
૧૯૬૩