૮૬મે/ચોરાશીમે (શૈલેશ પારેખ માટે)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચોરાશીમે (શૈલેશ પારેખ માટે)

ઉમાશંકર હતા ત્યારે એમણે વારેવારે
મને પૂછ્યું હતું, ‘કંઈ લખ્યું છે? લખાશે? તો ક્યારે?"’
‘ના’ એટલું જ માત્ર મેં એમને કહ્યું હતું,
ત્રીસેક વર્ષ અમે એ ‘ના’નું દુ:ખ સહ્યું હતું.
આજે તેઓ હોત... એમને મેં હોંસેહોંસે કહ્યું હોત,
‘જુઓ, લખાયું છે; લ્યો આ રહ્યું!’ એમણે કેટલા સુખથી એ ગ્રહ્યું હોત!

તે પછી સાતેક વર્ષ પૂર્વે જન્મદિને શુભેચ્છામાં
તમે પણ મને પૂછ્યું હતું, ‘શાને આ પ્રલંબ મૌન ધરી રહ્યા?
એવી કઈ મહેચ્છામાં
કોઈ ઉચ્ચતર સ્તરની કે કોઈ ઉત્તમની ઉપાસના,
કોઈ અભૂતપૂર્વની આરાધના
આમ વર્ષો લગી કરી રહ્યા?
હવે તમારી એ ઉપાસના–આરાધના પરિપૂર્ણ થજો!
હવે ફરી એકવાર પૂર્વવત્ કાવ્ય-ગાન હજો!
અમારું આ સ્વપ્ન, એને સાકાર શું નહિ કરો?
હવે વધુ મૌન શાને ધરો?’

આજે તમારી એ શુભેચ્છા હું સ્મરી રહ્યો
તમારું એ સ્વપ્ન આજે હવે સાકાર હું કરી રહ્યો,
વચ્ચેનાં વર્ષોમાં મારું એ પ્રલંબ મૌન ફળી રહ્યું,
મારું હૃદય હવે કવિતાની પ્રતિ પુનશ્ચ ઢળી રહ્યું;
એથી હવે તમારી શુભેચ્છાને પાત્ર હું મને લહી શકું,
એથી હવે ‘વધુ મૌન નહિ ધરું,’ એમ તમને હું કહી શકું.

મારું એ પ્રલંબ મૌન નિષ્ક્રિય ન હતું,
પ્રત્યક્ષ ભલેને નિષ્ક્રિય હોય, પ્રચ્છન્ન સક્રિય જ હતું.
મૌનને ક્યાંય ક્યારેય નિષ્ક્રિય માનવું
એ ભારે મોટી ભૂલ એમ જાણવું.
મૌનની અકળ ગતિમાં હૃદયના ભાવનું સતત ભ્રમણ
ને મૌનની રહસ્યમય સ્થિતિમાં મનના વિહારનું સતત ચંક્રમણ.
શબ્દ મૌનમાંથી જ ઉદ્ગમે
ને અંતે મૌનમાં શમે.
કોઈ કોઈ મૌન ઘણું બધુ કહી જાય,
ક્યારેક તો શબ્દથીય ઘણું વધુ કહી જાય.
આવું મારું મૌન હવે સદા શબ્દમહીં ભળી જશે,
આયુષ્યના અંત લગી કાવ્યરૂપે ફળી જશે.
મૃત્યુ પણ હવે મને મૂંગો નહિ કરી શકે,
એથી મારું કાવ્ય હવે મૃત્યુનેય હરી શકે.

૧૮ મે, ૨૦૦૮