‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/રૂપાંતરપ્રક્રિયાના લેખમાં કેટલીક સરતચૂક : ગુણવંત વ્યાસ

૨૦ ચ
ગુણવંત વ્યાસ

‘રૂપાંતર વિશે

પ્રિય રમણભાઈ, નમસ્તે. ‘પ્રત્યક્ષ’ એપ્રિલ-જૂન ૨૦૧૨ના અંકમાં અમૃત ગંગરના, ટૂંકીવાર્તા ‘અભુ મકરાણી’ અને ફિલ્મ ‘મિર્ચમસાલા’ની રૂપાંતરપ્રક્રિયાના લેખમાંની કેટલીક સરતચૂક પ્રતિ ધ્યાન દોરી, સાથે થોડી પૂર્તિ પણ કરવા ધારું છું. – ‘મિર્ચમસાલા’નું રિલિઝ વર્ષ ૧૯૮૫ નહીં, પણ ૧૯૮૬ છે. ફિલ્મના પ્રમાણપત્રમાં પણ તા. ૨૦-૫-૧૯૮૬ છે. – પ્રારંભે ‘ગધેડું લઈને આવી રહ્યો છે [તે] દોહો ગાતો કોઈ ભરવાડ જેવો માણસ’ ભરવાડ નથી પણ ગામના બારોટનું કિરદાર નિભાવનાર છે. એ દોહો ફિલ્મના થિમને સમજવા ટાંકવા જેવો છે : માટી માનવ મન બના ઉબકિયો કિરતાર, મીરચમસાલા ડાલ કે રંગ દિયો સંસાર, – ત્યાર બાદ તરત આવતું (તેજલ ભરથરીએ ગાયેલું) ગીત ‘દેખો સખી હરી હરી ચૂનરી લહેરાયે...’નો સંદર્ભ લેખમાં ક્યાંય નથી! (આ ગીત કારખાનામાં કામ કરતી મજૂરણ સ્ત્રીઓના પ્રથમ દૃશ્યાંકનમાં પણ પાર્શ્વભૂમાં વાગે છે; ત્યારે ‘હરી હરી’ની જગ્યાએ ‘લાલ લાલ’ શબ્દો ગવાયા છે) – ‘અભુ મકરાણી’ મડિયાની એક નબળી વાર્તા છે. સ્વયં મડિયાએ પણ એમની શ્રેષ્ઠ વાર્તાઓના સંપાદનમાં એ સમાવી નથી. – વાર્તામાં અભુનો પ્રવેશ પ્રારંભે જ છે, પણ ફિલ્મમાં તે ૪૦ મિનિટે (એટલે કે એક તૃતીયાંશ ફિલ્મ બાદ) પ્રવેશે છે. – ‘ઢોલી ઢોલ રે બજાડ મેરે ગીત કે લિયે’ ગરબાના માત્ર સૂત્રધાર જ નહીં, પણ ગીતકાર અને ગાયક પણ બાબુભાઈ રાણપુરા (બારોટ ફેઈમ) જ છે. ઢોલ વિશે અનેક ગીતો લખનાર બાબુભાઈના જ ‘ઢોલી ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે’થી પ્રભાવિત સંગીતકાર રજત ધોળકિયાએ, એ જ રાગ-તાલમાં, ધ્રુવપંક્તિ સાચવીને, તેમની જ પાસે લખાવેલું-ગવડાવેલું આ ગીત છે. – ગરબાને અંતે આવતો છંદ ડીંગળશાસ્ત્રના ચરચરી રાગમાં છે. જેના કેટલાક શબ્દો ફિલ્મના ધ્વનિને વેધકતાથી સ્પર્શે છે :

દેખો દેખો એ લોગ, બોલક હૈ ઢોલ બોલ;
ધ્રીગબાંગ ધ્રીગબાંગ સાથ ગાજે ગાજે,
ધીનતાક ધીનતાક તોલ, કહેતી હૈ ખુદ કો ખોલ;
ભીતર મેં પોલ પોલ નફ્ફટ બાજે.
ધ્રીડબાંગ ધ્રીડબાંગ તાન (૨) રોમ રોમ અત્રતત્ર બાજે ગાજે
ધીક ધીક ધીન તાકી ઢોલ, તીક તીક તીન તાકી તોલ
ધીક ધીક થૈઈ ઢોલ બીચ ત્રાંડવ નાચે (૨)

– ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં થયું છે. ગામનાં દૃશ્યો ચોટીલા પાસેના નાની મોલડી ગામનાં છે. સૂબેદારના કેમ્પનાં ભૂદૃશ્યો બામણબોરની ખુલ્લી જગ્યાનાં અને મરચાંનાં / ડેલાવાળા કારખાનાનાં દૃશ્યો ચુડા ગામનાં છે. – ચુનીલાલ મડિયાની વાર્તા પર આધારિત આ ફિલ્મની પટકથા કેતન મહેતા અને શફી હકીમે લખી છે ને નિર્દેશક કેતન મહેતા છે. સહનિર્દેશક અનિલ મહેતા, પરેશ નાયક અને આમોલ ગુપ્તે છે. – ફિલ્મમાં સૂબેદારનો ટેન્ટ ગામથી થોડો દૂર, તળાવ કાંઠે ને ગામ જતાં-આવતાં રસ્તાની નજીક છે; અર્થાત્‌ બધા અર્થમાં ‘મોકાની જગ્યાએ’ છે. બાકી, સમગ્ર લેખ ‘હટકે’ છે. અમૃત ગંગરને અભિનંદન. આભાર.

આણંદ, ૮ ઓગસ્ટ ૨૦૧૨

– ગુણવંત વ્યાસ

[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૨, પૃ. ૫૨]