હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/મારે માટે એક પથ્થર પણ એ ના આઘો કરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search



મારે માટે એક પથ્થર પણ એ ના આઘો કરે
એ જો ચાહે તો એ જળ વચ્ચેથી પણ રસ્તો કરે

મારા ધૂસર હોઠ પર એ આંખ ઠેરવતાં નથી
એક નજર નાખે તો એ પટ રેતનો લીલો કરે

મારે માટે દાઝવાનું ચાંદની રાતોમાં પણ
એના શિર પર તો હવા પણ તાપમાં છાંયો કરે

એની સાથે હું જ શું બસ મારો સરવાળો કરું
મારી સાથે એ કદી તો એનો સરવાળો કરે

રાતદિન શું આમ રહેવાનું જ છે ખાબડખૂબડ
મારે માટે શું કદી પાલવ એ ના સરખો કરે

છંદવિધાન
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા