– અને ભૌમિતિકા/ડાળથી ફૂટ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ડાળથી ફૂટ્યો

ડાળથી ફૂટ્યો તડકો ઝીલે ઝરણું ઝીણી ભાત,
જલના ઝીણા પડછાયામાં અટવાતું પરભાત.
આભલું કોરું કટ
કે હવા હળવે હેલે વહેતી,
સૂરજની લખપગલી
ઝાકળજલમાં ઝિલાઈ રહેતી,
તડકો રાતું ફૂલ કે એ તો ગુલમહોરની જાત,
જલના ઝીણા પડછાયામાં અટવાતું પરભાત.
આંબલે બેઠી મંજરી
દલેદલથી ફૂટે વાણી,
પાંદડાં પાડે પડઘા, કોયલ
ક્યાંય ના રહે છાની.
ટહુકે ભળ્યા આભમાં ભીના પડઘા, ભીની વાત!
જલના ઝીણા પડછાયામાં અટવાતું પરભાત.
૨૯-૫-૧૯૬૮