‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/વિભાગ ૩ ‘પ્રત્યક્ષ’ વિશે : (કુલ ૪૬ પત્રો)

વિભાગ : ૩
‘પ્રત્યક્ષ’ વિશે –

[– વાચકો, લેખકો, વિવેચકોનો સંવાદ]

‘પ્રત્યક્ષ’ માત્ર સમીક્ષા, અવલોકન, સૂચિ; વિવિધ વિભાગોમાં સાહિત્ય-વિવેચનનાં વિવિધ રૂપો પ્રગટ કરીને બેસી રહ્યું ન હતું. એણે એક પક્ષી પ્રકાશન કરવાના બદલે વાચકો-લેખકો સાથે સતત તંતુ જોડેલો રાખેલો. એને કારણે વાચકોને ‘પ્રત્યક્ષ’ વિશે કંઈક ને કંઈક કહેવાનું થતું – એ પત્રો દ્વારા વ્યક્ત થયેલું છે. ક્યાંક પ્રત્યક્ષ પાસેની અપેક્ષાઓ, ક્યાંક એના સ્વરૂપ વિશે ટીકાઓ, ક્યાંક સંપાદકની – ને સમીક્ષકોની – ઉત્તમ બાબતો અંગે પ્રશંસા – એમ ‘પ્રત્યક્ષ વિશે’ કંઈક ને કંઈક લખાતું રહ્યું. પ્રત્યક્ષના સંપાદકે સમીક્ષાઓ પ્રગટ કરવા ઉપરાંત, પ્રત્યક્ષના પ્રગટ થયેલા અંકની કેટલાક અભ્યાસી લેખકો પાસે સમીક્ષા કરાવવાનો પ્રયોગ પણ કરેલો – એ જોકે હંમેશાં ન ચાલેલો પણ જે પ્રગટ થયું એમાં સમીક્ષાની સમીક્ષા, પ્રત્યક્ષના વલણની ટીકા તેમજ સરાહના થયાં. એ પણ પ્રતિભાવ રૂપ પત્રલેખન જ ગણાય. ‘સામયિક સંપાદક વિશેષાંક’ (૧૯૯૫) થયો ત્યારે ૨૪ વિદ્વાન લેખકોએ પત્ર-પ્રતિભાવ આપેલા એ નોંધપાત્ર બીના ગણાય.

વિજય પંડ્યાનાં સ્નેહસ્મરણ
[એપ્રિલ-જૂન, ૨૦૦૭, પૃ. ૪૨]