‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/મુદ્રણના આગ્રહો અને સ્વામી આનંદ : કાંતિ શાહ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯ ચ
કાન્તિ શાહ

મુદ્રણના આગ્રહો અને સ્વામી આનંદ

પ્રિય રમણભાઈ, ખરે જ, મુદ્રણ પણ એક કળા છે. રોહિત કોઠારીના પત્ર નિમિત્તે હેમન્ત દવેએ ઉપાડેલી આ ચર્ચાથી બહુ ખુશી થઈ. હું પણ તેમાં થોડું ઉમેરણ કરું. મુંબઈ છોડી ૧૯૬૦માં વડોદરા આવ્યો, ત્યારે ‘ભૂમિપુત્ર’ની સાથોસાથ ‘યજ્ઞ મુદ્રિકા’ની જવાબદારી પણ મારે નિભાવવાની આવી. અમારું પોતાનું પ્રેસ હતું. અગાઉ ક્યારેય મેં પ્રેસનું મોઢું જોયેલું નહીં. એકદમ પાણીમાં ધકેલાયો. નિરૂપાયે હાથપગ હલાવતાં હલાવતાં તરતાં શીખ્યો. તેમ કરતાં મુદ્રણકળા બાબત જે થોડુંઘણું ગાંઠે બંધાયું, તે સર્વજનહિતાય અહીં રજૂ કરું છું. મારે કહેવું જોઈએ કે આમાંનું મોટા ભાગનું હું સ્વામી આનંદ પાસેથી શીખ્યો. મુદ્રણકળાની ઝીણી ઝીણી સૂઝ-સમજ તો સ્વામીદાદા પાસેથી જ મળી. સ્વામીદાદા નવજીવન મુદ્રણાલયના આદ્ય સંચાલક હતા, એ તો સુવિદિત છે. સમગ્ર છાપકામને એમણે એક કળા રૂપે જોયું-વિચાર્યું ને ઉપાસ્યું હતું. સ્વામીદાદા સાથેનો મારો નાતો કાંઈક અવનવી રીતે બંધાયો. પ્રેસમાં હજી હું નવોસવો. સ્વામીદાદાને અગાઉ કદી મળેલો નહીં. ૧૯૬૨માં અમે યજ્ઞપ્રકાશન દ્વારા બર્ટ્રાન્ડ રસેલના પુસ્તક ‘Has Man a Future?’નો ગુજરાતી અનુવાદ – ‘માનવ તારું ભાવિ?’ પ્રકાશિત કર્યો. સુભદ્રાબહેન ગાંધીએ અનુવાદ કરેલો અને સ્વામી આનંદે પ્રેમથી પ્રસ્તાવના લખી આપેલી. ૧૦ પાનની એમની આ પ્રસ્તાવનાનાં પ્રૂફ સ્વામીદાદાને એક વાર મોકલ્યાં, બીજી વાર મોકલ્યાં, ત્રીજી વાર મોકલ્યાં, ચોથી વાર મોકલ્યાં. હજી ફરી મંગાવેલાં. અગાઉનાં કરેક્શન કરવામાં તો કશી કચાશ નહીં, પણ દરેક વખતે એમને નવું નવું સૂઝ્યું હોય અને નવા સુધારા-વધારા કર્યા હોય. અમને તેનો તો કોઈ વાંધો નહોતો, પણ વેડછીમાં અ. ભા. સર્વોદય સંમેલન ભરાવાનું હતું અને તેમાં અમારા સ્ટોલ પર આ પુસ્તક વેચાણમાં મુકાય, એવી ઇચ્છા સ્વામીદાદા ત્યારે હિમાલયમાં કૌસાનીમાં રહે. ટપાલમાં ખાસ્સો સમય નીકળી જાય. સંમેલનને હવે માત્ર ૮-૧૦ દિવસ બાકી. એટલે ચોથા પ્રૂફનું બરાબર કરેક્શન કરાવીને મેં પ્રસ્તાવના છાપી નાખી. સ્વામીદાદાને લખ્યું કે આવા અનિવાર્ય સંજોગોમાં આમ કરવું પડ્યું છે, તો દરગુજર કરશો. ત્યાં વળતી ટપાલમાં સ્વામીદાદાનો પત્ર આવ્યો. ખાસ્સા નારાજ. પહેલું જ વાક્ય હતું : ‘આ જાતવાન ઘોડો છે. પલાણવા જશો તો ખોઈ બેસશો.’ હું હબક ખાઈ ગયો. સંમેલનમાં સ્વામીદાદાયે આવેલા. હું આઘોપાછો થાઉં. ત્યાં કોઈ કહે, ‘સ્વામી આનંદ તમને યાદ કરતા હતા.’ હવે છૂટકો નહોતો. મુજરિમ હાજિર! પરંતુ દાદા તો ઝટ ખીજે તેમ પાછા ઝટ રીઝેય ખરા! એમણે અમારા સ્ટોલ પર જઈને ચોપડી મેળવી લીધી હતી. તેનું છાપકામ, ગેટ-અપ અને કશી કચાશ વિના છપાયેલી પોતાની પ્રસ્તાવના જોઈને રાજી રાજી થઈ ગયેલા. એટલે ધોલને બદલે હરખનો ધબ્બો મળ્યો. બસ, ત્યારથી હું દાદાના ખોળામાં રમતો થઈ ગયો. સ્વામી આનંદે ઘણું લખેલું, પણ તેને કદી ગ્રંથસ્થ નહોતું કર્યું, નહોતું થવા દીધું. એમની એવી દૃઢ માન્યતા કે મને પૂર્ણ સંતોષ-સમાધાન થાય એ રીતે મારું લખાણ કોઈ મુદ્રક મારી બધી ચીકણાશ સાથે છાપી ન આપે. એટલે સામયિકો વગેરેમાં ભલે છપાય, મારે રેઢિયાળ ને નઘરોળ સ્વરૂપમાં પુસ્તક નથી છાપવું. મારા મરી ગયા પછી તમને ઠીક પડે તેમ કરજો. ઘણા મિત્રોએ ઘણી વાર એમને ઘણી બધી રીતે સમજાવેલા, પણ એમણે કોઠું નહોતું આપ્યું. છેવટે – પ્રકાશક તરીકે બાલગોવિંદ કુબેરદાસની કંપનીવાળા ભાઈદાસભાઈ તથા મુદ્રક તરીકે સુરુચિ છાપશાળાવાળા મોહન પરીખ અને યજ્ઞ મુદ્રિકાવાળો હું – અમે એમના પર પ્રેમાક્રમણ જ કર્યું. અમે તો તમારા ગ્રંથો છાપવાના, છાપવાના ને છાપવાના જ. તમારા જેટલા આગ્રહો હોય, તમારી જેવી ને જેટલી ચીકાશ હોય, મુદ્રણકળા વિશે તમે જે કાંઈ આદર્શો સેવ્યા હોય, તે બધા જ રજેરજ માથે ચઢાવીને તમને પૂરેપૂરું સમાધાન થાય એ રીતે તમારા ગ્રંથો છાપીને પ્રકાશિત કરવાના. કયા દાદા આવા પ્રેમ આગળ ન પીગળે? દાદા પીગળી ગયા. એમણે લીલી ઝંડી આપી દીધી. અમે અમારો બોલ પાળવામાં પ્રાણ પરોવીને લાગી ગયા. અને સ્વામી આનંદનું અણમોલ સાહિત્ય સુચારુ સ્વરૂપમાં સમાજને મળ્યું. સ્વામીદાદાના સંપૂર્ણ સંતોષ-સમાધાન સાથે તે છપાયું હતું. સ્વામીદાદાને સંતોષ-સમાધાન થાય એવું કરવામાં અમે કોઈ કસર રહેવા દીધી નહોતી. ચાર-ચાર, પાંચ-પાંચ વાર પ્રૂફ મોકલતાં અમે થાક્યા નહીં. છાપકામ પણ અવ્વલ દરજ્જાનું કરવાની પૂરી કાળજી રાખી. સુરુચિ છાપશાળામાં તો અદ્યતન ઑટોમૅટિક હાઈડલબર્ગ મશિન. તેની સરખામણીમાં યજ્ઞ મુદ્રિકામાં તો સાવ પ્રાથમિક કહેવાય એવું ચારેક હજારમાં ખરીદેલું હાથે કાગળ teed કરવા પડે એવું જાપાનીઝ મશિન. એટલે છપાઈની દૃષ્ટિએ અમે ૧૦-૧૫ ટકા મોળા પડીએ. પરંતુ બીજી બધી દૃષ્ટિએ અમે ૧૦-૧૫ ટકા વધુ માર્ક્સ જ લઈ આવીએ. સ્વામીદાદા ભારે ખુશ. ‘ધરતીનું લૂણ’ની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે ખરું કે, ‘વડોદરાની યજ્ઞ પ્રકાશન સંસ્થાના મુદ્રકો તથા સ્ટાફે મારી તમામ ચીકણાશો સામે થાકવાની ના પાડીને મને કરજદાર કર્યો છે.’ સ્વામીદાદાના એક પુસ્તકનું નામ છે, ‘મોતને હંફાવનારા.’ તે પરથી હું એમને કહેતો – તમે પ્રેસને હંફાવનારા’! આનું વટક ત્યારે જ વળી શકે જ્યારે આવતા જનમમાં તમે પ્રેસના સંચાલક બનો અને હું તમારા કરતાં સવાઈ ચીકણાશ રાખનારો લેખક. આવો પ્રેમભર્યો નાતો બંધાયો હતો. આ કોઈ ધંધાદારી સંબંધ નહોતો. સ્વામીદાદાની ચીકણાશને અમે કદી ચીકણાશ માની જ નહોતી. એમની એકેએક વાતને અમે મુદ્રણકળાનો એક એક મોંઘેરો પાઠ જ ગણી હતી. પાઠશાળા રૂપ બની ગયું હતું. આ માટે અમે એમના પ્રત્યે ઓશિંગણ ભાવ જ અનુભવ્યો છે. અમે તેમાંથી કેટકેટલું શીખ્યા છીએ! હેમંતભાઈએ કહ્યું છે તેમ ક્યાંક શબ્દો સંકોચીને અને ક્યાંક શબ્દો ફેલાવીને સાવ વરવું લાગે તેવું છપાય જ નહીં. પહેલેથી છેલ્લે સુધી શબ્દો વચ્ચેની જગ્યા સરખી રહે. તે વખતે તો બીબાં હાથે ગોઠવવાનાં. સ્વામીએ આગ્રહપૂર્વક ત્રણ જાતની સ્પેસ – હેયર સ્પેસ, ફર્સ્ટ સ્પેસ, સેકન્ડ સ્પેસ-નો વિવેકપૂર્વકનો ઉપયોગ કરતાં શીખવ્યું. એકદમ નાની સ્પેશને ‘હેયર સ્પેસ’ - વાળ જેવી સ્પેસ કહેતા. ક્યાંય પણ હાઈફન હોય, ત્યાં તેની બંને બાજુ આવી હેયરસ્પેશ વપરાય. અવતરણ ચિહ્ન પછી અને પહેલાં હેયર સ્પેસ વપરાય. આનાથી અક્ષર હાઈફનને કે અવતરણ ચિહ્નને ચોંટી ન જાય, તેમ છતાં એટલો દૂર પણ ન ચાલ્યો જાય કે તેનો સંબંધ-વિચ્છેદ થાય. હાઈફન, નાનો ડેશ અને મોટો ડેશ વાપરવામાંયે જરીકે અરાજકતા ન ચલાવી લેવાય. જ્યાં જેનો ઉચિત ઉપયોગ હોય ત્યાં જ તે કરાય. વિરામચિહ્નો પણ પૂરા થતા આગળના વાક્યના છેલ્લા શબ્દ સાથે નાતો દર્શાવતાં હોય અને પાછળ શરૂ થતા બીજા વાક્યના પહેલા શબ્દથી જરીક અળગાં હોય. ખાસ કરીને આશ્ચર્યચિહ્ન આવતું હોય તો મોટે ભાગે તેની બંને તરફ સરખી સ્પેસ રાખવાની ભૂલ થાય છે. પરંતુ સ્વામી તુરત કાન પકડે – ‘આ વાણિયાના ત્રાજવાની દાંડી થોડી છે તે બે પલ્લાંની વચ્ચોવચ્ચ ઊભી કરી દીધી છે?! આશ્ચર્યચિહ્ન પૂરા થતા વાક્યની સાથે જવું જોઈએ, એ તેનું જ એક અંગ છે.’ શબ્દ તૂટીને બે લાઈનોમાં વહેંચાઈ જાય તે એમને ન રુચે. તેથી એવો છેલ્લો શબ્દ નીચે ઉતારવાનો જ. અને તેમ કરતાં ઉપરની લાઈનમાં સ્પેસ વધી પડે તો એકાદ બીજો શબ્દ ઉમેરી પણ આપે. ગોળ ને ચોરસ કૌંસ પણ મન ફાવે ત્યાં ન વપરાય. જ્યાં જે ઉચિત હોય, ત્યાં જ તે વપરાય. ‘ઇ’ અને ‘ઈ’ પણ જરૂરી જોડણી મુજબ જ વાપરવાનાં, સંક્ષેપાક્ષર સૂચવવા પોલું મીંડું ‘’ અવશ્ય જોઈએ. જોડણી બાબત એમની બે વાત મગજમાં બરાબર બેસી ગઈ છે. ‘તેમજ’ નહીં, ‘તેમ જ’ હોય. ‘જ’ જુદો છપાય. ‘સુધ્ધાં’ની જોડણી મોટેભાગે ખોટી છપાય છે. તેમાં દ્‌ + ધ્‌ નથી, અડધો ધ અને આખો ધ છે. (ધ્‌ + ધ) કંપોઝ બાબતમાં જેવી ચીવટ, તેવી જ પેજીંગ બાબતમાં પણ. પેરા પૂરો થતાં છેલ્લી લાઈનમાં જો એક કે બે શબ્દ જ આવતા હોય, તો સ્વામી તુરત કહે, ‘આવી ‘વીડો’ લાઈન હરગિજ ન ખપે.’ વિધવા જેવી એકલી અટૂલી એકાદ શબ્દની લાઈન ન જ હોય. એ કેવી બોખી લાગે છે! લાઈનમાં ચાર પાંચ શબ્દ તો હોવા જ જોઈએ. એવી જ રીતે પાનને છેડે આગળની એક લીટી લઈને પેરા ન શરૂ કરાય. છેડે, પેરાની ઓછામાં ઓછી બે લાઈન હોય જ. એવી જ રીતે પાનના આરંભમાં પણ આગલા પાનના પેરાની છેલ્લી લીટી – એક જ લીટી ન લેવાય, ઓછામાં ઓછી બે લીટી જોઈએ જ. દરેક પ્રકરણ જમણે પાને શરૂ થાય, એવી કોશિશ તે હમેશાં કરતા. તે માટે જરૂરી ઉમેરણ કે કાપકૂપ કરી આપતા. બધી લાઈનો વચ્ચેની જગ્યા એકસરખી જ હોય. પેરાની શરૂઆતમાં પણ વધારાની જગ્યા નહીં. પેરા ઇન્ડેન્ટને કારણે છૂટો પડે જ છે. આમ, દરેક પાને લાઈનોની સંખ્યા એકસરખી જળવાય તથા છાપતી વખતે પાનના આગળ-પાછળની લાઈનો બરાબર એકબીજી લાઈનની ઉપર જ છપાય. આ આગ્રહ ખાસ તો એટલા વાસ્તે કે તે જમાનામાં બીબાંને કારણે છાપતી વખતે કાગળ ઉપર આછેરો દાબ આવે અને પાછળની બાજુ સહેજ ઊપસે. આવો દાબ એકબીજા ઉપર થઈને સરખો થઈ રહે, એ નેમ. પાનમાં ક્યાંય દાબ દેખાય નહીં. પાનામાં ચારે બાજુ જે વ્હાઈટ સ્પેસ રહે તેનુંયે એક ધોરણ. વચ્ચે બાઈન્ડીંગ આગળ જે સ્પેસ હોય તેનાથી થોડી વધારે ઉપર, તેનાથી વધારે બાજુ ઉપર અને સૌથી વધારે નીચે. વાચક ચોપડી હાથમાં પકડીને વાંચવાનો. તેથી પકડવાની જગ્યાએ નીચે સૌથી વધુ સ્પેસ. બાઈન્ડીંગ વિશે પણ એટલી જ ચીવટ. ત્યારે તો હાથે સિલાઈ થતી તો તે સિલાઈ એકસરખી થાય ફર્માની બરાબર મધ્યમાં થાય તેનું ધ્યાન રાખવાનું અને પુસ્તકના કટિંગ વખતે પણ ત્રાંસું ન થાય અને વ્હાઈટ માર્જિન જરીક પણ વધારે કપાઈ ન જાય, તે જોવાનું. આ બાબત સ્વામી જરા વધારે આખા. કહેતા કે મારા વાલા બાઈન્ડરો! કતરણ વધારે મેળવવા કટિંગ આડેધડ વધારે કરી નાખે છે. માટે મારે તો કટિંગ એમને કરવા જ નથી દેવું. એટલે તમે માનશો? પહેલું પુસ્તક ‘ગાંધીજીનાં સંસ્મરણો’ છપાયું ત્યારે તેને કટિંગ કરવા જ ન દીધું! ફોલ્ડિંગ કરેલા ફર્મા જેમના તેમ સિલાઈ થઈને કપાયા વિના જ પુસ્તક પ્રકાશિત થયું. દરેક નકલ સાથે એક પ્લાસ્ટિકનું ચપ્પુ અને અંદર વાચકને ઉદ્દેશીને નોંધ : ‘આટલી વિનંતી. આ ચપ્પુથી પહેલાં ફર્માની ઉપરની ને બાજુની ધારો કાપી લેશો અને પછી પુસ્તક વાંચવા લેશો.’ આજે પણ આ પુસ્તકની પહેલી આવૃત્તિમાં આ અજબગજબની નોંધ તમે વાંચી શકશો. સ્વામી એટલે સ્વામી, ધારેલું કરે જ કરે! એ તો પછી અમે એમને બહુ સમજાવ્યા. આડેધડ કટિંગ નહીં જ કરાય એની બાંહેધરી આપી. ભાઈદાસભાઈએ હાથ જોડીને કહ્યું કે દાદા, મારે પુસ્તક માત્ર છાપવાનું જ નથી, વેચવાનું પણ છે. ત્યારે છેવટે માન્યા અને પોતાનો આ આગ્રહ છોડ્યો. આવો અતિરેક પણ ક્યારેક થઈ જાય. પરંતુ સરવાળે તો એમની મુદ્રણ અંગેની ઝીણવટભરી આગવી દૃષ્ટિ આગળ આપણું માથું નમે જ. ઉમાશંકરે એમના માટે કહ્યું છે : ‘એક એક શબ્દ માટે જીવ કાઢી નાખનાર.’ ‘મોનજી રૂદર’ જેવા લેખો માટે એમને સુરતી છાંટવાળો ‘સ’ સૂચવવા અલગ અક્ષર જોઈતો હતો. સ-શ-ષ એવા ચલણી અક્ષરો ન ચાલે. તો મુંબઈની ગુજરાતી ટાઈપ ફાઉન્ડ્રીવાળા ગોપાળભાઈની પાછળ પડીને ‘સ’ અને ‘શ’ના સમન્વયવાળો નવો અક્ષર ખાસ બનાવીને વાપર્યો. સ્વામીદાદાની આ ચીવટ અને નવું પ્રદાન કરી જવાની ધગશ અમને નાગરી અભિયાન વખતે બહુ કામ આવ્યાં. વિનોબાજીએ ‘સબ કી એક લિપિ’ રૂપે નાગરી અપનાવવાનું અભિયાન ઉપાડ્યું. તે મુજબ ૧૯૭૧થી ચાર-પાંચ વરસ એકધારું આખેઆખું અને ત્યારબાદ ઘણાં વરસ અડધું-અડધું કે થોડાંક પાન ‘ભૂમિપુત્ર’ નાગરીમાં છપાતું રહ્યું, આમાં અમે પસંદ કરેલા નાગરી ટાઈપે અમારી અડધી બાજી જીતી આપી સામાન્ય રીતે શિરોરેખા સાથે નાગરીમાં છપાયેલું પાનું શ્યામ લાગે છે. ગુજરાતી ટાઈપથી ટેવાયેલી આંખને જરીક ખૂંચે છે. અમે બહુ જ જહેમત ઉઠાવી અમે પસંદ કરેલ ટાઈપ હિંદી-મરાઠી જગતમાં પણ અત્યાર સુધી કંકોત્રી, પત્રિકા વગેરે નાનાં નાનાં કામ માટે જ વપરાતો. સામયિક કે પુસ્તકમાં એનું ચલણ નહોતું. એ રીતે એ ‘ભૂમિપુત્ર’માં પહેલવહેલો વપરાયો. સ્વામીદાદાએ પણ આમાં ઘણો રસ લીધેલો. ફરી ગુજરાતી ટાઈપ ફાઉન્ડ્રીવાળા ગોપાળભાઈએ આમાં બહુ મદદ કરી. અમારી સાથે પૂણે આવી ત્યાંની પ્રકાશ ટાઈપ ફાઉન્ડ્રી પાસેથી આનાં બીબાં મેળવ્યાં અને થોડાક સુધારા-વધારા સાથે અમને જોઈતા પ્રમાણમાં અમારા માટે નવેસરથી ટાઈપ પાડી આપ્યો. આ ટાઈપ ઉપર તો સ્વામીદાદા સહિત બધા જ વારી ગયા. તેમાં શિરોરેખા હતી ખરી, પણ આંખને જરીકે ખૂંચે નહીં એવી. અક્ષરના મરોડ આબાદ ગુજરાતી અક્ષરોને મળતા. સ્વામીદાદા પાસેથી પ્રેરણા પીધેલી, તેનું જ આ પરિણામ. એમને ભાવભર્યા વંદન કરીને આ પૂરું કરું છું. મુદ્રણ એ એક ધંધો-વ્યવસાય છે, એ ખરું; પરંતુ વ્યવસાયની સાથોસાથ તે જ્યારે ધર્મ પણ બની જાય, ત્યારે તેને નવું જ પરિમાણ મળે છે. મુદ્રણ એક કળા છે. મુદ્રણકળાનેય લલિતકળા જેવી માધુરી અર્પવાની છે. એ સૌંદર્યની ઉપાસના બની રહે, ત્યારે એની મજા જ ઔર છે!

પિંડવળ(તા. ધરમપુર);
૭ ડિસેમ્બર, ૨૦૧૦

– કાન્તિ શાહ

તા.ક.

હેમન્તભાઈએ પોતાના પત્રમાં ‘ભૂમિપુત્ર’નો ઉલ્લેખ કરીને તેના છાપકામ માટે અમને બિરદાવ્યા છે, એ માટે એમનો આભારી છું. પરંતુ સાથોસાથ એટલું કહી દઉં કે હમણાં હવે અમારું ધોરણ સોએ સો ટકા નથી સાચવી શકતું. તેનાં બે મુખ્ય કારણ છે. હું પિંડવળ, છાપકામ થાય વડોદરા. અને હવે અમારી પોતાની યજ્ઞ મુદ્રિકા નથી, બહાર છપાવવું પડે છે. વળી, હવે બધી જવાબદારી નવી યુવા ટીમે ઉપાડી લીધી છે, અને તે ધીરે ધીરે પળોટાઈ રહી છે. અલબત્ત, એ પણ પૂરેપૂરી સમર્પિત ને પૂરતી ચીવટવાળી છે. છાપકામનાં ઉચ્ચ ધોરણો જાળવવાની એને પણ પૂરેપૂરી ધગશ છે જ. અહીં મારા મિત્ર નવજીવન મુદ્રણાલયવાળા જિતેન્દ્ર દેસાઈને પણ યાદ કરી લઉં. એમની સાથે મુદ્રા સંબંધિત આ બધી વાતો ઘણી વાર થતી. તેઓ હંમેશાં કહેતા કે આ બધું લખી આપો. પણ લખાતું નહોતું. આજે એક નિમિત્ત મળ્યું અને લખાઈ ગયું, જેની ખુશી છે. – કા.

[જાન્યુ-માર્ચ, ૨૦૧૧, પૃ. ૪૯- પર]