‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/ડ્રમંડનું ગુજરાતી વ્યાકરણ! : હેમન્ત દવે
હેમન્ત દવે
[સંદર્ભ : ઑક્ટો.-ડિસે., ૨૦૧૫, દીપક મહેતાની પત્રચર્ચા]
ડ્રમંડનું ગુજરાતી વ્યાકરણ?
પ્રિય રમણભાઈ, પ્રત્યક્ષના જૂન-સપ્ટેમ્બર, ૨૦૧૫ના અંકમાં હર્ષવદન ત્રિવેદીએ લખેલા ઊર્મિ દેસાઈકૃત પુસ્તકના અવલોકનમાં રજૂ કરાયેલા એક વિચાર વિશે દીપક મહેતાનો પત્ર ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૫ના અંકમાં પ્રસિદ્ધ થયો છે. પોતાના અવલોકનમાં હર્ષવદન ત્રિવેદીએ આ મુદ્દો કર્યો છે : ‘ડ્રમંડે સંસ્કૃતના જાણકાર કોઈ ગુજરાતી શાસ્ત્રી પાસે આ વ્યાકરણ લખાવી તેનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો કે કેમ એ પણ તપાસનો વિષય છે.’ દીપક મહેતાને આ વિધાન વાંચી ‘દુઃખદ આશ્ચર્ય’ થયું છે. એમણે આવી શંકા કેમ ટકી શકે તેમ નથી એનાં ચાર કારણો આપ્યાં છે અને પત્રના અંતે ડૉ રોબર્ટ ડ્રમંડ અને એમના પુસ્તક વિશે વધુ માહિતી મેળવવા માટે પોતાનું પુસ્તક ઓગણીસમી સદીના ગુજરાતી ગ્રંથ અને ગ્રંથકાર (૨૦૧૫) જોવાની ભલામણ કરી છે. હર્ષવદન ત્રિવેદી જેવા અભ્યાસી વિદ્વાન પાસે આવી શંકા રજૂ કરવા માટેનાં કારણો હશે જ. પણ હું પત્રલેખકની એ વાત સાથે સમ્મત થાઉં છું કે આ ગ્રંથ ‘અનુવાદ’ ન હોઈ શકે, છતાં આ સંદર્ભે બે-ત્રણ મુદ્દા કરવા મને જરૂરી જણાય છે. ૦ ડ્રમંડે ગુજરાતી (અને મરાઠી)૧[1] મૂળાક્ષરો અને વાક્યોની માહિતી આપતી વખતે સંસ્કૃત વ્યાકરણના પારિભાષિક શબ્દો—‘વ્યંજન માટે હલ્, સ્વરો માટે અચ્, નામપદ માટે સુબન્ત, આખ્યાત માટે તિઙન્ત’૨[2]—નો પ્રયોગ કર્યો છે એ બાબત અંગે હર્ષવદન ત્રિવેદીએ પોતાના અવલોકનમાં ખાસ ધ્યાન દોર્યું છે. એમની ઉપર જણાવેલી શંકા પણ આ પછી તરત આવે છે. ડ્રમંડ જેવી પશ્ચિમી વ્યાકરણશાસ્ત્રથી પરિચિત વ્યક્તિ અંગ્રેજી ભાષામાં અને મુખ્યત્વે યુરોપીય વાચક માટે રચાયેલા—દીપક મહેતા પોતે જ લખે છે કે આ વ્યાકરણ ‘મુંબઈ ઇલાકામાં કામ કરતા અંગ્રેજો—સરકારી અમલદારો અને પાદરીઓ—ને મદદરૂપ થવા’૩[3] લખાયેલું. ‘ગુજરાતી વ્યાકરણ’માં સંસ્કૃત વ્યાકરણની શબ્દાવલિ કયા શાસ્ત્રસંવર્ધનાર્થે પ્રયોજે છે, અથવા પ્રયોજી હોઈ શકે, એ વિશે પત્રલેખકે, એમની પાસેથી અપેક્ષિત, કશો પ્રકાશ પડ્યો નથી. ૦ અર્વાચીન ભારતના બૌદ્ધિક ઇતિહાસ ઉપર સન્નિષ્ઠ કામ કરનાર હરકોઈ વ્યક્તિને એ જાણ હોય જ કે ઓગણીસમી સદીમાં, અને એની આગલી-પાછલી સદીઓમાં, યુરોપીય વિદ્વાનોએ જે કામ કર્યાં તેમાં આપણા પંડિતો અને શાસ્ત્રીઓની મૂલ્યવાન ભૂમિકા હતી. અહીંના ગ્રંથોની ભાળ મેળવવાથી માંડીને એમને વાંચવામાં, એમનું સંપાદન કરવામાં, એમના અનુવાદ કરવામાં અને એના અભ્યાસમાં એતદ્દેશીય વિદ્વાનોની ભૂમિકા અભ્યાસીઓને સર્વવિદિત છે (સર રોશર ૧૯૮૬: ૩ અને નોંધ ૧૧, ૪૯-૫૧; અને હવે વીરચંદ ધરમસી ૨૦૧૨: ૨૩-૩૦). દાત, એચ એચ વિલ્સન લખે છે કે પુરાણો ઉપર સંશોધન કરવા માટે – I employed [`several able Pandits’] to prepare a minute index of each of the Purnas. This was not a mere catalogue of chapters, or sections, or heads of subjects, but a recapitulation of the subjects of every page and almost every stanza in each page [...]. These indices were drawn up in Sanscrit. To convert them into English I employed several native young men, educated in the Hindહ્મ college, and well conversant with our language, and to them the Pandits explained the Summary which they had compiled (ઉ રોશર ૧૯૮૬: ૩). ઘણા કિસ્સાઓમાં આ સ્થાનિક પંડિતોનાં નામનિર્દેશ દેવાનું કે એમનો ઋણસ્વીકાર કરવાનું આ ‘વિદ્વાનો’એ ટાળ્યું છે. બર્ટન અને આબર્ધ્નાટના નામે હાલ બોલતો કામસૂત્રનો અનુવાદ પંડિતોએ (શિવરામ ભીડેએ ભગવાનલાલ ઇન્દ્રજીની મદદથી) કરેલો એ હવે, વીરચંદ ધરમસીના તદ્વિષયક સંશોધનને કારણે, ઘણું જાણીતું છે (સર વીરચંદ ધરમસી ૨૦૧૨: ૧૪૮-૧૫૧). —અને આવા કિસ્સા એકલદોકલ નથી એ આ ક્ષેત્રમાં કરતા વિદ્વાનોથી અજાણ્યું નથી. મુગલયુગ દરમ્યાન ઘણા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયેલો. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ફૈઝી, મુલ્લાં શીરી, દારા શુકોહ જેવા વિદ્વાનોએ સંસ્કૃતમાંથી ફારસીમાં આ અનુવાદ કરેલા. પણ આ ‘અનુવાદો’ની પ્રક્રિયા, હોડીવાળાએ બતાવી છે તેમ, આવી હતીઃ પહેલાં હિન્દુ શાસ્ત્રીઓ સંસ્કૃત ગ્રંથોની ‘સમજૂતી’ દેશી ભાષામાં તૈયાર કરતા અને ત્યાર બાદ એ ‘સમજૂતી’ની ‘સમજણ’ ફારસી અનુવાદકને આપતા (સર વિલ્સને ઉપર જે લખ્યું છે તેઃ `to them the Pandits explained the Summary which they had compiled’) અને ત્યાર બાદ જે તે ફારસી ભાષાવિદ એનું ફારસીમાં રૂપાંતર કરતા. જાણીતા ભારતવિદ અલબીરુની વિશે પણ સખાઉએ લખ્યું છે કે, `he seems to have read Indian books with the aid of Pandits and to have written his translation simply from their dictation’ (સર હોડીવાલા ૧૯૩૯/૧૯૯૪: ૫૬૪-૬૬). પ્રારંભિક તબક્કે કેટલાયે યુરોપીય વિદ્વાનોના અનુવાદો અને અભ્યાસો આ મુગલયુગીન અનુવાદપ્રક્રિયાથી ખાસ ભિન્ન નહોતા. પરદેશી વિદ્વાનોને નામે ચડેલાં આવાં પુસ્તકો એ વિદ્વાનોએ સ્વતંત્ર રીતે, જાતમહેનતથી જ લખેલાં એવું તો રંગદર્શી મુગ્ધ નવઅભ્યાસી માને. પણ ઓગણીસમી સદીના ગુજરાતી ગ્રંથો અને ગ્રંથકારોથી સુપરિચિત દીપક મહેતા પણ આવું માને? ઓગણીસમી સદીનાં ગુજરાતી પુસ્તકો અને એમના કર્તાઓને દીપક મહેતાએ એ સમયના બૌદ્ધિક ઇતિહાસના વ્યાપક સંદર્ભમાં જોયા હોત તો હર્ષવદન ત્રિવેદીની ટિપ્પણીનું હાર્દ એમને સમજાયું હોત, કદાચ. ગુજરાતી વ્યાકરણોના સંદર્ભમાં હોપ અને ટેલર પર તત્કાલે થયેલા આક્ષેપોનો નિર્દેશ કરવાનું ઊર્મિબહેન જેવાં અભ્યાસી ચૂક્યાં નથી તો હર્ષવદન ત્રિવેદીએ પણ પોતાના અવલોકનમાં એ વિશે આપણું ધ્યાન ખેંચ્યું છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પણ જો પાશ્ચાત્ય લેખકો ગુજરાતી પંડિતોનો આશ્રય લેતા હોય તો એ સદીના પહેલા દાયકામાં કોઈ લેખક સંપૂર્ણ સ્વતંત્ર રીતે ગુજરાતી અને મરાઠી ભાષાનાં ‘પહેલવહેલાં’ કહેવાતાં વ્યાકરણ લખે તો એ વિશે શંકા થવી સ્વાભાવિક છે. એ સિવાય, ડ્રમંડના આ પુસ્તકમાં પારસીઓને લગતા, ઐતિહાસિક રીતે મહત્ત્વના ગણાતા, ‘સોળ શ્લોક’નો અંગ્રેજી અનુવાદ જોવા મળે છે (૧૮૦૮: ‘પારશી તથા પરશેણ’ હેઠળ). આ શ્લોકો આકા અધ્યારુ નામક પંડિતે સંસ્કૃતમાં રચ્યા હતા (સર શ્મિટ ૧૯૬૨).૪[4] ડ્રમંડે આ શ્લોકોના અનુવાદ વિશે કશો નિર્દેશ મૂક્યો નથી એટલે આપણે તો મુગ્ધ રીતે એમ જ માની લેવાનું કે એમણે એ અનુવાદ સ્વયં સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં કર્યો હતો! અને જો એમ માનીએ તો ડ્રમંડ ગુજરાતી અને મરાઠી, વળી મલયાળમ ઉપરાંત સંસ્કૃતના પણ પંડિત હતા એમ માનવું રહે! એ કાળે આટલી બધી ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવતા અંગ્રેજ અમલદારનું નામ, અંગ્રેજી ઇતિહાસમાં પણ, આટલી ઝડપથી ભુલાઈ જાય અને એમના વિશે ભાગ્યે કશી માહિતી સચવાઈ હોય એ મોટું આશ્ચર્ય! ટૂંકમાં, ડ્રમંડે પોતાનું પુસ્તક લખવા માટે સ્થાનિક પંડિતોની મદદ નહીં જ લીધી હોય એમ, તત્કાલીન બૌદ્ધિક ઇતિહાસની વિગતો જોતાં, માની શકાતું નથી. ૦ આ પત્રમાં દીપક મહેતાએ એમના પત્રમાં કેટલીક જાણીતી—અને હવે નવાં સંશોધનોને કારણે અમાન્ય બનેલી—વિગતોની સાથે એક નવી, અગત્યની વિગત મૂકી છે, અને એ આ : ડ્રમંડે ઇલસ્ટ્રેશન્ઝ લખ્યું એ પૂર્વે ૧૭૯૭માં ગ્રૅમર ઑવ ધ મલબાર લૅંગ્વિજ લખ્યું હતું, જેની પ્રસ્તાવનામાં ડ્રમંડે, દીપક મહેતા લખે છે તે પ્રમાણે, ‘બહેરામજી છાપગરનો અને તેમણે બનાવેલાં ગુજરાતી બીબાંનો ખાસ ઉલ્લેખ કર્યો છે, એટલું જ નહિ, તેના નમૂના પણ મૂક્યા છે’ (૨૦૧૫-બઃ ૪૩). આ બાબત ખૂબ મહત્ત્વની છે, બેશક. પણ દીપક મહેતાએ ‘ડૉ રોબર્ટ ડ્રમંડ અને તેમના પુસ્તક વિષે વધુ માહિતી માટે’ પોતાનું જે પુસ્તક જોવાની ભલામણ કરી છે તે ઓગણીસમી સદીના ગુજરાતી ગ્રંથ અને ગ્રંથકારમાં આ મલબારી ભાષાના વ્યાકરણનો કે બહેરામજી છાપગરનો કે એમણે બનાવેલાં ગુજરાતી બીબાંનો કોઈ જ ઉલ્લેખ નથી. આ પુસ્તકમાં ડ્રમંડ વિશે ચર્ચા ‘પ્રથમ ગુજરાતી પુસ્તક’ એ લેખમાં તથા ‘ગુજરાતી મુદ્રણ, ભાષા અને લિપિ’ એ લેખમાં કરવામાં આવી છે (જુઓ, ૨૦૧૫-અ અને ૨૦૧૫-ક), પણ બન્નેમાંથી એકે લેખમાં મલબારી વ્યાકરણ વિશે કે એમાં જોવા મળતાં ગુજરાતી બીબાં વિશે કશો જ ઉલ્લેખ નથી. દીપક મહેતાનો લેખ ‘પ્રથમ ગુજરાતી પુસ્તક’ અગાઉ ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકમાં ‘આપણું પહેલું પુસ્તક : વ્યાકરણ, શબ્દસંગ્રહ અને બીજું ઘણુંબધું’ એવા નામ હેઠળ ૨૦૦૭માં પ્રકાશિત થયો હતો (ફાગુસત્રૈ ૭૨ (૪): ૩૨-૩૮). આ લેખ ત્યાર બાદ એ જ નામથી ૨૦૧૦માં એમના પુસ્તક ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ પુસ્તકમાં પુનઃપ્રકાશિત કરાયો હતો (પૃ ૧૦-૧૮). અને છેલ્લે, ૨૦૧૫માં, ત્રીજી વાર, ઓગણીસમી સદીના ગુજરાતી ગ્રંથ અને ગ્રંથકારમાં કશા જ ફેરફાર વિના ફરી પુનર્મુદ્રિત કરાયો છે (પૃ ૮૨-૮૯). (જોકે, દીપક મહેતાએ એમના તાજેતરમાં, ૨૦૧૫માં, પ્રકાશિત પુસ્તકનો જ સંદર્ભ દેવો મુનાસિબ માન્યો છે!) એટલે કે, દીપક મહેતાએ ૨૦૦૭થી ૨૦૧૫ સુધી, નવ વર્ષોમાં, ત્રણેમાંનાં એક પણ સ્થળે ડ્રમંડ વિશે ચર્ચા કરતી વખતે એમના મલબારી ભાષાના વ્યાકરણનો કે એમાં છપાયેલાં ગુજરાતી બીબાંનો નિર્દેશ કર્યો નથી. આ વાત ખાસ નોંધપાત્ર છે. આપણે એમ ચોક્કસ કહી શકીએ કે એમને આ બાબતની જાણકારી હોત તો તેઓ, એમની આગવી શૈલીમાં, ગુજરાતી વિદ્વજ્જગતનું આ વિશે ધ્યાન દોર્યા વિના ન રહ્યા હોત. આ એટલા માટે પણ ખરું કે કે એમણે એ પુસ્તકની પ્રકાશન સાલ ૧૭૯૭ આપી છે. તેઓ અન્યત્ર લખે છેઃ ‘૧૭૯૭ પહેલાં ગુજરાતી મુદ્રણની સગવડ જ નહોતી. એટલું જ નહીં, ૧૭૯૭માં ગુજરાતી મુદ્રણની શરૂઆત થઈ તે પણ આજના ગુજરાત રાજ્યમાં આવેલા કોઈ સ્થળે નહીં’ (૨૦૧૫-અઃ ૧૩). એટલે, જો મલબારી ભાષાના વ્યાકરણમાં ૧૭૯૭માં ગુજરાતી બીબાંના નમૂના હોવાની એમને જાણકારી હોત તો એમણે એનો નિર્દેશ, વિશિષ્ટ રીતે, કર્યો જ હોત. અસ્તુ. મારા મિત્ર મેહલી ભાંડૂપવાલાએ ખાંખત કરીને ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિકમાં જે કેટલાક ભોંય ભાગનારા શોધનિબંધો લખ્યા છે તેમાં એક ‘અઢારમી સદીમાં ગુજરાતી છાપાકામ’ છે (સર ભાંડૂપવાલા ૨૦૧૪). ડ્રમંડના ૧૭૯૯માં પ્રકાશિત મલબારી ભાષાના વ્યાકરણમાં બહેરામજી છાપગરની અને એમણે બનાવેલા ગુજરાતી બીબાંના નમૂનાને લગતી વિગત સચિત્ર, સર્વપ્રથમવાર આ નિબંધમાં મુકાઈ. (જી હા, આ વ્યાકરણ સને ૧૭૯૯માં પ્રકાશિત થયેલું; દીપક મહેતા લખે છે તેમ ૧૭૯૭માં નહીં.) મારી જાણમાં આ વિગત મેહલી ભાંડૂપવાલાના પૂર્વોક્ત લેખ પહેલાં ગુજરાતીમાં કદી લખવામાં આવી નહોતી.૫[5] મુદ્દો કેવળ એટલો જ કે આ અત્યંત મહત્ત્વની વિગત માટે જેમાં આ વિગત છે જ નહીં તે પોતાના ત્રીજી વાર પુનર્મુદ્રિત થયેલા લેખને સમાવતા પુસ્તકનો નિર્દેશ કરવાને બદલે, અથવા તેની સાથે સાથે, દીપક મહેતાએ ભાંડૂપવાલાના ઉપરોક્ત શકવર્તી નિબંધનો સંદર્ભ આપવાની જરૂર હતી.૬[6] ૦ ત્રીજો મુદ્દો ડ્રમંડના પુસ્તકને ‘ગુજરાતી ભાષાનું પહેલવહેલું વ્યાકરણનું પુસ્તક’ ગણાવવા સંદર્ભે છે. પ્રશ્ન એ છે કે ‘ગુજરાતી’ એટલે શું, ‘ગુજરાતી ભાષા’ એટલે શું, અને ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ એટલે શું? ગુજરાતી ભાષાના પંડિતો ભરતેશ્વરબાહુબલિ ઘોર અને ભરતેશ્વરબાહુબલિ રાસને ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ તરીકે ગણાવે છે, અને એમનો સમય ઈસની બારમી સદી હોવાનું જણાવે છે. પંદરમી સદીમાં ભાલણ આ ભાષાને ‘ગુજરભાખા’ કહી ઓળખાવે છે. ઈ ૧૩૯૪ના મુગ્ધાવબોધઔક્તિકમાં જૂની ગુજરાતી ભાષાનું વ્યાકરણ, ભલે પરોક્ષ રૂપે તો એમ, મળે છે (સર કે હ ધ્રુવ ૧૮૮૮/૧૯૯૫; હ હ ધ્રુવ ૧૮૯૩; ગ્રિયસર્ન ૧૯૦૨), જેનો અછડતો નિર્દેશ હર્ષવદન ત્રિવેદીએ એમના અવલોકનના અંતે કર્યો છે, સોળમી સદીમાં સાધુ સુંદર ગણિના ઉક્તિરત્નાકરમાં પણ એ સમયની રાજસ્થાની અને એની સમકાલીન કેટલીક બોલીઓની વ્યાકરણીય સામગ્રી મુકાઈ છે (સર જિનવિજયજી ૧૯૫૭). વાચકોની જાણ માટે નોધું કે આ કૃતિમાં વ્યાકરણ વ્યુત્પત્તિગત શબ્દાવલિના માધ્યમે આપવામાં આવ્યું છે. ડ્રમંડનું પુસ્તક (મરાઠી અને અંગ્રેજી ઉપરાંત) ગુજરાતી ભાષાની વ્યાકરણની કેટલીક, સાવ પ્રાથમિક, વિગતોને રજૂ કરતું હોવાથી, કે એમાં અંગ્રેજી ભાષાનો પ્રયોગ થયો હોવાથી, કે એક પરદેશી અંગ્રેજીની કલમે લખાયેલું હોવાથી, કે ‘મુદ્રિત’ હોવાથી એને ‘ગુજરાતી ભાષાનું પહેલવહેલું વ્યાકરણ પુસ્તક’ ગણવું, એ કાંઈ સ્પષ્ટ થતું નથી. આ પ્રકારના ઔક્તિકો કે ઉક્તિરત્નાકરો સાથે ડ્રમંડના પુસ્તકનો સીધો સંબંધ ન સ્થાપી શકાય તો પણ એને પહેલું વ્યાકરણનું પુસ્તકનું બહુમાન આપવું કે કેમ એનો વિચાર કરવો રહે. ડ્રમંડ એમના મલબારી ભાષાના વ્યાકરણને સ્પષ્ટ રીતે ‘ગ્રૅમર અવ ધ મલબાર લૅંગ્વિજ’ કહે છે જ્યારે આ પુસ્તકને ‘ઇલસ્ટ્રેશન્ઝ અવ ધ ગ્રમૅટિકલ પાર્ટ્સ અવ ધ ગુઝરાતી, મહરટ્ટ, ઍન્ડ ઇંગ્લિશ લૅંગ્વિજિઝ’ કહે છે, એ પણ આપણે ધ્યાને લેવું જોઈએ. લેખક પોતે જ્યારે જે પુસ્તકને ‘ગ્રૅમર’ તરીકે ન ઓળખાવતા હોય ત્યારે આપણે એને ‘વ્યાકરણ’ તરીકે ખપાવવા ઉદ્યમ કરીએ તો એ આપણી નાદાન મુગ્ધતા કહેવાય.
નડિયાદ;
૧૮ એપ્રિલ, ૨૦૧૬
હેમન્તનાં વંદન
૯૭૨૩૧૧૩૭૩૭
પાદનોંધઃ
- ↑ ૧ આ પુસ્તકમાં ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાની કેટલીક વિગતોનાં કોષ્ટકો હોવા છતાં આપણા વિદ્વાનો એને ‘ગુજરાતી વ્યાકરણ’ તરીકે જ જુએ છે; એને આપણે નરગીસીવૃત્તિ કહીશું?
- ↑ ૨ ભગવાન પાણિનિનાં માહેશ્વર સૂત્રોમાં તમામ વ્યંજનોનો સમાવેશ ‘હલ્’ સંજ્ઞામાં અને સર્વે સ્વરોનો નિર્દેશ ‘અચ્’ સંજ્ઞામાં થાય છે. બીજું, ડ્રમંડ ‘તિઙન્ત’ને ‘તીગંત’ લખે છે.
- ↑ ૩ જોકે, ડ્રમંડ આ પુસ્તકની અર્પણપત્રિકામાં લખે છે કે, `the following pages, chiefly intended to assist the studies of his young countrymen [scil. the English] ... and also to encourage those liberal minded Natives who [...] aspire to learn our language, are inscribed’.
- ↑ ૪ ડ્રમંડ વિશે કરેલાં લખાણોમાં દીપક મહેતાએ આ અત્યંત મહત્ત્વના અનુવાદની કે એના ઐતિહાસિક મહત્ત્વની કશી જ નોંધ નથી લીધી.
- ↑ ૫ અલબત્ત, અન્યત્ર આ વિગત નોંધાઈ છે, સર, દાત, નાયક (૧૯૭૧: ૧.૨૮૩; ૩.૧૮૨૭).
- ↑ ૬ વળી, આ નિબંધમાં ભાંડૂપવાલા બતાવે છે તેમ, જેમાં ગુજરાતી અક્ષરો પ્રથમ વાર પ્રયોજાયા હોય એવું, આપણું ‘પ્રથમ પુસ્તક’, આપણે અત્યાર સુધી માનતા આવ્યા છીએ તેમ, ૧૮૦૮માં પ્રકાશિત થયેલું ડ્રમંડનું ‘ગુજરાતી વ્યાકરણ’ નથી, પણ બહેરામજી છાપગરે છેક ૧૭૯૮માં પ્રકાશિત કરેલું ખુરદે અવસતા છે અને એની એક પ્રત લંડનની બ્રિટિશ લાઇબ્રરીમાં સચવાઈ છે (સર ૨૦૧૪: ૧૬-૨૦).
સંદર્ભઃ ત્રિવેદી, હર્ષવદન. ૨૦૧૫. ગુજરાતી વ્યાકરણવિચારના ઇતિહાસની આવકાર્ય દિશામાં. ઊર્મિ ઘનશ્યામ દેસાઈ, ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ-નું અવલોકન. પ્રત્યક્ષ, જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૫, પૃ ૧૩-૩૨. ધ્રુવ, કેશવ હર્ષદ ૧૮૮૮/૧૯૯૫. મુગ્ધાવબોધઔક્તિક, તદીય, દિવાન બહાદૂર કેશવલાલ હર્ષદરાય ધ્રુવ સંશોધન ગ્રંથમાળા, ગ્રંથ ૧, સાહિત્ય અને વિવેચન, પૃ ૨૫૨-૨૬૬. અમદાવાદઃ ભો જે અધ્યયન-સંશોધન વિદ્યાભવન. ભાંડૂપવાલા, મેહલી. ૨૦૧૪. અઢારમી સદીમાં ગુજરાતી છાપાકામ. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક ૭૯ (૩): ૭-૩૩. મહેતા, દીપક. ૨૦૧૫-અ. ગુજરાતી મુદ્રણ, ભાષા અને લિપિ. તદીય, ઓગણીસમી સદીના ગુજરાતી ગ્રંથ અને ગ્રંથકાર, પૃ ૧૩-૨૬. અમદાવાદઃ રંગદ્વાર પ્રકાશન. મહેતા દીપક, ૨૦૧૫-બ. ડ્રમંડનું વ્યાકરણ અનુવાદ?! પત્રચર્ચા. પ્રત્યક્ષ ૨૪ (૪): ૪૩. મહેતા, દીપક. ૨૦૧૫-ક. પ્રથમ ગુજરાતી પુસ્તક, તદીય, ઓગણીસમી સદીના ગુજરાતી ગ્રંથ અને ગ્રંથકાર, પૃ ૮૨-૮૯. અમદાવાદઃ રંગદ્વાર પ્રકાશન. (= તદીય, ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ, પૃ ૧૦-૧૮.) જિનવિજય મુનિ. ૧૯૫૭. ઉક્તિરત્નાકર. જયપુરઃ રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર. Dharamsey, Virchand. 2012. Bhagwanlal Indraji: The First Indian Archaeologist: Multi-disciplinary Approaches to the study of the past. Vadodara: Darshak Itihas Nidhi Dhruva, H. H. 1893. Mugdhav¹bodhamauktika In E. Delmar Morgan (ed.), Transactions of the Ninth International Congress of Orientalists, vol. 1, Indian and Aryan Sections, pp. 315-330. London: The Committee of the Congress. Drummond, Robert. 1799. Grammar of the Malabar Language. Bombay: Courier Printing Office. Drummond, Robert. 1808. Illustrations of the Grammatical Parts of the Guzerattee, Mahratta & English Languages. Bombay: Courier Press. Grierson, G. A. 1902. The Mugdhavabodhamauktika and Old Gujarati. The Journal of the Royal Asiatic Society, July 1902, pp. 537-555. Hodiwala, Shahpurshah Hormasji. 1939/1994. History of Indian Muslims [Original title: Studies in Indo-Muslim History]: Critical Commentary on Eliot and Dowson’s History of India as Told by Its Own Historians. New Delhi: Atlantic Publishers and Distributors. Naik, Bapurao S. 1971. Typography of Devanagari. 3 vols. Bombay: Directorate of Language. Schmidt, H. P. 1962. The sixteen Sanskrit slokas of ¸k¹ Adhy¹ru. Bulletin of the Deccan College Research Institute 21: 157-196.
[એપ્રિલ-જૂન, ૨૦૧૬, પૃ. ૪૪-૪૮]