– અને ભૌમિતિકા/કોડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કોડી

પીળાશ પડતી સફેદ, ચકચકતી
કીકીના ઊભાર જેવી
એક કોડી
મારી હથેળીમાં પડી છે.
હથેળીમાંની કોઈક રેખા સાથે
તાલ મેળવતી એની કરવતી તિરાડમાં
દરિયાનું પાણી-ભીનું અંધારું દેખાય છે.

આમ તો હાથ વિનાની
કાંડાથી વિખૂટી પડેલી
દરિયાની સાવ નાની એવી
મુષ્ટિકા જેવી જ લાગે છે.

હું મુઠ્ઠી વાળું છું તો
મુઠ્ઠીમાં મુઠ્ઠી
–પોતાનામાં જ ગોળાઈ ગયેલી
અકબંધ.

૩૦-૮-૧૯૭૭