હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/અહીં નફા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અહીં નફા

અહીં નફા-નુકસાનનો વૃત્તાંત કંઈ નક્કી નથી,
એક પાસો ફેંકવા ઉપરાંત કંઈ નક્કી નથી.

ઘર મહીં, રસ્તા ઉપર, દરિયાતટે કે ભીડમાં,
ક્યાં મળી શકશે મને એકાંત, કંઈ નક્કી નથી.

આ તરફ કુરુક્ષેત્ર છે, પેલી તરફ વારાણસી,
વાસનાનો ક્યાં થશે દેહાંત, કંઈ નક્કી નથી.

પાંદડાં–ઝાકળ–કિરણ–થી એ રચાતું જાય છે,
વન જે ઉચ્ચારે છે એ વેદાંત કંઈ નક્કી નથી.

વ્યૂહ શું? શસ્ત્રો કયા? આરંભ ક્યારે? અંત ક્યાં?
યુદ્ધના કે પ્રેમના સિદ્ધાંત કંઈ નક્કી નથી.

દોસ્ત, ૯૧