zoom in zoom out toggle zoom 

< હાલરડાં

હાલરડાં/​હાલા રે હાલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હાલા રે હાલા

[સ્વ. રણજિતરામ સંગૃહીત]
હાલા રે હાલા, ભાઈને હાલા,
ભાઈ તો અટાદાર, મોજડી પહેરે પટાદાર,
મોજડીઓ ઉપર મોગરા, ભાઈને રમાડે રાજાના છોકરા.
હાલા રે હાલા.

ભાઈ તો રાજા ભોજ; ભાઈને બારણે હાથીઘોડાની ફોજ;
ઘોડીલાની પડઘી વાગે, ભાઈ મારો ઝબકીને જાગે.
હાલા રે હાલા.

હાલા રે હાલા, ભાઈને રણછોડરાય વા'લા;
રણછોડરાય કાળા, ભાઈને કોટે મોતીની માળા.
હાલા રે હાલા.

ભાઈને તો કોઈ તેડે, લાડવા બાંધું છેડે;
ભાઈ તો રમશે, રાણી રન્નાદેને ગમશે;
તાપી માતા તારણે, ચાંદો- સૂરજ ઊગે ભાઈને પારણે;
પારણાના પોપટ વામણા, ભાઈના બોલ લાગે સોહામણા;
હાલા રે હાલા.

ભાઈ તો મારો રિસાળ, રિસાઈ જાશે રે મોસાળ;
મોસાળની મામી દુતારી, આંગલાં ટોપી લેશે ઉતારી.
હાલા રે હાલા.

હાલ કરો રે હુલ કરો, ભાઈની ટોપી ફરતાં ફૂલ ભરો;
ફૂલે ફૂલે જાળી, ભાઈની મામી કાળી;
હાલા રે હાલા.

હાલ વાલ ને હાંસી, દુખડાં ખુવે ભાઈની માશી;
માસી ગઈ કાશી, માસો થયો સંન્યાસી;
હાલા રે હાલા

હાલો હાલો મારા ભાઈને હાલો, ભાઈને હીંચકો ઘણો રે વા'લો;
ભાઈને ગોરી ગા જો ગમતી, ભાઈને નીંદર આવે રે રમતી;
ભાઈને ગોરી ગાઉં ને દળું, ભાઈને કાજે ઝીણી સેવો રે વણું;
ભાઈ તો મારો આવડો તેવડો, કાલે થશે શેલડીના સાંઠા જેવડો;
શેલડીએ ચડી કીડીઓ, ભાઈ ચાવે પાનની બીડીઓ;
હાલા રે હાલા.

હીરની દોરીઓ અંકાવું, ભાઈને ઘોડિયે રે ટંકાવું;
હીરની દોરીને હીરા, લાડવા લાવે ભાઈના રે વીરા;
હડે ને કૂતરા કાન કાપું, ભાઈને રડતો છાનો રે રાખું.
હાલા રે હાલા