‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/પ્રત્યક્ષની સામયિકલેખસૂચિ વિશે : ૧.જયંત ગાડીત, ૨. મોહમ્મદ ઈસ્હાક શેખ
[સામયિક-લેખ-સૂચિ વિશે]
૮.૧ : જયંત ગાડીત
પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ના જાન્યુ-માર્ચ, ૨૦૦૦ના અંકમા સોનલ મણિયારે તૈયાર કરેલી આ સામયિક-લેખ-સૂચિ જોઈ ખૂબ જ આનંદ થયો. ઓછામાં ઓછાં દસ વર્ષ આ પ્રવૃત્તિ ‘પ્રત્યક્ષ’ને હાથે થાય તો કેવું સારું! સર્જાતા સાહિત્ય સાથેનો મુકાબલો આપણા વિવેચનનો કેવો અને કેટલો એનું સરસ ચિત્ર અહીં મળી રહે છે. કેટલું બધું વાંચી શકાય આ સૂચિમાંથી! અભ્યાસની દિશામાં આપણું વિવેચન ક્યાં કેવું અને કેટલું પ્રવૃત્ત છે. કયાં સામયિકો એને માટે કેટલાં પૃષ્ઠ ફાળવે છે, કયા પ્રકારની કૃતિઓની સમીક્ષા વિશેષ થાય છે, કઈ કૃતિઓને નેપથ્યમાં હડસેલી દેવાય છે, કઈ કૃતિઓની એકાધિક સમીક્ષાઓ થાય છે. એ કોણ કરે છે, કયાં સામયિકોમાં થાય છે. – આવુંઆવું ઘણું આ સૂચિ વાંચવા પ્રેરે છે. એ લાંબા પટ પર વિસ્તરે તો ગુજરાતી વિવેચનની દિશા અને દશા વિશે આડેધડ વાતો કરવાને બદલે નક્કર ભૂમિકા પર વાત થઈ શકે એવી કિંમતી સામગ્રી એમાંથી મળી શકે. આ પ્રવૃત્તિ માટે અભિનંદન અને એ સતત ચાલે એવી શુભેચ્છાઓ.
વડોદરા ૨૦ મે, ૨૦૦૦
– જયંત ગાડીત
(લેખકનો આ પત્ર એક ઈ-ઉ વાળી જોડણીમાં હતો. ‘પ્રત્યક્ષ’માં એને અત્યારે માન્ય જોડણીમાં ફેરવીને છાપ્યો છે. એમાં લેખકની સંમતિ છે. -સં.)
[એપ્રિલ-જૂન, ૨૦૦૦, પૃ. ૩૪]
૮.૨ : મોહંમદ ઈસ્હાક શેખ
પ્રિય રમણભાઈ, તમારી ઝિંદાદિલીને અભિનંદુ છું. મારી યાદ મુજબ વાર્ષિક સામયિક-લેખ-સૂચિ તૈયાર કરનાર ‘પ્રત્યક્ષ’ ગુજરાતી સાહિત્યજગતમાં પહેલું સામયિક છે. આવા લોઢાના ચણા ચાવવાનું ‘પ્રત્યક્ષ’નું કાર્ય, બલકે સેવાયજ્ઞ પ્રશંસનીય છે. આ બાબત રમણભાઈ, તમને અને ‘સૂચિ’ તૈયાર કરનાર બહેનને લાખો લાખ સલામ. આ પરંપરા અભ્યાસી સંશોધક અને સાહિત્યરસિકો-ઘણાં બધાંનો શ્રમ બચાવશો. વખત જેમજેમ વહેતો જશે તેમ તેમ એનું મૂલ્ય અંકાતું જશે. ‘પ્રત્યક્ષ’ અને તમને અભિનંદન પાઠવું છું. એની સદ્ધરતા માટે પ્રાર્થુ છું.
પ્રાંતીજ ૨૭-૫-૨૦૦૦
– મોહંમદ ઈસ્હાક શેખ
[એપ્રિલ-જૂન, ૨૦૦૦, પૃ. ૩૪]