– અને ભૌમિતિકા/રાજાની પાંચ અને એના કર્તૃત્વ વિષે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજાની પાંચ અને એના કર્તૃત્વ વિષે

એક જ નાડે પાંચે વ્હાલેરીઓ,
નાડે બંધાણી પાંચે વ્હાલેરીઓ,
રાજાની પાંચ પાંચ નાર, તરવાર્ય!
રાજાની પાંચે છિનાળ્ય.

પાંચ પાંચ છિનાળ્યો ને રાજા કરે વ્હાલ રે ગુલાબી ગોટો
પાંચ પાંચ છિનાળ્યો ને રાજા રાખે ભાળ રે ગુલાબી ગોટો
પાંચ પાંચ છિનાળ્યો ને રાજા રળે ગાળ રે ગુલાબી ગોટો
પાંચ પાંચ છિનાળ્યો ને રાજા ઘડે જાળ રે ગુલાબી ગોટો

–કહે છે કે આ પાંચે ય છિનાળો
રાજાને વરદાનમાં મળેલી.
આ પાંચેયને રાજા એક હાથે પાળે, પંપાળે
ને એક હાથે પોષે-પોંખે.
રાજાની આ પાંચે ય વ્હાલેરીઓ, બદલામાં,
રાજાને પંખો ઢાળે,
રાજાને રોતો વાળે,
રાજાને ઢોલિયે ઢાળે,
રાજાની ખણજ ટાળે
ને કાંઈ કે’તાં રાજાને સાહ્યબી આલે
ને એમ કરતાં સાટું વાળે.
રોજ એમની પ્રશસ્તિ કરે :
મારી પાંચ વ્હાલેરીઓ, રમરમતી,
મારી પાંચ વ્હાલેરીઓ, છમછમતી,
મારી પાંચ વ્હાલેરીઓ, ઘમઘમતી,
મારી પાંચ વ્હાલેરીઓ ચમચમતી,

આ પાંચેય છિનાળોને મહેલમાં
જળ, જમીન, હવા, ઉજાસ ને દીવાસળીનું સુખ...
ને વળીછઠ્ઠું રાજાનું મુખ!
મુખ મલકાવી રાજા કે’ એમ કરે,
હરતી-ફરતી જાય ને રાજાનું માગ્યું ધરે.

કહે છે સૌ પરથમ તો રાજાએ માગેલું ફળ
તો કે’ પાંચે ય છિનાળો સફરજન આણી લાવી.

ફળ ખાઈ, જળ પી, મળ ત્યજી
રાજાએ આસન લીધાં, માગ્યા હુક્કા
તે લઈ આવી છિનાળો
ને પછી તો ગગડ્યાં પેટાળનાં જળ.
માગ્યાં કામઠાં ને તીર
ને રાજાએ તો માર્યાં જળ-ચર નદી-તળાવને તીર!
પાંચે ય છિનાળો રાજાની સોનાથાળીમાં
મોંઢામોંઢ થાય ને એમ
રાજાના મોંમાં કોળિયો જાય.

આ કાળિયા કાજે રાજાએ રાજપાટ આદર્યું.
પાંચે ય છિનાળો ભેગી મળે ને રાજા કોળિયો ભરે,
પાંચે ય છિનાળો ભેગી મળે ને રાજા ખાંડું હાથ ધરે!
પાંચે ય છિનાળો ભેગી મળે ને રાજા
નાક નસીકે, નકશી કરે-કરાવે, વેતરે-વેતરાવે...
ને એમ રાજાએ તો
આ પાંચે ય છિનાળની સંગતમાં
પથ્થર ઉગામ્યો,
વલ્કલ પહેર્યું,
સસલું રાંધ્યું’, ગુફા ઉજાળી,
છાપરું બાંધ્યું,
મકાન બાંધ્યું,
મસ્જિદ-મંદિર-મ્હેલ બાંધ્યાં,
ઊંચા ઊંચા મિનાર બાંધ્યા,
ગુલાલ-પીઠી-ગંધકનાં પડીકાં બાંધ્યાં,
દરિયા ખેડ્યા, આંબા વેર્યા,
લાંબા લાંબા પંથક ખેડ્યા,
સૂરજ-ચંદર-તારક તેડ્યા;
જંગલ જેડ્યાં,
તાવ-તરિયા વૈદક ફેડ્યાં,
જન-જનાવર-જાન વધેર્યાં.

આટઆટલું તો ય
પાંચે ય છિનાળો ટોળાઈને ગરબા ગાય
ને રાજા તો ડોલે.
રાજા ઊંઘે ને રૈયત ઊંઘે,
સપનામાં રૈયત સુખ-ડી સૂંઘે.
પાંચેય છિનાળો તો હવે છકી
ને રાજાના હાથથી છટ–
કી.
છટકી એવી જ ઊંઘતા રાજાની ધબકતી
છાતી પર જઈ અટકી.
ત્યાંથી પાંચે યે ભરવા માંડી વેં’તો

વેંત વેંત કરતાં અંતર જોજન છેટું પડ્યું,
છિનાળોને રાજાની છાતીથી છેટું પડ્યું.

પાંચેય છિનાળો તો
દેશ-દેશાવર, શહેરે-શહેરે, ગામેગામ, ઘરેઘર,
મનેખે મનેખે ને હથેળીએ હથેળીએ
સળવળી ઊઠી
ને પંચમુખી ફેણ ઉલાળી ડોલે!
–પાંચે ય છિનાળો.

૨-૯-૧૯૭૭