< હયાતી
હયાતી/૩૪. કઈ નસે!
Jump to navigation
Jump to search
૩૪. કઈ નસે!
દીવાલ પર હતી જે છબી ક્યાં હૃદય વસે!
કોઈ અજાણ્યું જાણે હવે બ્હાવરું હસે.
ધુમ્મસ સધન થયું અને પડદો બની ગયું,
વાતાવરણની કેદ છે, ક્યાંથી કોઈ ખસે!
મારી નજરથી ક્યાંક કશું ઊડતું રહે,
તારા હૃદયમાં કેમ કશું આમ તસતસે!
રજકણ ઊડે છે – આંખને ખટકાથી મીંચતો;
સોનું થવા આ પથ્થરો અથડાય પારસે.
ચહેરામાં લાલ રંગ અચાનક ઊગી ગયો,
જાણું ન મારો હાથ મુકાયો કઈ નસે!
૨૪–૧–૧૯૭૦