‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/જોડણી અંગે અવશ્ય અને તરત કરવા જેવું : જયંત કોઠારી
જયંત કોઠારી
જોડણી અંગે અવશ્ય અને તરત કરવા જેવું
રામજીભાઈ વગેરે મિત્રો ભાષાશુદ્ધિ-અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન લોકલક્ષી છે. રજૂ થઈ રહેલા બધા વિચારો સાથે કદાચ સંમત ન થઈ શકાય, પણ એમાંથી અવશ્ય અને તરત કરવા જેવું કેટલુંક જરૂર તારવી શકાય. ખાસ કરીને જોડણીના વિષયમાં વિદ્યાપીઠના જોડણીકોશના તદદિભવ શબ્દોના જોડણીનિયમો અત્યંત ગૂંચવણભર્યા છે અને કોશ પોતે એનું ૧૦૦ ટકા ચુસ્તતાથી પાલન કરી શક્યો નથી. વિશાળ પ્રજાસમૂહ હવે ભણવા આવી રહ્યો છે ત્યારે એને આવી અતંત્રતાથી મૂંઝવવો ન જોઈએ અને જોડણી-નિયમોનું સરલીકરણ કરવું જોઈએ એમ લાંબા વખતથી મને પ્રતીત થયું છે. પાઠ્યપુસ્તકો તૈયાર કરતાં આ સમજાયું છે. વિદ્વાનોના પ્રતિનિધિ તરીકે હું મારી જાતને ગુનેગાર તરીકે પણ જોઉ છું. આપણે બધા પણ અંગ્રેજી જોડણીમાં નહીં તેટલી ગુજરાતી જોડણીમાં મુશ્કેલી અનુભવીએ છીએ. જોડણીનિયમોમાં કેટલુંક સરલીકરણ કશી આપત્તિ વિના થઈ શકે એમ છે. પણ વિદ્વાનો ને સમાજના અગ્રણીઓ કોણ જાણે કેમ મૂંગા છે. એમને કશું કર્તવ્ય દેખાતું નથી. વિદ્યાપીઠ-કોશ નિયમોનું પાલન બરાબર કરે એ કહેવાનુંયે નહીં! બીજી ક્યાં આશા રાખવી? ભૃગુરાય અંજારિયાએ જાતને નિચોવી કોશ અંગે પત્રો લખ્યા, લેખ લખ્યો પણ વિદ્યાપીઠતંત્ર તો ઠીક, આપણા વિદ્યાપુરુષોએ પણ કશો ટેકો ન કર્યો. આ સ્થિતિ અત્યંત દુઃખદ છે. અત્યારે આ વિચારવલોણું ચાલી રહ્યું છે – કેટલાક ભાષાપ્રેમીઓ, પ્રજાપ્રેમીઓ જાતને ઘસીને એ કરી રહ્યા છે ત્યારે તીરે ઊભા રહી તમાશો જોયા કરવા પાછળ કયો ખ્યાલ હશે? આ આંદોલન આપોઆપ મરી પરવારશે એવી આશા હશે? તો એ ગુજરાતના પ્રજાજીવનની કરુણતા હશે.
૨૪, સત્યકામ અમદાવાદ ૧૫
૫-૨-૯૮
– જયંત કોઠારી
[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૮, પૃ. ૩૯]