હરિનારાયણ ગિરધરલાલ આચાર્ય

આચાર્ય હરિનારાયણ ગિરધરલાલ, ‘વનેચર’, ‘વનફૂલ’ (૨૫-૮-૧૮૯૭, ૨૩-૫-૧૯૮૪): કવિ. જન્મ વીરમગામમાં, વતન ઊંઝા. માધ્યમિક શિક્ષણ સિદ્ધપુર અને પાટણમાં. ૧૯૧૪માં મૅટ્રિક. ૧૯૧૯માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. તેજસ્વી કારકિર્દીને કારણે આનંદશંકર ધ્રુવના પ્રિય શિષ્ય. ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી, સંસ્કૃત અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક. પછી ભરતખંડ ટેક્સટાઇલ મિલ્સમાં મૅનેજર તરીકે ૧૯૪૫ સુધી સેવા. અમદાવાદના મિલ ઑનર્સ ઍસોસીએશનના સહાયક મંત્રી, ૧૯૪૭માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી પુરસ્કૃત. ‘સીતા-વિવાસન' (૧૯૨૩) એમનું લાંબું કાવ્ય છે. ‘કુમાર' અને ‘પ્રકૃતિ’ (સ્વસંચાલિત)માં એમણે અનેકવિધ લેખમાળા આપી છે, જેમાં ‘વનવગડાનાં વાસી' લેખ ઉલ્લેખનીય છે. ૧૯૪૭માં આ લેખમાળાનું પુસ્તકાકારે પ્રકાશન થયું. એમણે અનેક વર્ગમાં પ્રાણીઓનું વિભાજન કરીને પશુ-પંખીની સૃષ્ટિની માહિતી આપતું ‘ગુજરાતનાં પ્રાણીઓની સર્વાનુક્રમણી' (૧૯૫૦) પુસ્તક પણ લખ્યું છે.