‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/જોડાજોડ જોતું તુલનાસાપેક્ષ અવલોકન : રાધેશ્યામ શર્મા

૧.
રાધેશ્યામ શર્મા

[સંદર્ભ : એપ્રિલ-જૂન ૧૯૯૪, ‘વિવેચનનો વિધિ’ વિશે, વિજય શાસ્ત્રી]

‘જોડાજોડ’ જોતું તુલના સાપેક્ષ અવલોકન

મારા વિવેચનગ્રંથ ‘વિવેચનનો વિધિ’નું શ્રી વિજય શાસ્ત્રી દ્વારા થયેલું અવલોકન, (‘પ્રત્યક્ષ’ એપ્રિલ-જૂન ’૯૪, પૃ. ૧૪-૧૭) માણવાની ખરેખર મજા પડી. ક્યાંક, જ્યાં વિજુભૈયાએ સજા ફટકારી ત્યાં હું જાગીને જોવા પ્રેરાયો કે ઔચિત્ય ભૂલી વિવેકભાન તો ગુમાવી બેઠો નથીને. જેઓના મતની પતીજ હોય તે જ જ્યારે આંગળી-ચીંધણું કરે ત્યારે નિજ-દોષ-દર્શન કરવાની તક લેવી ઘટે, અને પછી નિરુપાયે સ્પષ્ટતા આપવી પડે. ભાઈ વિજયની પ્રસ્તુત સમીક્ષા જુદાજુદા લેખકોને તથા કૃતિઓને ‘જોડાજોડ જોવાની ને જોઈને કશુંક મનમાં ને મનમાં જ સમજી લેવાની તક જાણ્યે’ (‘અજાણ્યે’ નહિ જ) – જાણે કે મેળવી લે છે, જેમાં વિવેચકરૂપે મારી વિભિન્ન મુદ્રાઓને તે યથાદૃષ્ટિ સાંકળી લે છે. દા.ત., હરીન્દ્રની જોડાજોડ રઘુવીર (‘માધવ...’ અને ‘શ્યામ સુહાગી’ના સંદર્ભે) અને ચન્દ્રકાન્ત ટોપીવાળાની જોડાજોડ શિરીષ-સુમન વગેરે. વિજયે જે રીતે ઉક્ત લેખકો-કૃતિઓ અંગેના મારા મુદ્દાઓને જોડાજોડ ઉપસાવવાનો કસબ વાપર્યો છે એમાં જોડાજોડના સંકેત ઉપરાંત સામોસામનો વિરુદ્ધ અર્થ પણ ઝબકી જાય. જેમકે હરીન્દ્રના પક્ષમાં, રઘુવીરના વિરોધમાં, ચન્દ્રકાન્તના પક્ષમાં અને સુમન-શિરીષ અને છેક પ્રમોદકુમારના વિપક્ષમાં, આવું જોડાજોડ, કર્તા-કૃતિઓને મૂકીને સમજી લેતું અવલોકન તો ત્યાં સુધી પણ લંબાવાય કે ‘શ્યામસુહાગી’ પર ૧૯૯૦માં રઘુવીર વિરુદ્ધ લખી ‘માધવ’ પર ૧૯૯૧માં હરીન્દ્રની તરફેણ કરી! શાસ્ત્રી હોવાથી બોધસૂત્ર પણ વિજયભાઈ મારફત મળે છે : ‘આવી ઉદારતા વ્યવહારમાં ચાલે, કળાકૃતિમાં ગાબડાં નભાવી લેવામાં નહીં ચાલે.’ હવે ટૂંકમાં કયાં ગાબડાં છે, કેવાં ગાબડાં છે. એની થોડીક વાત. (૧) ‘માધવ ક્યાંય નથી’ સંબંધે મેં જેને (‘કરોડરજ્જુ સમી’ નહિ પણ) ‘કથાતંતુપ્રપંચનો મુખ્ય અંશ’ કહી છે તે વિગત ‘ક્યાંક ગોઠવી કાઢેલી’ અને પ્રતીતિ પર તાણ દબાણ લાવે એવી કહ્યા પછી ‘ગંભીર રસક્ષતિ કે ક્લેશ થાય એવું બહુ નથી’ એમ મેં લખ્યું, એને સમીક્ષક શા માટે ‘ઢીલુંપોચું વાક્ય’ ગણે છે? અનુભૂતિબોધના ગ્રે એરિયાને પામવાની અહીં શિથિલતા છે. નારદના આગમનની અને કૃષ્ણના અંતર્ધાન થવાની વિગતની ગોઠવણીને સર્વત્ર અને સર્વદા નહીં પણ ‘ક્યાંક’ (રિપીટ ‘ક્યાંક’) ગોઠવી કાઢેલી અને પ્રતીતિ પર તાણ દબાણ લાવે એવી કહું છું તે યથાર્થ વાંચ્યા વિચાર્યા વિના જ વિજય વિવેચન આપવાની ‘લ્હાયમાં ને લ્હાયમાં’ ઊતરી પડ્યા! આ ‘ક્યાંક’નો સંકેત તો ખોલવાની ને સમજાવવાની જરૂર તો નથી ને હજુ? ‘ક્યાંક’ એટલે ક્યાંકક્યાંક, કેટલેક સ્થાને સદૈવ સર્વત્ર નહીં. ‘ક્યાંક’ લખીને છટકબારી નથી રાખી તે અત્રે સ્પષ્ટ કરું. ‘ગંભીર રસક્ષિત કે ક્લેશ થાય એવું બહુ નથી’ કહ્યા પછી તરત મારા પુસ્તકના (પૃ. ૭૨) ચાર ફકરા જે કોઈ પણ પ્રકારના અભિનિવેશ-રઘવાટ વગર વાંચશે, એને તરત ખ્યાલમાં આવશે કે હું આખી કથા-કૃતિમાં ગંભીર રસક્ષતિ બહુ થતી, નથી જોતો. લંબાણભયે થોડાંક વિધાનો ટૂંકમાં રજૂ કરું : પ્રત્યક્ષીકરણની પળ ઝૂંટવાતી જ રહે એવી યોજનાથી કથાની આકૃતિને ભેદભ્રમનોય લાભ થયો છે... વિયોગના બિંદુમાં જ સંયોગ-સિન્ધુ ઉછાળો મારતો જોવાય એવું પ્રશિક્ષણ કૃતિ મારફત સહજ મળે છે... ના મળ્યાની વ્યથાનો સ્વાદ ભળ્યો છે, એનો રસ અનોખો...અભાવમાં કૃષ્ણ-ભાવ પામવાનો અહીં કીમિયો છે...’ તાત્પર્ય કે ક્યાંકક્યાંક ગોઠવણી હોવા છતાં સમગ્ર કૃતિ બહુ ક્લેશકર નથી. ‘રસ’ પણ મળ્યો છે. રઘુવીરની ‘શ્યામસુહાગી’ને ‘દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી’ મેં કહી ત્યાં સમીક્ષક કહે (સૂચવે) છે કે હરીન્દ્ર-માધવ વિશે મેં એવું (કેમ?) કહ્યું નથી! – તે ક્યાંથી કહું? બંને નવલકથાઓ હોવા છતાં એક જ ધોરણ અને માનદંડથી – બે તદ્દન નોખાં વસ્તુ સ્વરૂપને કેવી રીતે હંકારાય? રઘુવીરકૃતિ માટે શેહશરમ વગર કહેવાનું પ્રાપ્ત થયું એવું જ હરીન્દ્રકૃતિ માટે પ્રસ્તુત ના હોય તોયે કહેવું સમીક્ષકને શા માટે જરૂરી જણાયું છે? અહીં સમીક્ષકનું વ્યવહાર-વલણ પણ અંગત ગમા-અણગમાની દૂષિત ગ્રંથિથી કદાચ બદ્ધ હોય તો શું કહેવું? આવા પક્ષાપક્ષી, રાગદ્વેષ વ્યવહારમાં નભે. સમીક્ષામાં નહિ. (૨) ‘બ્લૅક ફૉરેસ્ટ’ પ્રત્યે મેં અપેક્ષાગત અસંતોષ વ્યક્ત કર્યો એ સમીક્ષકને કબૂલમંજૂર છે, પણ ‘વિવેચનનો વિભાજિત પટ’ને હોંશેહોંશે પોંખું છું ત્યારે પોતાની અપેક્ષા ના સંતોષાતાં – અને તે ય માત્ર ‘મરણોત્તર’ પૂરતી જ – ‘ટોપીવાળાને ન્યાય કરવાની લ્હાયમાં ને લ્હાયમાં’ શિરીષ-સુમનની ‘મરણોત્તર’-વિચારણાને અન્યાય કરવાનો મારા પર આરોપ મૂકે છે. એકને ન્યાય અને અન્યોને અન્યાય એવા ચુકાદા આપનારું જડ જજ જેવું તુલનાસાપેક્ષ ચાલુ નિરાધાર વિવેચન મારાથી ભાગ્યે જ થયું હશે. સમીક્ષકની મારા પાસેથી શી અપેક્ષા છે? – કે મારે ‘ચન્દ્રકાન્તે આપેલો ચુકાદો અને શિરીષ-સુમને ચુકાદો આપવામાં નહીં કરેલી ઉતાવળની વિગતોનો ઉલ્લેખ’ કરવો જોઈતો હતો. સમીક્ષકે ચન્દ્રકાન્તનો ‘મરણોત્તર એક તપાસ’ (અને આલેખ) ધ્યાનથી વાંચ્યો હોય તો આમ ના કહે. અપ્રસ્તુત અપેક્ષા પણ ના સેવે. ‘વ્હેર એન્જલ્સ ફીઅર ટુ ટ્રેડ’ એમ કહી નહિ શકાય કેમ કે પ્રસ્તુત લેખમાં ટોપીવાળાએ દીવો ધરીને ગાઈવજાડી કહ્યું છે કે સુમન શાહે ‘ઝનૂનપૂર્વક વકીલાતનામું’ અને શિરીષ પંચાલે કંઈક અંશે ‘બચાવનામું’ સુરેશભાઈના પક્ષમાં કર્યું છે. ‘પ્રોગ્રેસિવ મુવમેન્ટ’, ગદ્યનું પોત નિબંધનું મટી નવલનું બને જેવી અપેક્ષાઓના ઉત્તર ટોપીવાળા અને મારા અવલોકનના પુનર્વાચન પછી લગભગ સાંપડી જશે. ‘બિનઅધ્યાપકી’ શૈલી અમુક જાતની હોય તો અધ્યાપકીય અને બિનરસળતી વિવેચનરીતિ કોઈ ખાસ સમીક્ષકની અપેક્ષા તોષવા પેશ થતી હોય છે શું? સમીક્ષકની ગમે તેવી કલ્પિત માન્યતાને માન આપી ચુકાદો ના આપ્યો, એને દોષ કહેવાય? ‘મરણોત્તર’ના ગદ્ય વિશે કાન્તિ પટેલ અને રમણલાલ જોશી સમા વિવેચકોના મુદ્દાને ન્યાય કે અન્યાય આપવા અંગે સમીક્ષકનું મૌન ધ્યાનાર્હ છે. (૩) પ્રમોદકુમાર પટેલના ‘સંકેતવિસ્તાર’ને, ‘પ્રસ્તારના સંકેત’ કહેવા પાછળ મેં કારણો આપ્યાં છે, તારણો કાઢ્યાં છે, એની તો નોંધ પણ નથી લેતા ને “પ્રૌઢ માસ્તરશાઈ અને મુરબ્બીવટભરી અશક્તિ’નો જ ખાસ ઉલ્લેખ કરી દૂષિત ગ્રંથિનો, પોતાની ગાંઠનો વહેમ આરોપે છે! એક લેખમાં પ્રમોદભાઈ ૨૮ પાનાના પ્રસ્તારને ૧૪ આધારગ્રંથોના પૂંઠબળથી અને બીજા લેખમાં ૩૦ પૃષ્ઠના વિસ્તારને ૬૭ જેટલી ફૂટનોટ્‌સની લાંબી પૂંછડી ચિપકાવે છે છતાં મૌલિકતા માર્મિકતા, વેધકતા કે Critical insight-નો ઠીકઠીક અભાવ સપ્રમાણ પ્રદર્શિત કરવાનું મારા લેખમાં બતાડ્યું પછી એમાં અંગત ગમા-અણગમા-નો પ્રક્ષેપ પ્રસ્તુત નથી. ‘વિ.’ના સળંગ અંક ૨૯૮-૨૯૯માં પ્રા. પ્ર. પટેલના ગ્રંથ ‘પ્રતીતિ’ની સંપદાસમીક્ષા કરતાં એક બીજા પ્રાધ્યાપક સતીશ વ્યાસે મારી જેમ જ પ્રા. પ્રમોદકુમારની માસ્તરશાઈનો શબ્દફેરે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે એને પણ અંગત ગમાઅણગમાની ગ્રંથિથી દૂષિત માનીશું? મારી પ્રસ્તાર સંકેતની પ્રતીતિ ‘ગ્રંથ’ના આમંત્રણથી ૧૯૮૧માં વ્યક્ત થયેલી પણ પ્રા. સતીશ વ્યાસને પણ બાર વર્ષ બાદ ૧૯૯૩માં પ્રમોદભાઈની વિવેચનરીતિવિષયક આને મળતી પુનઃ પ્રતીતિ થઈ તે ‘પદાર્થને પૂરેપૂરો અવગત કરવાની, ધીમેધીમે, ક્યારેક તો સામેની વ્યક્તિ કંટાળી જાય એ રીતે સમજાવવાની એમની શિક્ષકરીતિ’ ઉદ્‌ગારોમાં સ્પષ્ટ થઈ છે. આમ છતાં મારા લેખમાં વિવેચક પ્રમોદકુમારભાઈની ‘વિષય-નિષ્ઠા’ અને ‘સાહિત્યતત્ત્વ પ્રીતિ’ની નોંધ લીધાની વિગત ઝીણા સમીક્ષક સગવડે જ ભૂલી ગયાને? સુરેશ જોષીનેય ખુલ્લા પત્રમાં મેં લખેલું કે તમે કન્સેપ્શનના અને હું પર્સેપ્શનનો મતદાર છું. પ્રા. વિજય શાસ્ત્રી સુ.જો.પંથી હોવાનો મને અહેસાસ છે. એઓના વડે ‘વિવેચનનો વિધિ’ વિશેનું અવલોકન સાવ જોડાજોડ જોડતું અને તુલનાસાપેક્ષ તો નહોતું થવું જોઈતું, પરન્તુ હાલ ખ્યાલ આવે છે કે એમની આ યાદગાર સમીક્ષામાં મારા, ગ્રન્થના બીજા જ મહત્ત્વના લેખ ‘તુલનાનિરપેક્ષ વિવેચનપદ્ધતિ’નો ઠામુકો ઉલ્લેખ જ નથી! તેમણે તે વાંચ્યો હોત તો કૃતિઓને અને ખાસ તો લેખકોને છેડાછેડી ગાંઠી ‘જોડાજોડ’ ગોઠવવાનું ગૉરકૃત્ય ના આચર્યું હોત. આના માટે તો ખૂબ આભાર સિવાય અન્ય કઈ દક્ષિણા હું નિવૃત્ત શુક્લ-શર્મા અધ્યાપક શાસ્ત્રીને અર્પી શકું, ભલા? સમકાલીન સાહિત્ય-કારો પરત્વે આટલી પણ નિસબત બહુ ઓછા જ અભ્યાસીઓ બતાવે છે, માટે તો આ તત્ત્વ-વાદ...

– રાધેશ્યામ શર્મા
[જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૪, પૃ. ૪૨-૪૪]