zoom in zoom out toggle zoom 

< હયાતી

હયાતી/૫૫. તમે કહો તો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫૫. તમે કહો તો

તમે કહો તો આ પાંપણને ઊંચકું લગાર
મારાં નયણે અંજાયું રૂપ ક્યારનું;
પડદાને અડકી જરા જોઈ તો લઉં કે
હોય કેવું સુંવાળું પોત પ્યારનું!

આમ તો હું ક્યારનોય એક થઈ બેઠો
ને આમ કેટલો આ અંતરાય;
કાગળનાં ફૂલ દીધાં ગોઠવી ને રાહ
હવે જોવી કે ક્યારે કરમાય!
બળતા બપોરે જઈ શોધું છું
પાંદડીથી ઝાકળ સુકાયું સવારનું.

વાયુની લ્હેરના વળગવા સમાણો
તારો આઘેનો સૂર મને વીંટે;
કોઈ હવે નામ તારું કોરી ગયું છે
મારા જીવતરની એકએક ઈંટે :
પાસેના તેજને વધાર્યું મેં એટલે કે
કામ પડ્યું ઝાઝા અંધારનું.

૧૪–૨–૧૯૭૧