‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/કેટલાક સુધારા અને બીજું : હર્ષવદન ત્રિવેદી

૨૪ ખ
હર્ષવદન ત્રિવેદી

[સંદર્ભ : જુલાઈ-સપ્ટે., ૨૦૧૨માંની હર્ષવદન ત્રિવેદીની સમીક્ષા]

કેટલાક સુધારા અને અન્ય

સંપાદકશ્રી, ‘પ્રત્યક્ષ’ના જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૨ના અંકમાં પ્રકાશિત સંરચનાવાદ, ઉત્તરસંરચનાવાદ અને પ્રાચ્ય કાવ્યશાસ્ત્ર ગ્રંથના ગુજરાતી અનુવાદની સમીક્ષામાં કેટલીક ભૂલો, ગાબડાં, વગેરે રહી ગયાં છે. નીચે જણાવેલા સુધારા-વધારા વાચકોના ધ્યાન પર લાવવા વિનંતી છે. પૃ. ૧૯ પર ‘બખિયા ઉધેડના એટલે લીરેલીરા ઉડાડાવા કે...’થી સાવ જુદી દિશામાં જતા રહેવાય છે. એ ફકરો નીચે મુજબ વાંચવો – બખિયા મૂળ ફાસસી બખ્યહ પરથી આવ્યો છે. (જુઓ ગુજરાતી પર અરબી-ફારસીની અસર ભા. ૧, છોટુભાઈ ર. નાયક પૃ. ૨૮૬). બખિયા એટલે સાદા ટાંકા નહીં પણ બેવડા ટાંકા. બખિયા ઉધેડના એટલે લીરેલીરા ઉડાડવા કે છોતરાં કાઢવાં એવો અર્થ નથી. લીરા ઉડાડવામાં હિંસા નિહિત છે. છોતરાં કાઢવાં થોડોક ચાલી જાય. કારણ કે છોતરાં કાઢવામાં બિનજરૂરી હિસ્સો દૂર કરી વસ્તુત્વની પ્રાપ્તિનું લક્ષ્ય છે. બખિયા ઉધેડવામાં સીવણ છૂટું પડે છે. આ દેરિદાના વિરચનવિચારની નજીકની વાત છે. એટલે અહીં આ અનુવાદે કેન્દ્રીય સાહિત્ય અકાદમીના વહીવટની બખિયા ઉધેડી નાખી છે. પૃ. ૨૦ પર ‘હિંમતરામ વજેશંકર...થી... પુસ્તકને મુક્ત કરી શકાયું હોત.’ એ ફકરો નીચે પ્રમાણે વાંચવા વિનંતી છે. અમારા મિત્ર હેમંત દવે ઉર્ફે શાસ્ત્રી હિંમતરામે ત્રિદિપ સહૃદના પુસ્તકની પ્રત્યક્ષ (૨૦૧૧)માં પ્રબોધક સમીક્ષા લખી ત્યારે તેમણે દર્શાવેલા ત્રિદિપભાઈના કેટલાક વ્યાકરણિક દોષો જો કોઈ ભાષાસંપાદકની સેવા લેવાઈ હોત તો સરળતાથી નિવારી શકાયા હોત પણ નારંગના આ ગુજરાતી અનુવાદની ભાષા તેમજ અનુવાદની શુદ્ધિનું કામ આભે થીગડું મારવા જેવું છે. આ પ્રકારના પુસ્તકનો ભાષા-સંપાદક (અં. કોપી એડિટર) હિન્દી ભાષાનો પણ જાણકાર હોવાની પૂરી શક્યતા હોવાથી તેને ભાગે પુસ્તકનું ભાષા-સંપાદન જ નહીં પણ પુનઃ અનુવાદ કરવાનું જ કામ આવત. એક નબળા અનુવાદને સુધારવા કરતાં મૂળને સામે રાખીને નવેસરથી સીધો અનુવાદ કરવો વધુ સરળ પડે એ આ પ્રક્રિયાના જાણકારો સહેજે સમજી શકશે. ઉપરોક્ત ફકરામાં સમીક્ષકનાં વિધાનો હેમંત દવેના નામે ચઢી ગયાં છે તે બદલે અમો શ્રી દવેના ક્ષમાપ્રાર્થી છીએ. રઘુવીર ચૌધરીનો શોધપ્રબંધ હિન્દી-ગુજરાતી ક્રિયાપદો પર નહીં પણ ક્રિયાધાતુઓ પર છે. એલ. ડી. ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડોલોજી, અમદાવાદની પ્રકાશિત આ ગ્રંથ આજે પણ ઉપલબ્ધ છે. પૃ. ૧૪-૧૫ પર ઉર્દૂ સામયિક જદીદ આદાબનું પ્રકાશન બંધ પડ્યા અંગે ગૂંચવાડો છે. હકીકતમાં તેની ઇન્ટરનેટ અને પ્રિન્ટ બંને આવૃત્તિઓ નીકળે છે. સુશ્રી સુનીતા ચૌધરીનો આ અનુવાદ વાંચ્યા પછી સુશ્રી અરુણા જાડેજાનો તુકારામના અભંગોનો મરાઠીમાંથી ગુજરાતી અનુવાદ હાલમાં જ મારા જોવામાં આવ્યો. મરાઠી ભાષાનો મારો પરિચય યત્કિંચિત હોવાથી આ અનુવાદની ગુણવત્તા વિશે કંઈ પણ કહેવાનો મારો અધિકાર નથી. પણ ગ્રંથના શીર્ષક ‘ભણે તુકો’થી માંડીને ગ્રંથ-અંતર્ગત સામગ્રીને જોતાં મનમાં ઉલ્લાસ વ્યાપી જાય છે. એક સારો અને સજાગ અનુવાદક ધારે તો પ્રત્યુત્પન્નમતિથી અનુવાદમાં કેટલું મૂલ્યઉમેરણ (વેલ્યુ એડિશન) કરી શકે તેનો આ એક ઉત્તમ નમૂનો છે. સારો અનુવાદક માત્ર અનુવાદ કરીને જ અટકી ન જતાં મૂળ ગ્રંથમાં આપેલી માહિતીમાં કંઈ ભૂલચૂક હોય કે કોઈ માહિતી ઉમેરવા જેવી લાગતી હોય તો તે અનુવાદકની પાદનોંધનો આશ્રય લઈને એવી ક્ષતિપૂર્તિ કરી શકે છે. પણ તેના માટે ગ્રંથમાં ચર્ચિત વિષય અનુવાદકના ઊંડળમાં આવ્યો હોય એ જરૂરી છે.

અમદાવાદ, નવેમ્બર, ૨૦૧૨

– હર્ષવદન ત્રિવેદી

[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૨ પૃ. ૫૮-૫૯]