હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/જેમ પલકાવે એ પાંપણ આપણે પલકાઈએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જેમ પલકાવે એ પાંપણ આપણે પલકાઈએ


જેમ પલકાવે એ પાંપણ આપણે પલકાઈએ
આપણે એથી વધુ આપણને શું સમજાઈએ.

એ લખે કે ના લખે આપણને વહેતા જળ ઉપર
જેટલું એ વાંચે એને એટલું વંચાઈએ.

એને ખળખળવું હો તો પથ્થરમાં પણ એ ખળખળે
આપણે જળમાં ય એના ભીંજવ્યા ભીંજાઈએ.

એની મરજી હો તો સરીએ પાન પરથી ઓસ જેમ
સરતાં સરતાં એને જોવા પળ બે પળ રોકાઈએ.

રંગ કે ફોરમ કે આ કુમળાશની વાત જ નથી
એને ગમીએ એમ ખીલીએ તો ખીલ્યા કહેવાઈએ.