‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/દાખલા પણ નબળા અને દલીલો પણ નબળી : બાબુ સુથાર
બાબુ સુથાર
[સંદર્ભ : ઑક્ટો.-ડિસે. ૨૦૦૧, ‘સાહિત્યિક અર્થનો કોયડો’ની સમીક્ષા, હેમન્ત દવે]
દાખલા પણ નબળા અને દલીલો પણ નબળી.
વિવેચનના કોઈ પણ પુસ્તકની સમીક્ષા વાંચીએ ત્યારે વાચક તરીકે આપણે સમીક્ષક પાસે આટલા પ્રશ્નોના જવાબની અપેક્ષા રાખીએ : (૧) લેખકે જે ઉદ્દેશથી એ પુસ્તક લખ્યું હોય એ ઉદ્દેશ અને એ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે લેખકે જે ફ્રેમવર્ક વાપર્યું હોય એ ફ્રેમવર્ક સમીક્ષક સ્પષ્ટ કરે છે ખરો? (૨) સમીક્ષકના મતે લેખક પોતાનો ઉદ્દેશ પાર પાડી શક્યા છે કે નહીં? સમીક્ષક એ વિશે શું કહે છે? (૩) જો લેખક પોતાનો ઉદ્દેશ પાર પાડી શક્યા હોય તો કઈ રીતે, અને (૪) જો લેખક પોતાનો ઉદ્દેશ પાર પાડી ન શક્યા હોય તો કેમ? આ ઉપરાંત, આપણે એવી અપેક્ષા પણ રાખીએ કે સમીક્ષક પોતાની વાત શાસ્ત્રીય ઢબે કરે. જે વિધાનો કરે તે સ્પષ્ટ કરે અને એમને પૂરતો આધાર આપે જેથી વાચકને એ જે કહે તે સ્વીકારવામાં કોઈ મુશ્કેલી ન પડે. સુમન શાહના પુસ્તક ‘સાહિત્યિક અર્થનો કોયડો’ના સમીક્ષક હેમન્ત દવે (વણઉકેલાયેલો કોયડો : પ્રત્યક્ષ વર્ષ ૧૦, અંક ૪ પૃ. ૨૫-૩૪) આ ચારેય પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપતા નથી. એટલું જ નહીં, તેઓ એમની વાત શાસ્ત્રીય ઢબે પણ મૂકતા નથી. એને કારણે એમનાં મોટા ભાગનાં વિધાનો આપણા માટે અશ્રદ્ધેય બની જાય છે.
૦
સમીક્ષકે ઠેર ઠેર સુમન શાહ સામે પૂર્વગ્રહયુક્ત વિધાનો કર્યાં છે. એને કારણે એ વિધાનો પર સરળતાથી વિશ્વાસ બેસતો નથી. ઉદાહરણો : (૧) ૦.૦ માં સમીક્ષકે સુમન શાહને ‘પશ્ચિમી વિચારધારા પ્રમાણે થતા વિવેચનના અભ્યાસી’ અને એમના અનુગામીઓને ‘ધુરંધર’ તરીકે ઓળખાવી, બન્નેને પરસ્પર વિરોધાવી, એક માટે ચડિયાતો ભાવ જ્યારે બીજા માટે ઊતરતો ભાવ વ્યક્ત કરી સુમન શાહ આ શ્રેણીના ઉપક્રમે વ્યાખ્યાનો આપવા લાયક નથી એવું આડકતરું સૂચન કર્યું છે. (૨) ૧.૦માં સમીક્ષક સુમન શાહને પશ્ચિમના કાવ્યશાસ્ત્રના અભ્યાસી તરીકે ઓળખાવે છે. તેઓ કહે છે : વ્યાખ્યાતાનો સંસ્કૃત અલંકારશાસ્ત્ર સાથે ખાસ પરિચય ન હોવાથી રાતા સમુદ્રની પેલે પારનાં નામો જ વધુ જોવા મળે એ સ્વાભાવિક છે. અહીં, સમીક્ષક આડકતરી એમ કહેવા માગે છે કે સુમન શાહને રાતા સમુદ્રની આ પાર થયેલી અર્થચર્ચાની અર્થાત ભારતીય દર્શનશાસ્ત્રમાં થયેલી અર્થચર્ચાની ગતાગમ નથી. (૩) સમીક્ષકે સુમન શાહના અંગ્રેજી ભાષા પરત્વેના પ્રેમની પણ યથાશક્તિ ઠેકડી ઉડાડી છે. દા.ત. (અ) ઘણે સ્થાને બિનજરૂરી રીતે મુકાયેલા અંગ્રેજી શબ્દો તથા સંસ્કૃત કે ગુજરાતી શબ્દોને સમજાવવા(?) એમની પડખે મુકાયેલા અંગ્રેજી શબ્દો વ્યાખ્યાતાનો અંગ્રજી (શબ્દો) પરત્વેનો મોહ દર્શાવે છે કે (પૃ. ૩૧); (આ) વ્યાખ્યાતાને અંગ્રેજીનો મોહ હોવા છતાં અંગ્રેજી શબ્દોનાં ગુજરાતી લિપ્યંતરો... (૧૩)
૦
સમીક્ષકે પાદટીપો આપી છે. પણ યોગ્યતા-અયોગ્યતાનો વિચાર કર્યા વગર. આપણે બે કારણોસર પાદટીપ આપતા હોઈએ છીએ. એક તો પાઠમાંના આપણા વિધાનનું મૂળ બતાવવા અને બીજું, મૂળ પાઠ માટે બહુ મહત્ત્વનો ન હોય એવો વિચાર કે એવી માહિતી આપવા અહીં સમીક્ષકે પાદટીપ ૧ અને ૨ સુમન શાહનાં વિધાન માટે આપી છે. આ પાદટીપો સુમન શાહના એ વિધાનનું નથી તો મૂળ કહેતી કે નથી તો એ પાઠને માટે ઝાઝો મહત્ત્વનો હોય એવો વિચાર પ્રગટ કરતી. આપણે આપણા લખાણમાં દેરિદાનું વિધાન મૂકીએ અને પછી દેરિદાના વિધાન માટે સંદર્ભગ્રંથ આપીએ તો કેવું લાગે? એ કામ તો દેરિદાએ કરવાનું હોય. અને માનો કે દેરિદા એમ કરવાનું ચૂકી ગયા હોય તો આપણે મૂળ પાઠમાં એમ લખીએ કે દેરિદાએ જરૂરી સંદર્ભગ્રંથો આપ્યા નથી અને પછી આપણે સંદર્ભગ્રંથોની માહિતી આપીએ. પાદટીપ ૪ કળાઓ વચ્ચેના ઉચ્ચાવચ ક્રમની વાત કરે છે. પણ એ કઈ રીતે મૂળ પાઠના વિધાનને મદદરૂપ બને છે એ સમજાતું નથી. મૂળ પાઠમાં વિધાન ભાષા વિશેનું છે. જ્યારે પાદટીપમાંનું વિધાન માધ્યમો વિશેનું છે. પાદટીપ ૫-માં સમીક્ષક વડોદરાના રાઠવાઓના બાબો પીઠોરોનો ઉલ્લેખ કરે છે. ગુજરાતીમાં ‘વડોદરાના રાઠવા’ને બદલે સમીક્ષકે ‘છોટાઉદેપુરના રાઠવા’ કે ‘વડોદરા જિલ્લાના રાઠવા’ જેવા શબ્દપ્રયોગો પ્રયોજવા જોઈતા હતા. પાદટીપ ૬માં માણસો રોજબરોજની ભાષાનો આડેધડ ઉપયોગ કરતા નથી એ વિધાનની વધુ સ્પષ્ટતા કરવાને બદલે સમીક્ષક મૂળ વિધાનને ઉપકારક ન હોય એવી વાત કરે છે. પાદટીપ ૭માં સમીક્ષક સુમન શાહથી કઈ રીતે અલગ પડે છે એની વાત કરે છે. એ મુદ્દો મૂળ પાઠમાં વધારે શોભત.
૦
સમીક્ષકનું લખાણ એકેડેમિક લખાણના ઢગલાબંધ સિદ્ધાંતોને નેવે મૂકે છે. સહન ન કરી શકાય એટલાં કર્મણિ વાક્યો, વાચકે ક્યારેક પેન્સિલ અને કાગળ લઈને બેસવું પડે એટલી હદનાં લાંબાં સંકુલ વાક્યો, લેખકની ઠેકડી ઉડાડતા અને પોતાની વિદ્વત્તાને આગળ ધર્યા કરતા પાર વિનાના ઉપપાઠો વગેરે એમની સમીક્ષાને નબળી અને અશ્રદ્ધેય બનાવી દે છે. એમણે ઘણા પરિચ્છેદોનું ઓર્ગેનાઈઝેશન પણ બરાબર નથી કર્યું. દા.ત. ૦.૦માં ફોકસ શાના પર છે? પુસ્તક પર? કે ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળાના ટૂંકા ઇતિહાસ પર? એ જ રીતે, ૧.૦માં ફોકસ શાના પર છે? ટૂંકમાં, સુમન શાહનું પુસ્તક કચરા પેટીમાં ફેંકી દેવા જેવું હશે (કદાચ ન પણ હોય) પણ સમીક્ષક એ વાત આપણા ગળે ઉતારવા જે દાખલા-દલીલો કરે છે તે નબળાં છે. તેઓ નથી તો પુસ્તકને ન્યાય કરતા કે નથી તો વાચકોને.
ફિલાડેલ્ફીઆ, ૮ માર્ચ, ૨૦૦૨
- શ્રી સુમન શાહ તથા શ્રી બાબુ સુથારના લાંબા પત્રોમાંથી, એમની સંમતિથી, મુખ્ય અંશો પ્રગટ કર્યા છે – સંપા.
[જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૨, પૃ. ૪૧-૪૨]