‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/થોડાક નિષ્ઠાવાન અધ્યાપકો પણ છે : માવજી સાવલા

૧૨ ક
માવજી સાવલા

[સંદર્ભ : જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૦૮, ‘જો હું તમારો વિદ્યાર્થી હોઉં’]

થોડાંક નિષ્ઠાવાન અધ્યાપકો પણ છે.

સ્નેહીશ્રી રમણભાઈ ‘પ્રત્યક્ષ’ જુલાઈ-સપ્ટેમ્બર-૦૮ અંક ગઈ કાલે મળ્યો છે સાથે મારા લેખની બે ઑફપ્રિન્ટ્‌સ પણ. તમારા સંપાદકીય લેખોનું મૂલ્ય હું બરાબર સમજતો રહું છું. આ વખતે તમે અધ્યાપકવર્ગને બરાબર ‘વાણિયાની પાંચશેરી’ની જેમ હડફેટમાં લીધા છે! આ પરિસ્થિતિ એક વાસ્તવિકતાની ઇમાનદાર છબી છે. ઘણા બધાને કડવું લાગશે. પણ આવા મશાલચી ગુજરાતી સાહિત્યક્ષેત્રે હું શોધવા નીકળું તો કેટલા જડે? તમારી નિર્ભિકતા અને છતાંય વિવેક ચૂક્યા વિના કહી શકવાની સજ્જતા અને સમર્થતાની થોડીક બધે નોંધ લેવાય એવી અપેક્ષા મારા જેવાને હોય જ. છતાં નોંધ ન લેવાય એને હું ઓછી મહત્ત્વની ન જ ગણું. નોંધ ન લેવાયાની નોંધનું મહત્ત્વ પણ ઓછું નથી જ. ‘એક’ એટલે અનેક અને ‘અનન્ય’ એટલે અનન્ય જ એવો અર્થ મને જણાયો છે. છતાં ક્યાંક ક્યાંક આજે ભલે થોડાક પણ નિષ્ઠાવાન અધ્યાપકો છે. અપેક્ષાઓમાં કાળપ્રવાહની પણ ગણતરી રાખવી પડે. વળી એવા વિદ્યાર્થીઓ પણ ક્યાં છે? વળી છેલ્લાં ૧૦-૨૦ વર્ષોમાં પણ ગળાકાપ સ્પર્ધા અને એકમાર્ગી આંધળી દોટ પણ Juxtapose કરવી પડે. અહીં મારા મિત્રો વચ્ચે ૮-૧૦ વર્ષથી હું કહેતો હતો કે ‘આર્થિક અરાજકતા આવી રહી છે. જે બધાં કારણોને ભેગાં રાખીને અમેરિકા દેવાળિયું થવામાં છે એ કારણો-પરિબળોને હજી પણ જુસ્સાભેર અનુસરાય છે છતાં મને કશું જ આશ્ચર્ય નથી થતું Ph.D.નું એક એવું થીસિસ (ટાઇપ કરેલ unpublished) વાંચ્યું કે વાંચીને માત્ર Ph.D.ની નહીં પણ એવા થીસિસ લખનારની BA-MA ડિગ્રી પણ રદ કરવા લાયક ઠરે. વળી હવે થીસિસના ગાઇડ તો ઉચ્ચ હોદ્દાઓ ઉપર, અને સાહિત્યક્ષેત્રે પણ ગાજતું નામ! આપણે જાડી ચામડીના થયા વગર છુટકારો? કિશોર વ્યાસનો લેખ પણ ખૂબ ગમ્યો. પ્રત્યક્ષે મારું અનેક રીતે આંતરબાહ્ય ઘડતર કર્યું છે.

ગાંધીધામ, ૧૮-૧૦-૨૦૦૮

– માવજી સાવલા

[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૮, પૃ. ૫૦–૫૧]