હયાતી/૫. વેરાન થઈ જાયે
Jump to navigation
Jump to search
૫. વેરાન થઈ જાયે
તમારા શ્વાસનું એક સંચલન વ્હેતી હવામાં હો,
પછી સઘળી ઋતુમાં ખીલતું ઉદ્યાન થઈ જાયે.
તમારાં બંધ નેત્રોનું કશું સૌંદર્ય, કે તમને
તમારી ખુદ નજર લાગે, જો એનું ભાન થઈ જાયે.
જીવન જીવી રહસ્યો મેળવ્યાં વ્હાલાનાં મૃત્યુનાં,
કોઈ બે આંખ મીંચે ને બધું વેરાન થઈ જાયે.
પછી સમજાય એને તેજના અંધત્વની સીમા,
સિતારા જેવા સૂરજને કદી અરમાન થઈ જાયે.
મહાસાગરની શાંતિને અનુભવ છે એ જાદુનો,
કે બે આંસુ ઉમેરાતાં મહા તોફાન થઈ જાયે.
ફરિશ્તાઓનો સર્જનહાર ઈશ્વર થઈને આકર્ષે,
ફરિશ્તા પણ મને લલચાવવા શયતાન થઈ જાયે.
અસંભવની કરું છું પ્રાર્થના એ દિનની આશામાં,
અણુ અસ્તિત્વનાં એકેક નાફરમાન થઈ જાયે.