હરીશ મીનાશ્રુની કવિતા/ઘા ઉપર ચપટી લવણ આપું તને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઘા ઉપર ચપટી લવણ આપું તને

ઘા ઉપર ચપટી લવણ આપું તને
પ્રેમની અકસીર ક્ષણ આપું તને

નિષ્પલક આંખોને શું આપી શકું
જળનાં ટીપે જાગરણ આપું તને

મધ્યબિંદુમાં ગહન પથ ઊઘડે
ચાખડી આપું, ચરણ આપું તને

શલ્ય ખૂંપ્યું હોય તારા મર્મમાં
એમ મારું સાંભરણ આપું તને

કે સ્વયં નર્તન છે એનું નામ તો
રણઝણણ નૂપુરશ્ચરણ આપું તને

વિશ્વ છો વિખરાય રઝળુ ગંધમાં
હું કમળ મધ્યે શરણ આપું તને