હયાતી/૬૭. ત્રણ સ્તોત્રો
૧. કવચ
તમે શરસંધાન કરો છો?
તો જરા ખમો,
મને મારું કવચ ઉતારી લેવા દો.
મારા પડછાયામાં
પતંગિયું સૂતું છે :
હવે બળતા સૂરજથી કેમ કરીને ભાગું?
દીવાલો ટેવાઈ છે ગણેલા ચહેરાઓથી
માપેલાં સ્મિતોથી,
દરવાજો ખૂલતાં જ
ત્રણ દીવાલો ધસી આવે છે
એની પશ્ચાદ્ભૂમિમાં રહેલી વ્યક્તિ
ચોથી દીવાલ બનીને ઊભી રહે
ત્યારે રંગભૂમિ તો નથી જ રચાતી.
શૂન્ય દૃષ્ટિઓની ગીચ ઝાડીમાં
ક્યાંય દેખાતી નથી અદૃષ્ટિની કેડી.
કોઈનીયે વેદનાનો ઓથાર
ઓઢીને ફરીએ
ત્યારે કોઈનીયે વેદના રજમાત્ર
ઓછી થતી નથી.
આ દુનિયા સાથે સમાધાન પર આવવું
અસંભવિત ભલે ન હોય,
અશક્ય જરૂર છે.
ના,
તમે શરસંધાન નહીં,
શબ્દસંધાન કરો છો :
મારી બરછટ ત્વચા પરથી તો એ
પથ્થર પરના પાણીની જેમ સરી જશે.
ચાલો, ત્વચાને ઊતરડી
થોડાંક મર્મસ્થાનો પ્રગટ કરું.
હું હસું છું
કારણ કે મને રડવાનો કંટાળો છે.
બોલું છું
કારણ કે ચૂપ રહેવાનો થાક છે.
ચાલું છું
કારણ કે અગતિનું રહસ્ય
મને સમજાયું નથી.
મારી આસપાસ ઘૂમે છે,
પૃથ્વી, બ્રહ્માંડ.
અને હું સ્થિર થવાનો કીમિયો શોધવા
કીમિયાગરનાં ચરણ તળાસું છું.
હવે વાર કરવામાં વાર શેની છે?
કલ્પનામાં વીંઝાતો હાથ
સાચોસાચ વીંઝાય ત્યારે
હું ચિત્કાર કરીને કહીશ
‘હું જીવતો નથી.’
૨. અર્ગલા
આ બંધ ભોગળ આપોઆ૫
ઊઘડતી નથી,
અને એ ઊઘડે એનું નિત્ય ધ્યાન ધરતો
ન અંદર પ્રવેશું છું,
ન બહાર જાઉં છું.
મને કોઈક ઓગાળી નાખો,
મને આ રૂપનો ખપ નથી;
દ્યુતની રમતમાં મને ધર્મરાજનું ભાગ્ય આપો.
જે રુદ્રો યશનું નામ ધરી વિચરે છે
તેમનાં ધનુષ્યો દોરી વિનાનાં કરી
મારાથી હજાર યોજન દૂર ફેંકું છું
જેનો હું દ્વેષ કરું છું
અને જે મારો દ્વેષ કરે છે,
એ ભલે સૂર્ય બનતા –
હું બનીશ એની સૌથી નજીકનો અંધકાર.
પવનની કાતરથી
આકાશના ટુકડા કરી હું વેચું છું :
સૌ પોતપોતાના ટુકડાથી મોં લૂછી
એને પૃથ્વી પર ફેંકે છે,
આ કારણે જ
ક્યારેક આકાશ આખું તૂટી પડ્યા પછીનું શૂન્ય
ઉપરથી તોળાય છે
અને પગ નીચે રહે છે,
ડોલતી પીગળતી હિમશિલા.
ઓડેન પ્લેટોના પ્રેતને પૂછે છે :
“બે અશ્વો, બે માણસો કે એક ભૌમિતિક પ્રમેયનાં બે પરિણામોમાંથી
ક્યાં ઉત્તમ એ તો હું કહી શકું,
પણ મને કહેશો, કે
એક અશ્વ, એક માણસ કે એક ભૌમિતિક પરિણામમાંથી
ક્યું સૌથી સુન્દર
એની સરખામણી કઈ રીતે કરવી?”
પ્લેટોનું પ્રેત ભડકો થઈ
વડની વડવાઈઓમાં સમાઈ જાય છે :
માંગડાવાળાને ઝૂરતી કન્યાના અભાવે
શેષ રહે છે પ્રશ્ન અને જ્વાલા....
અને....
કવિ પ્રેમની કવિતા લખે છે,
‘ખાલા’ના ઘરમાં મિજબાની ઉડાવતાં ઉડાવતાં.
સ્વાતિ નક્ષત્રના વરસાદની
ઝંખના કરતાં છીપલાં મોતી ન બન્યાં
એમાં વાંક કોનો?
નક્ષત્રનો, વરસાદનો કે છીપલાંનો?
૩. કીલક
જળ એટલે જીવન
એને દિશા નથી
એ ચોમેર પ્રસરે છે.
અને શાણા માણસો પાળ બાંધે છે.
એને રૂપ નથી
એટલે વ્યવહારુ લોકો
વાવ – કૂવા – સરોવર ગળાવે છે.
એને તેજ નથી
એટલે સૂર્ય ક્યારેક એના મૂળ સુધી
ડોકિયું કરી લે છે.
એને રંગ નથી
એટલે જ સાત રંગના અશ્વો
એના પ્રત્યેક બિંદુના રથને જોડેલા દેખાય છે.
સંબંધોના વૃક્ષની પાનખર જોઈ
એની અવગણના કરતા આ પ્રવાહને
કોણ કહેશે
કે
કદીક એ વસંતમાં ફરી મહોરી પણ શકે
અને ત્યારે એ
કશીયે ગ્રંથિ વિના
તારા માટે –
માત્ર તારા માટે જ
પોતાની છાયા પાથરશે.
૩–૧૦–૧૯૭૩