હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/હજી એ જ
હજી એ જ માણસ, એ ઈર્ષ્યા, એ લાલચ,
એ વલખાં, ધખારા હતા ત્યાંના ત્યાં છે;
ઘણા ફિલસૂફોએ વિવિધ સૂચવેલા
સુધારા-વધારા હતા ત્યાંના ત્યાં છે.
સનાતન ગણ્યો’તો અમે જે સમયને,
ધીરેથી સરકતો ગયો હાથમાંથી;
અલગ નહિ થવાની પ્રતિજ્ઞા તૂટી ગઈ,
સૂરજ–ચાંદ–તારા હતા ત્યાંના ત્યાં છે.
અહીં એક વ્યક્તિ ખસી જાય ને ત્યાં,
અચાનક ન રંગત ન રોનક રહે કંઈ;
ખરેખર તો નમણો પવન, મુગ્ધ ફૂલો,
ને અલ્લડ ફુવારા હતા ત્યાંના ત્યાં છે.
આ ઝરણાં, વહેણો, નદી છેક દરિયો
અને બાષ્પથી ચક્ર આખું નવેસર;
સદીઓથી ચૂપચાપ જોયા કરે છે
આ વૃક્ષો, કિનારા હતા ત્યાંના ત્યાં છે.
ઊછળતાં હતાં તીર, શમશીર, ભાલા,
એ ઇતિહાસ પર તો ગયું ઘાસ ઊગી;
તૂટેલી ઇમારત, એ નિસ્તેજ ધરતી,
ને સૂના નગારાં હતાં ત્યાંનાં ત્યાં છે.
અમે મોહમાયાની અમથી રમતને
મહત્તા વધારે જ આપીને બેઠા;
છતાં એક વેળા ઊંચું જોયું હોતે
કે એના ઇશારા હતા ત્યાંના ત્યાં છે.
દોસ્ત, ૧૧૮