હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/મુફલિસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મુફલિસ

મુફલિસની વાત છે કે સિકંદરની વાત છે,
અંતે બહારનાં જ કલેવરની વાત છે.

દાવા–દલીલ–માફી–ખુલાસાનું કામ શું?
પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે.

મેં પણ કરી અતીત ઉપર ભૂલથી નજર,
પથ્થર બની ગયેલ મુસાફરની વાત છે.

ઊભા રહેવા જેને મળી સોયની અણી,
માલિક એ વિશ્વનો છે, મુકદ્દરની વાત છે.

જીવન સમજવું હોય તો ક્ષણનો ખયાલ કર,
ટીપાંની વાત એ જ સમંદરની વાત છે.

દોસ્ત, ૮૫