હયાતી/૪૪. જાગ્યા કરું
Jump to navigation
Jump to search
૪૪. જાગ્યા કરું
તારી યાદ આવે અને હું રાતભર જાગ્યા કરું,
કઈ હવા લઈ આવશે તારી ખબર? જાગ્યા કરું.
એ વિમાસણ છે કે તારી આંખ મીંચાતી હશે?
ઘેનમાં જ્યારે છે આ આખું નગર, જાગ્યા કરું.
ના મિલનનો કોલ છે કે ના વિરહની વેદના,
આ તે કેવું છે કે હું કારણ વગર જાગ્યા કરું.
‘કેમ ચાલે છે?’ ‘બધું સારું છે’ કહી છૂટાં પડ્યાં,
આ અમસ્તી વાતની કેવી અસર, જાગ્યા કરું.
રાતના સૂરજ ઊગે તો કંઈકે શોષાઈ શકે,
આંખ ઝાકળથી થઈ છે તરબતર, જાગ્યા કરું.
૧–૮–૧૯૭૧