– અને ભૌમિતિકા/પ્રતીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રતીક્ષા

દૂ...ર દૂ...ર
ધૂળથી ધૂંધળી કેડીઓમાં
અટવાઈ જાય
કોઈ નજર.
ઢળતી સાંજનું ફૂલેલ ઓશીકા જેવું
નમી પડ્યું છે
આથમણું આભ...
ખૂંટેથી ચરવા ગયેલ સવાર
ઘંટડીઓના રણકારે
સાંજને લઈ પાછી ફરે ન ફરે
ને ખૂંટાની આસપાસ
સળવળી ઊઠે
સૂકી પળો જેવું ઘાસ,
તુલસીના પાને પાને
સવારનો છંટાયેલ ગુલાલ
ડૂબી રહ્યા સૂરજને ઝંખે
—કે નહિ પ્રગટેલા દીવાની શગને
અંધારું ડંખે.
ધીરે ધીરે રૂપાની નથણી જેવો
નભે ઉપસે ચાંદ
ને પાંપણ પર હેરણાં લેતો
ઢળી પડે
કેસરિયો સમય.

૨૧-૧૦-૧૯૬૮