હાલરડાં/હાલરડું વા'લું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હાલરડું વા'લું

બાળકને હાલરડું વા'લું!
કાનકુંવરનું હાલરડું વા'લું,
મીઠા મોહનનું હાલરડું વા'લું.

છાનો મારા વીર, ભરી આવું નીર,
પછી તારી દોરી તાણું. - બાળકને૦

સાવ રે સોનાનું તારું પારણિયું ને
સોનાની સળીએ કાન,
હેતે નાખું તુંને હીંચકો
મારો ભૂદરો ભીને વાન. – બાળકને૦

જળ ભરીને આવું નિમેષમાં,
તાતે જળે નવરાવું,
રૂડે રૂમાલ લૂઈ કરીને પછી
ઊંડળ લઈ ધવરાવું. - બાળકને૦

ડાબા તે હાથમાં દોરડી ને
જમણા હાથમાં માળા,
ચપ કર ને તું છોકરા!
હવે મેલ્ય ધાવ્યાના ચાળા - બાળકને૦

કાઠા તે ઘઉંની રોટલી ને
માથે માળવિયો ગોળ,
ચોળી ખવરાવું તુંને ચૂરમું
પછી ઝુલાવું તારા હીંડોળ. - બાળકને૦

અટલસની તારી આંગડી ને
માથે નીલમની ટોપી,
મોટો રોપાવું તારો માંડવો
પરણાવું ગોકુળની ગોપી. - બાળકને૦

માથે મેવાડાં મોળિયાં ને
કુંડળ ઝળકે કાન,
મરકલડે જુગ મોહી રિયા
મારો કાનો ભીનલે વાન. – બાળકને૦

છાનો રે ચપ, છાનો રે ચપ,
પછી તારી દોરી તાણું. બાળકને હાલરડું વા'લું.
કાન કુંવરનું હાલરડું વા'લું!
મીઠા મોહનનું હાલરડું વા'લું!