હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/મારાં વચન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મારાં વચન

મારાં વચન જો માર્ગના પર્વત થઈ જશે,
તો કાલ આવનારને આફત થઈ જશે.

બોલું નહીં, તો ભીરુતા મારી પ્રગટ થશે,
બોલીશ તો એ મારી બગાવત થઈ જશે.

તૂટી પડે યુગોથી અવિચળ ખડક છતાં,
જળની સપાટી પળમાં યથાવત્ થઈ જશે.

ક્યાં ક્યાં લઈને હું ફરું મારા વિષાદને?
કાગળ ઉપર મૂકીશ તો વસિયત થઈ જશે.

આ શેર કંઈ અગમ્ય ને આછો રહે તો બસ,
બનશે બહુ સચોટ તો કહેવત થઈ જશે.
આખરે ૭