હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/રાહ એની

રાહ એની

રાહ એની આ જ હોવી જોઈએ,
અહીં જ બેસી રાહ જોવી જોઈએ.

સાચાં મોતી પણ જો એને ના ગમે,
આંસુની માળા પરોવી જોઈએ.

પાંપણો તો રાતભર ખુલ્લી રહી,
આંખને ઝાકળથી ધોવી જોઈએ.

એક અંગત સૌનો દરિયો હોય છે,
રત્ન મળશે, મન વલોવી જોઈએ.

છે વચન, એ મેઘ સાથે આવશે,
ચાલને વાદળ નિચોવી જોઈએ.

આખરે ૪૭