હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/બાકી નાવ વહાવની વાતો મઝધારે છોડી પતવાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search



બાકી નાવ વહાવની વાતો મઝધારે છોડી પતવાર
જળ પણ તું બે કાંઠા પણ તું શું અહીંયા શું પેલેપાર.

આંખમાં તું અંજન મનગમતું બીજો રંગ ન આર ન પાર
ઢળતા ઢાળે ઢળવું તારું ઝરણું તારા રૂપની ધાર.

શોધ નિરોધની વાત જ કેવી અટકણ ભટકણ કેવું યાર
જ્યાં ચાલું ત્યાં તારો રસ્તો પગ વાળું ત્યાં તારું દ્વાર.

તારી વાત વિસાતમાં કેવો દૃશ્ય અદૃશ્યનો ભેદ કશો
ખુલ્લી આંખમાં અનહદ અનહદ બંધ નયનમાં અપરંપાર.

મારા મનઆંગણથી ક્યારે તારી ઝાંઝરપાની દૂર
રૂમઝૂમતાં પર્ણો છમછમતા જળછાંટા તારો સંચાર.

જેટલું રંગનું હોય કળીને એટલું લાગતું તારું વજન
તારી સંગ હું પીછું ફરફર શબ્દનો બોજ ન મૌનનો ભાર.

છંદવિધાન
વિષમ ચતુષ્ગણ કટાવ