હરીશ મીનાશ્રુની કવિતા/ઝળહળે જે જાગરણપર્યંત એ રાત જ જુદી
Jump to navigation
Jump to search
ઝળહળે જે જાગરણપર્યંત એ રાત જ જુદી
ઝળહળે જે જાગરણપર્યંત એ રાત જ જુદી
તેજથી જે હોય તાલેવંત એ રાત જ જુદી
આભને ખરતા સિતારા : પાંદડાને પાનખર
એ સખીદાતાર, એની ખાસ ખૈરાત જ જુદી
જખ્મને જાસૂદની માફક જે હળવે ખીલવે
લોહીમાં લબક્યા કરે સાદ્યંત એ રાત જ જુદી
દર્દ ને રાહત પરસ્પરમાં પરોવે રાતભર
એમની હિકમત જુદી ને એમની વાત જ જુદી
સૂર્યનું બીડું ઝડપવા જાતને ભૂસ્યા કરે
પણ ન છોડે જે લીધેલો તંત એ રાત જ જુદી
રાત રહેશે જ્યાહરે આ પાછલી બસ ખટઘડી
શબ્દના બંદાથી પડશે નાગરી નાત જ જુદી
જેવી જેની હેસિયત હો : રાતને જાણે છે સૌ
ચાંદની જાણે ને જાણે સંત એ રાત જ જુદી