હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/નજરના તાર ઉપર તારા તું ચલાવ મને


નજરના તાર ઉપર તારા તું ચલાવ મને


નજરના તાર ઉપર તારા તું ચલાવ મને
પડી જો જાઉં તો પાંપણ વડે ઉઠાવ મને

મિલનનો વર્ષોમાં આવે છે જે એ અવસર છું
તું તારા હોઠનાં ફૂલો વડે સજાવ મને.

છું કોઇ સ્વપ્નનાં દૃશ્યો નયનમાં સાચવી રાખ
ગમે છે બહુ તને એ લય છું ગુનગુનાવ મને.

ઊડી જઈશ બહુ અંગત પળેાની સૌરભ છું
તું વાતવાતમાં હોઠો ઉપર ન લાવ મને

પલકમાં તારી નિકટ છું અને પલકમાં નથી
જરાક સાચવી આંખોમાં પટપટાવ મને