હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/એટલા તો
Jump to navigation
Jump to search
એટલા તો
એટલા તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના?
એક સપનું : એક પથ્થર : લાખ ટુકડા કાચના.
સ્હેજ ભીનું શ્યામ અંબર, લાખ ટુકડા કાચના;
ઘાસમાં વેરાય આખર, લાખ ટુકડા કાચના.
ધૂળિયો રસ્તો, ખભા પર શેરડીની ગાંસડી;
ડૂબતો સૂરજ, ત્વચા પર લાખ ટુકડા કાચના.
છે ઘણો નાનો તફાવત, માત્ર દૃષ્ટિકોણનો;
રત્નના ઢગલા બરાબર લાખ ટુકડા કાચના.
કંઈક વસ્તુઓ ફક્ત દેખાવથી બનતી નથી,
ક્યાં રચી શકતા સમંદર લાખ ટુકડા કાચના?
જિંદગીને સ્થિર કશો આકાર કઈ રીતે મળે?
સ્થાન બદલે છે નિરંતર લાખ ટુકડા કાચના.
દોસ્ત, ૧૩૫