હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/કદી હોઠ પર રમાડજો કદી આંખમાં ય લાવજો



કદી હોઠ પર રમાડજો કદી આંખમાં ય લાવજો
હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો

કદી સંગ સંગ આપણે નભે રંગ કંઈ પૂર્યા હતા
હવે સાંજ શ્વેત લાગશે હવે રાત શ્યામ ધારજો

કદી કોસથી ઢળ્યા હતા કિચૂડાટમાં ભળ્યા હતા
હવે નીક લાગશે નીરવ કે ન ડોલ વાંકી વાળજો

નહીં શંખમાં ન છીપમાં નહીં રેત પર ન કંકરે
હવે અનવરત પવન છું હું મને જળતરંગે જાણજો

હું લખાયલા ચરણમાં પણ હું ચરણ પછી ધવલમાં પણ
મને માણજો શબદમાં પણ મને મૌનમાં મલાવજો

છંદવિધાન
લલગાલગા લગાલગા લલગાલગા લગાલગા