હિમાંશી શેલતની વાર્તાઓ/કોઈ એક દિવસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કોઈ એક દિવસ

મારાં બાવન વર્ષની ગૂંચ કેવી રીતે ઉકેલી શકાય એની ખબર માત્ર બાને જ છે. ક્યાં ગાંઠ છે, ક્યાંથી દોર નીચે સરકાવવાની, ક્યાંથી ઉપર લેવાની, ક્યાં વળ ચડી ગયા અને ક્યાં દોર કપાઈ ગઈ છે એ બધુંયે એ જાણે. માત્ર એ જ. બહારનાંને આ ગૂંચની ખબર ન હોય. નજીક આવતાં-જતાં મિત્રોને પણ નહીં. એ બધાં માટે હું બાવન વર્ષની એક સ્પિન્સ્ટર – કુંવારી પ્રૌઢા, લગ્નની વય જતી રહી અને લાયક કોઈ મળ્યું નહીં એટલે અડધુંઅધૂરું જીવતી એક સ્ત્રી. આરંભમાં મેં લગ્ન કેમ ન કર્યાં એ વિશે તુક્કા દોડાવવાનું થોડાંકને ગમતું હશે. (દેખાવ ખાસ ખોટો નથી, ભણેલીયે છે, અતડી નથી, કુટુંબ પણ જુનવાણી કહેવાય એવું નહીં છતાં...) પછી સમય પસાર કરવા માટે વધારે રસપ્રદ સાધનો મળતાં ગયાં તે સાથે આવા તુક્કાઓ ખાંજરે પડ્યા. મારા એજન્ડામાં લગ્ન નહોતાં. પહેલેથી જ નહોતાં, એટલે કે બાવીસ વર્ષની થઈ ત્યારથી, એ અગાઉ જે બન્યું તે પેલી ગૂંચનો જ એક ભાગ. ઘરનાં કોઈનેય એની ખબર નથી એમ હું માનું છું. આમ તો એમાં રહસ્ય જેવું કશું નહીં, છતાં બન્યું જ એવું કે કોઈને એની જાણ ન થઈ અને મારે એ અંગે જાહેરાત કરવાનો સમય આવ્યો નહીં. આજે તો એ વાતનુંયે મહત્ત્વ નથી, ત્યારે જાણે જીવનમરણનો સવાલ લાગેલો. મ. બીજી કોમનો, અમારી કૉલેજના દરવાજાને અડીને એક પાળી હતી જે અંદરની બાજુ વળતી અર્ધગોળાકારમાં. ત્યાં વાંસ, લીમડા ને ગુલમહોરની ઘટા, ઝાડીયે ખાસ્સી. પીળાં પતંગિયાં ઊડતાં રહે. અમે એ પાળી પર બેસતાં. કૉલેજ છૂટી ગયા પછી, અવરજવર આછી થાય ત્યારે. અમારાં જેવાં બીજાં જોડકાંયે ત્યારે હતાં પણ એ મોટેભાગે કૅન્ટિન કે એની આગળપાછળ બેઠક રાખે. તે જમાનામાં સ્કૂટર લઈને કૉલેજ આવતા ઓમપ્રકાશ જોડે ફરતી માયાને કે પછી મિલમાલિકની દીકરી ચિત્રા સાથે દેખાતા અભયને ખુલ્લંખુલ્લાં ગોઠવાવાનું જ ગમતું. એવા પ્રદર્શનમાં એક ખાસ પ્રકારનો નશો હોય છે. એ બધાં એ નશામાં ચકચૂર. અમે તો ગભરાતાં. રીતસર ડરતાં. કોઈ જોઈ જશે એવી બીકમાં કેટલીયે વાર વાક્યો અડધાં રાખીને અમે એકાએક છૂટાં પડી જતાં. એ વાક્યો પછી હવામાં ઝૂલતાં, બીજા દિવસની વાટ જોઈને. એક વખત તો પ્રોફેસર પાઠક ત્યાંથી પસાર થયા અને અમે તરત જ કોઈ પુસ્તકની આપ-લે કરતાં હોઈએ એવું નાટક ઊભું કરી શકેલાં. એમને કશો જ વહેમ નહીં ગયો હોય એમ આજેય મને લાગે છે. આવી ચતુરાઈ આપમેળે જ વિકસે છે એ અનુભવીઓ જાણે. હવે આટલી ગુપ્ત વાત ઘરમાં બેઠેલી બા સુધી કેવી રીતે પહોંચી? પેલા આસમાની છત્રીવાળા જાણભેદુનું જ આ કામ હશે કે? એક મઝાની સાંજે અમે બેય વટાણા ફોલતાં હતાં. નજીક નજીક ગોઠવાયેલા પુષ્ટ દાણાને લીલાં ઢાંકણ ખોલી થાળીના મેદાનમાં દોડતા કરવાની ગમ્મત પડતી હતી. બા અચાનક જ બોલી : – તું તો હમણાંની બહુ ખોવાયેલી લાગે છે. ભણવામાં રસ નથી પડતો? બોજો લાગે છે કોઈ? હા-ના કર્યે રાખી પણ બા એમ હાર ન માને. પીછો પકડ્યો એણે તો. બારીક નજરે બધું નોંધે. કેવાં કપડાં પહેરું છું, કેટલું ખાઉં છું, કેવાં ગીતો સાંભળું છું ને કેવાં ગણગણું છું. એ તમામ વિગતો એકઠી કરતી ગઈ. (જબ ગમે ઇશ્ક સતાતા હૈ. એમાં ખાસ.) – કહે તો ખરી કોની જોડે દોસ્તી બાંધી છે તે! મને તો કહેવાય. હું છળી મરેલી. રૂઢિચુસ્ત નહીં તોયે બ્રાહ્મણનું ઘર. નન્નો જ ભણતી રહી, પૂરા વજન સાથે. પણ અવાજમાં જૂઠાણાંની છારી બાઝી હશે તે બાને પકડતાં વાર ન લાગી. – ઠીક ત્યારે. તારે ના કહેવું હોય તો ભલે તેમ. કંઈક સંતાડી રહી છો મારાથી એ નક્કી. એટલો ભરોસો ઓછો ને એટલી કચાશ મારી.

હું બહુ ગલવાઈ ગઈ. છતાં હોઠ ભીડી રાખ્યા. ત્યારે તો કંઈ જ ન બોલી, પંદરેક દિવસ પછી છેવટે મ.ની વાત બાને કરી. બીતાં બીતાં ફફડતે હૈયે.

થોડી ક્ષણો કોઈ પ્રતિભાવ વિનાની, ખાલીખમ. – બહાદુર છો તું. લાગણીના સંબંધમાં બીજી છોકરીઓ પેઠે નફાતોટાના હિસાબ નથી માંડતી. મને ગમ્યું. એને લાવને કોઈ વાર ઘેર... – પણ ઘરમાં બધાંને.... મને તો ખરે જ બીક લાગે છે... – હું બેઠી છું ને! એની જાતપાત સાથે કેવળ તારે નિસબત, બીજાં કોઈને વળી શી લેવાદેવા? બાને મેં એ દિવસે ઓળખી. ત્યારથી મ.ની બધી જ વાતો હું એને કરતી થઈ. એ જ મારી સખી. મ.ને લાડુ ભાવે છે એવી ખબર પડી પછી ચોથના લાડુ બા ડબ્બામાં મૂકીને મને આપે અને મારા બગલથેલામાં એ ડબ્બો ગોઠવતાં અમે મા-દીકરી મલકી લઈએ. રસોડામાં પાંચ જણ હોય તોયે કોઈને ખબર ન પડે અમારા મલકાટનું રહસ્ય... મ. મને એની બહેનને ઘેર લઈ ગયો હતો. ત્યાં હું બહુ વિવેકથી વર્તેલી, કેમ જાણે એ મને પસંદ કરી લે તો અમારો રસ્તો સરળ થઈ જવાનો ન હોય! (પછી મને મારી એ અકુદરતી નમ્રતા બહુ શરમજનક લાગી હતી) શહેરમાં જ્યારે પહેલી વાર કોમી રમખાસ ફાટી નીકળ્યું ત્યારે હું રોજેરોજ પ્રાર્થના કરતી કે... – તું એને ઘેર તો લઈ આવ. મારે એને જોવો છે. જલદી પણ મ.ને ઘેર બોલાવવાનો અવસર આવ્યો નહીં. એ કોઈ ને કોઈ કારણ આગળ ધરતો રહ્યો. – ઠીક છે, આવુંયે ખરો, પણ જાતબિરાદરીમાં જરા... ખાસ તો મારા નાના હજી જીવે છે એટલે... અમારા ફેમિલીમાં આજ લગી બીજી કોમની કોઈ છોકરી.. – એમ તો મારે ત્યાંયે બીજી કોમનો કોઈ છોકરો... આવી ચણભણ પછીયે મ.ને ઘેર લાવી ન શકી. અમારું મળવાનું પેલી પાળી પર જ રહ્યું જે વળાંક લઈને અટકી જતી હતી. એક દિવસ એણે કોઈ દોસ્તની શાદીમાં મુંબઈ જવાનું કહ્યું. એ ગયો એની આગલી સાંજે મોડે સુધી પાળી પર બેઠાં રહ્યાં. આજે કેમ આટલી બધી મોડી એવા ભાઈના સવાલનો ઉત્તર બાએ જ આપેલો કે એની કોઈ બહેનપણી માંદી છે એટલે સવારે જ કહીને ગયેલી મને. પંદર દિવસ, પચીસ દિવસ, પાંત્રીસ દિવસ. મ.ના સમાચાર નહીં. કોઈને પૂછવા જવાય નહીં, તપાસ થાય નહીં અને જીવ ભડકે બળે. મ. આમ દબાતે પગલે અચાનક આ શહેર છોડી દેશે એમ તો હું ક્યાંથી માનું? એ તો તસ્નીમે કહ્યું ત્યારે માનવું જ પડ્યું. પછડાટ મોટી હતી. એ પછી કોઈની નજીક જવાની અને કોઈને નજીક આવવા દેવાની લપમાં ન પડવું એમ નક્કી કર્યું, પણ બા તો... – હોય બહેન, અંજળની વાત. મારા જમાનામાંયે આવું થતું. પારકી કોમમાં નહીં ને પોતાની નાતમાં. દૂર શા સારુ જવું. મને ને તારી માસીને બે છોકરાઓએ પહેલાં હા ભણી ને પછી ના પાડી દીધી હતી. હારી ન જઈએ અને મન ખુલ્લું રાખીએ. આમાંયે કંઈક વિધિસંકેત, બાકી જે બીક અત્યારે એને લાગી એ પછી લાગી હોત તો? મ. તો ગયો. તોયે ભીની આંખે – ભીના સાદે એની વાતો થતી રહી. બા જોડે એકલી પડું એટલે રેશમી દોરા ઉકેલું ને વીંટું, એ રીતે હું થોડુંથોડું પરણી લઉં. મ.ની આડાઈની, એની મીઠાશની, એની આવડતની ઝીણીઝીણી, રસભરી વાતો.. સાસરેથી આવેલી કે સાસરે જવાની હોય એવી દીકરી મા જોડે વાતો કરે એવી જ એ બધી વાતો. હવામાં ફરફરતા આસોપાલવનાં તોરણ જેવી, હાથ પર આલેખેલી ફૂલવેલની ભાત જેવી. બા ધ્યાનથી સાંભળે, ટાપશી પૂરે, ચાલતું રહ્યું આવું મનગમતું લાંબો સમય. મ.ના ગયા પછી લાંબે ગાળે - લગભગ પચીસ વર્ષે – પાછી એવી જ લાગણી થઈ આવી અ. માટે, હા, વચ્ચે દ. આવી ગયો, પણ એ પ્રકરણ તો ન મંડાયા જેવું જ. દ.નો આત્મવિશ્વાસ તૂટી ગયેલો તે મારી જોડે અખતરારૂપે જોવા માંગતો હતો કે એ કોઈને જીતી શકે કે નહીં. એ સંબંધમાં બધું હંગામી ધોરણે જ રહ્યું એટલે એમાં કહેવા જેવું કંઈ નથી. અ.ને મળી ત્યારે મારી વય પ્રેમમાં પડવાની બિલકુલ નહીં. છેંતાળીસની નજીક. નોકરી કરવા જાઉં ત્યારે લૅડીઝ ડબ્બો આરતી-ભજનથી ગાજતો હોય અને હું અ.ના વિચારમાં ડૂબી હોઉં. અ. પરણેલા, બે દીકરી, પત્ની જાજરમાન. તોયે આવું થઈને જ રહ્યું. કેમ તે પુછાય નહીં, એના જવાબ હોય નહીં. અ.ના ફોન આવે, કોઈ વાર તળી લાંબો સમય બહારગામ ગયા હોય તો કાગળ સુધ્ધાં આવે. અ.ના સંસાર વિશે બાને માહિતી આપતાં આપતાં હું મારી આજુબાજુ સંરક્ષણ-દીવાલ ઊભી કરતી રહું. અ. તો સુખી ને સંસારી, અ. તો ઠરેલ, જવાબદારીના ભાનવાળા, તમે ધારો છો એવું અમારી વચ્ચે કંઈયે નથી... પણ બાની આંખો દીવાલને ભેદે, દીવાલની પેલી તરફ હું હોઉં ત્યારે તો ખાસ... પામી જ ગઈ એ. – એમાં સંકોચાઈએ નહીં જરીકે. આટલા વાસ્તે તો આપણા ધરમમાંય તે નરનારીના અનેક સંબંધો કલ્પ્યા છે. આંધળા હોય એને ન દેખાય તો નસીબ એમનાં.... તારે શરમાવું નહીં. લાગણીને બને તેટલી ચોખ્ખી રાખવી. સ્વાર્થ, અદેખાઈ, મોહને ગાળતાં રહેવું... લેવાની વાત નહીં, આપવાનો જ ઉમળકો રાખવો. આપણે કારણે કોઈને નાહક દુઃખ ન થાય એની બને એટલી કાળજી રાખવી, પછી જખ મારે છે દુનિયા... બા તો મારો છાંયો, બળતા જીવને ઠારે એવો. અ. સાથેની આત્મીયતા ટકી રહી હોત, જો તે દિવસે હું એમને ઘેર જ ન ગઈ હોત તો. પણ એયે નિર્માણ. અ. એકલા હતા. મને ફોન કર્યો. કહે કે આવ ઘેર. ચા પીએ સાથે. રસ્તામાંથી ગમે તે નાસ્તોય લેતી આવ, સમોસા, ગાંઠિયા, એનીથિન્ગ, સારા મૂડમાં લાગ્યા. પહોંચી. ચા રસોડામાં તૈયાર હતી. અ. ચા સરસ બનાવતા. બધું સજાવીને ગોઠવાયાં. હજી તો વાતો આરંભાઈ નહોતી ત્યાં ડોરબૅલ. અ. બારણું ખોલવા ગયા. થોડી વારે અંદર આવીને દબાતે અવાજે કહે કે ઇલેક્શનમાં ઊભો રાખવા ધારે છે. પાર્ટીવર્કર્સ છે બધા, ને પંદરેક મિનિટમાં એમના પ્રેસિડન્ટ પણ આવવાના છે... વાત લાંબી ચાલશે, રિયલી સૉરી... સૉરી... મેં તો સાવ સ્વાભાવિક રીતે કહ્યું કે વાંધો નહીં. નીકળું જ છું અત્યારે. તો ઉતાવળા ઉતાવળા બોલ્યા કે પાછલું બારણું ખોલી આપું છું... તું ત્યાંથી જ... આમ તો વાંધો નહીં પણ આપણા લોકો એટલા નકામા છે કે કારણ વગર.. અ. ગોળગોળ બોલ્યા. એ કદી તતપપ થાય નહીં, તે દિવસે થયા. પાછલે બારણેથી હું રસ્તા પર આવી તો ખરી પણ ગાંઠ વળી ગઈ કે જે ઘરમાંથી પાછલે બારણે નીકળવું પડે એ ઘરમાં જવું નહીં. છેંતાળીસ વર્ષેય એક સાચો ને સરખો માણસ ખોળતાં ન આવડ્યું એના અફસોસમાં રડીરડીને પાગલ થઈ ગઈ. બાએ માથે હાથ ફેરવ્યા કર્યો, બોલ્યા વિના. એને એક હાર્ટઍટૅક આવી ગયેલો. ડૉક્ટરે સરખો આરામ લેવા કહેલું. અને મન શાંત રાખવા પણ. – સારું જ થયું સંબંધ તોડી નાખ્યો તે. નામને છાંટો ન લાગે એની આટલી ફિકર હોય તેની જોડે કશી લેપન ન હોય આપશે. ખાંડણિયામાં માથું રાખી ધમકારાથી બીવે એ તે વળી શું જાળવે કોઈનેય તે.... ઘરનાં બીજાં તો પોતપોતાનામાં એવાં રમમાણ કે એમને ન અણસાર આવે આખા સંબંધનો કે ન તો તૂટેલાનો... જાણે કેવળ બા. બધાં એમ માને અને કહે કે એંસીની નજીક પહોંચેલી વ્યક્તિ તો ગમે ત્યારે અહીંથી ચાલી નીકળે. એ આવજો કહેવા અને વ્યવસ્થિત વિદાય લેવા બંધાયેલી નથી. એને ઉતાવળ હોય. કોઈ પૂછે કે બાની ઉંમર શી, અને કહીએ કે એંસી, તો પૂછનારના ચહેરા પર જ વંચાય કે તો તો જાણે બરાબર.... અર્થાત્‌ યમરાજની કશી ગફલત નહીં. ઝાડ પરથી પાકું પાન ખરે ત્યારે આઘાત અને વિસ્મયથી મૂઢ બનીને આકાશ ભણી જુઓ છો? એ જેટલું કુદરતી અને સહજ એટલું જ આ પણ. મને ખબર છે કે બા કોઈ એક દિવસ નહીં હોય અને કદાચ હું હોઈશ. ત્યારે મને જે લાગશે તે આઘાત અને ખાલીપો જ નહીં, એથી કંઈક વધારે તીવ્ર હશે. એ જશે ત્યારે મારા પેલા સંબંધોની દિનવારી પોતાની સાથે લેતી જશે. મારો અડધો-અધૂરો પ્રેમનો સંસાર એની સાથે જ ભસ્મીભૂત થશે. અમારી વચ્ચે સંતાડી રાખેલી કેટલીયે વાતો રાખ બનીને ઊડી જશે પછી. એ પોતાની સાથે મ.ને લઈ જશે અને લઈ જશે અને અ.ને એ બંનેની જોડેના મારા જીવનને. એ વાતો પછી હું ક્યારેય કોઈની સામે નહીં કરી શકું. મારી પાસે ત્યારે રહેશે માત્ર એ ચહેરો જે બા સિવાયનાં બધાંએ જોયો છે, ઓળખ્યો છે. બાવન વર્ષની એક જરઠ, નીરસ કુંવારકાનો.... જેને કોઈ પુરુષ કદી પ્રેમ નથી કર્યો... માત્ર બાની જ આંખમાં સચવાયો છે મારો પેલો ચહેરો – પ્રેમ કરી શકેલી એક સ્ત્રીનો, પ્રેમ આપ્યા-લીધાના સંતોષથી ભરેલો. બાની આંખ જ્યારે બંધ થશે ત્યારે..