હરીશ મીનાશ્રુની કવિતા/શબરી ચીતરવા વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શબરી ચીતરવા વિશે

વન ચીતરવું હોય તો પરથમ પ્હેલાં ઊભી લીટીઓ દોરવી પડશે.
કોઠાંની ને બીલાંની, ખેર, ખાખર ને કાંચકીની,
ફણસ, ફોફળ ને શ્રીફળીની લીટીઓ, સાગ, સાદડ, સીસમની સીસાપેણથી દોરવી પડશે અડોઅડ અને ખીચોખીચ. ઊર્ધ્વમુખી.
લીટીઓ, સાવ સીધી તો નહીં જ, – ગાંઠાળી, વાંકીચૂકી, ભમરાળી ને
કોઈ વનવાસીની કેડીની જેમ વાતવાતમાં ફંટાતી અસમંજસમાં
ને પક્ષીઓના અવાજને કારણે ક્ષણે ક્ષણે રંગ બદલતી.
પૃથ્વી જે ખોબે ખોબે પાય છે મૂળિયાંમાં
એ બધું ટગલી ડાળેથી આકાશમાં પાછું ઉછાળવાની દાનતવાળી. ટટ્ટાર ઊભી લીટીઓ.
(એ દાનતને લીધે તો ડાળીઓને માપવાના બધા ગજ ટૂંકા પડે છે ને
માપણી કરનારને મૂંઝવતી, આ ડાળીઓ તો અકળ રીતે વધતી જ રહે છે. ક્ષણે ક્ષણે.)

કોઈ ચિત્રકારને ફળફૂલપાંદડા ચીતરવાની ફિકર હોતી નથી.
એ બધું તો આપોઆપ થઈ ૨હે : કોઈને અણસારે ન આવે એમ
તાંબેરી, પોપટી ને પીળચટા રંગના ડબકાને ઝીણી ઝીણી નસો ફૂટી નીકળે ને
એનાં ચાંચ જેવાં દીંટાં ચપ્પ દઈ ઝાલી લે ઊભી લીટીઓને
ને બીજે દહાડે મળસ્કે જુએ તો ઝાકળેય બાઝ્યું હોય.

પ્હો ફાટે ને
ફાટમાંથી ઢોળાતી સવાર ચીતરવાની થાય ત્યારે ચિત્રકારની ખરી કસોટી થાય.
ખાસ્સે ઊંચેથી પાક્કુંગલ સીતાફળ નીચે પડે ને ફસડાઈ જાય તો
એની પેશીઓમાંથી પણ અંધારાના ગોટેગોટ વછૂટે એટલું ગાઢું અંધારું
આ વનમાં ખરે બપોરે રહે છે.

ધોળે દહાડે ઊડતા આગિયાના અક્ષર ચોખ્ખા વાંચી શકાય છે.
પાંદડે પાંદડે કાજળિયા રંગની પોશ ભરીને
હજાર હાથે આ વન હરઘડી અવનવી રાતો પાડ્યા કરે છે.
આકાશમાં કશેક ચન્દ્ર હશે તો ખરો,
અજાણતાં જ કપાઈ ગયેલા અમાસચૌદશના કાચા નખની કતરણ જેવડો;
પણ એના અજવાળામાં
આકાર માત્ર બની જાય છે ઓળો અને ઓળખ માત્ર બની જાય છે અંધારું :
આવી વખતે, ચિત્ર ઇચ્છે તેમ, ઊજળા રંગોને છોભીલા પાડવાનું સહેલું નથી.

એરુઝાંઝર તે ભેરુ ભેંકારના, સૂકાં પાંદડાંમાં ભરાયેલો પવન
રહીરહીને જીવતો થઈ જાય ને બેસાડી દે છાતીનાં પાટિયાં
બીજાં અઘરાં જરજનાવરાં ય હશે, ઝેરીલાં, દંશીલાં,
અડકે ત્યાં ઢીમણાં ને ચકામા કરી મૂકે એવાં હળાહળ
પણ આગંતુકને દીઠે કે પીઠે ઓળખનારાઓમાં તો
એકલી ખિસકોલીનો જ અછડતો ઉલ્લેખ મળે છે
એટલે એને ચીતર્યાં વિના છૂટકો નથી.
ખિસકોલી ને થડ બન્નેવનો રંગ છે ના સમજાય એવો ભૂખરો
ખિસકોલી થડથી સ્હેજ આછી છે પણ થડ ખિસકોલીથી ગાઢું નથી.
એ બન્ને વિખૂટાં પડી ન જાય એમ અલગ પાડવાનાં છે ચિત્રમાં.
વળી સ્થિર હોય એને તો ભૂલથીયે કોણ ખિસકોલી કહેશે?
ને ખિસકોલી તો એની ચટાપટાળી ચંચળતાને લીધે
એકી વખતે બધી જગ્યાએ હોય છે એ ભૂલવાનું નથી ને ચંચળતાને લીધે જ તો
એકી વખતે બધી જગ્યાએ હોવાનો અર્થ થાય છે બધી જગ્યાએ ન હોવું.
આમ છેવટે બચે છે તો કેવળ ચટાપટાળું હોવાન-ન હોવાપણું.

પેલી બાઈના સ્થિર શરીર પર
જ્યાં જ્યાં એ ખિસકોલી ચડી ગઈ હશે ત્યાં ત્યાં એ રંગના લસરકા મારવા પડશે.
એને મન તો, ખિસકોલી ચડી જાય કે ખાલી ચડી જાય – બધું સરખું છે.

એ સૂનમૂન બેઠી હોય છે ત્યારે
અદ્દલ બોરડીના ઝૈડા જેવી દેખાય છે, અંદરથી ઉઝૈડાતી.
ચણીબોર પડ્યાં પડ્યાં સુકાઈ જાય પછી બચે છે તે કરચલિયાળાં છોતરાંથી
અલગ નથી એની જીર્ણ ચામડીની ધૂંધળાશ. પેટ ખાખરાનું ચપટું પાન
ને ધૂળિયાં પાંસળાં પર લબડે સ્તનોના ઓઘરાળા.
એની દીંટડીઓે અને બોરના ઠળિયા વચ્ચે ભેદ પાડી શકાતો નથી.
ચૂંટતી વેળાએ કાંટો વાગતાં જે રાતો ટશિયો ફૂટેલો એનાથી જ
ચણીબોર દેખ્યાનો ને ચાખ્યાનો ભરમ થયો હોય તો ય કહેવાય નહીં.
એટલે રાતો ભરમ ઊભો કરવાનો છે ભરમ, રંગ વડે.
એક ઊભી લીટીએ બાઝેલું જીવતું બોર ચીતરી શકાય તો
સંભવ છે કે એ બાઈનું ગુજરાન ચાલી જાય
ને એ એકીટશે રાહ જોયા કરે ચિત્રમાં, આ કાગળ ફાટી જાય ત્યાં લગી.

એક રંગમાં બીજો ભેળવીએ તો નીપજે નવતર ત્રીજો,
એમ એ રજોનિવૃત્ત બાઈમાં રજોટાયેલી ખિસકોલી ભળી જાય તો
આપણને જોઈતો રાખોડી રંગ મળી જાય
ને આપણે ઉદાસ હોઈએ તો
આવા રાખોડી રંગના લીટાડા અને એ બાઈમાં ખાસ ફરક જ ના વરતાય.
એ બાઈ જે કોઈની રાહ જુએ છે
એના આવવાના ભણકારા સતત વાગ્યા કરે છે,
એ રાહ ચીતરવાની છે, એ ભણકારા ચીતરવાના છે,
એક ખૂણે, અહીંથી પસાર થઈ ગયેલા સૌનાં પડછાયાઓની થપ્પીઓ ચીતરવાની છે,
જેની રાહ જોવાય છે એ કદાચ આવી ગયું હોય તો
એનાં ચિહ્ન વગરનાં પગલાં ચીતરવાનાં છે,
એના પગે બાઝેલા ગોટલા, ઊપસેલી ભૂરી નસો સમેત, ચીતરવાના છે,
એની હથેળીમાંય, ઝાંખુંપાંખું તો ઝાંખુંપાખું, ખિસકોલીની પીઠનું ઓળખચિહ્ન હશે :
એને ય ચીતરવાના બહાને ચકાસી લેવાનું છે,
એ કદાચ ન આવી શકે તો એનું ન આવી શકવું ચીતરવાનું છે ને
એ બાઈની પલકારા વગરની, રાની પશુ જેવી નજર ચીતરવાની છે,
એની કદાપિ વૃદ્ધ ન થતી આંખોના ડોળા ચીતરવાના છે,
એમાંથી કાયમ ગળ્યા કરતું કોરું પાણી ચીતરવાનું છે,
એમાં કાયમી બળતરાની પિંગળરેખાઓ ચીતરવાની છે,
એવા સંજોગોમાં આ અંધારું ને આ ઘડપણ
આ ઓરમાન સરીખું સગપણ
તો વધતું જ જવાનું
ને વનની બધી ડાળીઓ ય વધતી જ જવાની, વધતી જ જવાની, –
આ વધને માપવાના બધા ગજ ટૂંકા પડશે તો ચિત્ર કયા માપે ચીતરવાનું?

પૃથ્વી જે ખોબે ખોબે પાય છે મૂળિયાંમાં
એ બધું ટગલી ડાળેથી આકાશમાં પાછું ઉછાળવાની દાનત તો
હજી એવી ને એવી જ અકબંધ છે એટલે
અમે ચીતરવા બેઠા ઊભી લીટીઓ
ને ચીતરી બેઠા આડી લીટીઓ કવિતાની.

(આ કવિતા અતુલ ડોડિયા માટે)