૮૬મે/વરસોનાં વરસો
Jump to navigation
Jump to search
વરસોનાં વરસો
વરસોનાં વરસો જોતજોતામાં વહી ગયાં,
તમારે ન ભૂત કે ન ભવિષ્ય, તમે એવા ને એવા રહી ગયા.
તમે ક્ષણની સાથે જાતને એવી બાંધી,
કે એ જ ક્ષણ પછી અનંત રૂપે વાધી,
તમે માન્યું જાણે તમને સમાધિ લાધી.
વરસોનાં વરસો તો તમને ‘આ મૃત્યુ છે, મૃત્યુ છે.’ કહી ગયા.
તમે જાતને અનંત સાથે સાંધી ન’તી,
તમારી સમાધિ સહજ સમાધિ ન’તી;
તમે એને તમારા અહમ્થી સાધી હતી.
વરસોનાં વરસો તમે મૃત્યુને જીવન માનીને સહી ગયાં.
૨૦૧૨