‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/`રૂપાંતર’ વિશે : નીના ભાવનગરી
નીના ભાવનગરી
[રૂપાંતર (અમૃત ગંગર) વિશે]
આદરણીય રમણભાઈ, ચીલાચાલુ ઢબે થતાં પરિસંવાદોનાં ઉદ્ઘાટનો આમેય કંટાળાજનક હોય છે, તેમાં ‘પ્રત્યક્ષીય’માં વાંચ્યું તેમ ગાંધીજીના સાહિત્યની પ્રસ્તુતતા અને પ્રભાવકતા વિશેનો પરિસંવાદ ગાંધીજીના અવાજના (ધ્વનિમુદ્રિત) પ્રસારણથી શરૂ થયો, એવું તમારા જેવા દૃષ્ટિવંતને જ સૂઝે. અને પછી એ સીડીબદ્ધ પ્રવચનસંગ્રહ વિષે તમારું ટિપ્પણ – જાણે ‘પ્રત્યક્ષ’ની પરંપરા મુજબ એનીયે ઉચિત સમીક્ષા. અલબત્ત ગાંધીજીનો અવાજ આ રીતે પણ સચવાયો છે એની જાણ રસિકોને કરીને તમારા થકી ‘પ્રત્યક્ષ’ ને અનુરૂપ કામ જ થયું... પ્રસારતંત્રના રેઢિયાળપણા વિષેની નુક્તેચીની પણ સમયસરની. ૦ મારે વાત અમૃત ગંગરનાં ફિલ્મો વિષેનાં અભ્યાસપૂર્ણ, ફિલ્મ-ટૅકનિકની પરિભાષાથી સમૃદ્ધ વિવેચનોની પણ કરવી છે. ફિલ્મોને હું મનોરંજન, દિગ્દર્શનની ખૂબીઓ, પ્રતિબદ્ધતા અને કલાત્મકતાના અદ્ભુત સંયોજન ઇત્યાદિ અનેક દૃષ્ટિએ જોઉં ખરી પણ અમૃતભાઈ જે રીતે મૂળ સાહિત્યકૃતિ, એનું ફિલ્મકૃતિમાં રૂપાંતરણ, બંનેમાં રહેલી ખાસ ખૂબીની ચર્ચા અને સત્યજિત રાય જેવા ધુરંધર ફિલ્મસર્જકોની ફિલ્મના પ્રત્યેક પાસા સાથે કામ કરવાની પદ્ધતિ – એની ઝીણી ઝીણી વિગતોને સાથે વણી લે છે, એ બધાંની અન્ય ફિલ્મસર્જકો સાથે તુલના પણ કરતા જાય છે તે વાંચતાં જાણે આ બધી કૃતિઓને મૂલવવા માટેનાં સાવ નવાં ધોરણો નજર સામે ઊઘડે છે. અદ્ભુત! સાહિત્યકૃતિ વિષેનો લેખકનો સર્વાશ્લેષી-ગહન અભ્યાસ દાદ માગી લે એવો. પ્રત્યેક મહત્ત્વના ફિલ્મદૃશ્યનું સૂક્ષ્મ-વિગતોથી પ્રચુર વિશ્લેષણ! જાણે વાચકને હાથ પકડીને ફિલ્મનાં દૃશ્યોની એકએક ખૂબી બતાવતા હોય! ખૂબ ગમ્યું. રાહ જોઉં છું સંસ્કૃતમાં બનેલી ને સંસ્કૃત કૃતિઓને આધારે બનેલી કોઈક સારી ફિલ્મ વિષે ક્યારેક અમૃતભાઈ લખે. આ પ્રકારનું ધારાવાહિક સમૃદ્ધ વાચન આપવા બદલ અમૃતભાઈ અને તમે બંનેના આભારી છીએ. હા, તમે કહેલા ‘અનન્ય’ અધ્યાપકોના અધ્યેતા થવાનું સદ્ભાગ્ય મનેય મળ્યું છે. એટલે જ પ્રથમ વર્ષના વિદ્યાર્થી હતા ત્યારે અમને ગ્રંથપાલના કહેવા પ્રમાણે તો ‘અનુસ્નાતક વિદ્યાર્થીઓએ વાંચવાના સન્દર્ભગ્રંથો’ અમારા અધ્યાપકોએ વંચાવ્યા છે.
સુરત,
એપ્રિલ ૨૦૦૯
– નીના ભાવનગરીનાં વંદન
[જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૯, પૃ. ૪૭]