‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/વિવેકનું નિર્ભિક (કે નિર્ભિક વિવેકનું) સુ-દર્શન : રાધેશ્યામ શર્મા
રાધેશ્યામ શર્મા
વિવેકનું નિર્ભિક (કે નિર્ભિક વિવેકનું) સુ-દર્શન
સંપાદક સ્નેહીશ્રી, સહૃદય ધન્યવાદ... ‘પ્રત્યક્ષ’ જોતજોતામાં ત્રીજા વર્ષમાં પ્રવેશી ગયું. વાહ! મારો હર્ષ વ્યક્ત કર્યા સિવાય નથી રહી શકતો. સાથેસાથે એક જ આ સામયિક છે ગ્રંથાવલોકનનું, જેના વિશે વહેલેરા ના લખી શક્યાનો વસવસો રહે. ‘ગ્રંથ’ પણ અગાઉ એક માસિક હતું જે કેવળ ગ્રંથાવલોકનને મુખ્યત્વે વરેલું હતું. પત્રકાર યશવંત દોશીના તંત્રીપદે તે પ્રતિષ્ઠિત થયેલું પણ કવિ નિરંજન ભગતના થોડાક સમયના તંત્રીકર્મથી ઑર ઝળકેલું. આવાં વિવેચનપત્રોના લલાટે સંપાદકોનાં તિલકો બદલાતાં રહે છે, કેમ જાણે! ‘પ્રત્યક્ષ’માં પણ ઈતિહાસનું પુનરાવર્તન થતું વરતાય છે. નીતિન મહેતા, જયદેવ શુકલ જેવા કવિઓ સંપાદક લેખે સાથે હતા, હવે એક માત્ર સંપાદક છે વિવેચક ડૉ. રમણ સોની.. ‘ગ્રંથ’ બંધ પડીને જંપ્યું એવું અહીં નહીં બને ને?! – એવી પ્રશ્નફડક સાથે પત્ર પાઠવું છું... પણ ‘પ્રત્યક્ષ’ની સુઘડ સ્વરૂપસામગ્રી, પ્રકર્ષક રુચિયુક્ત લેઆઉટ, સુચિંતિત વિભાગીય સંકલન-સંપાદન અને એનાં આંતરિક વિત્તની ગુણ-સમૃદ્ધિ જોતાં આશા પડે કે ગુજરાત આવું તો સાવ નહિ થવા દે. થોડાક પુસ્તકપ્રેમી વિવેચનરસિક સન્મિત્રોએ ગાંઠનું ગોપીચંદન ઘસી ઘરની ખીચડી ખાઈને ‘પ્રત્યક્ષ’નું આ પ્રકાશન-જોખમ, પરથમ પહેલું મસ્તક મૂકી વહોર્યું એ સુવર્ણી સલામને પાત્ર છે! પણ સલામોથી જ કંઈ ખોટનો ધન્ધો, આદર્શ ઉત્તમ છતાં, ચાલતો નથી. ‘લવાજમ મોકલવા વિનંતી’, એક ‘વિશેષ યોજના’ની જાહેરાત શું સૂચવે છે? ગ્રંથાલયો, કેળવણી સંસ્થાઓ અને આર્થિક દૃષ્ટિએ સદ્ધર હોય તેવાં સર્વ કોઈએ દયાદાન ન કરતાં સન્માનપૂર્વક પ્રદાન કરવું જોઈએ. લેખકો, વિવેચકો, પ્રાધ્યાપકો, આચાર્યો તેમજ પ્રકાશનપેઢીઓએ આમાં સાત્ત્વિક રસ-રુચિ હોય તો બતાવવી ઘટે. અગાઉ પુસ્તકોનાં અવલોકનો છપાતાં પણ ‘પ્રત્યક્ષ’માં પ્રગટતી ગ્રન્થ સમીક્ષાઓ, પ્રકાશનની નિર્ભિક પરીક્ષાપર્યંત વિલસી છે. લેખક કે પ્રકાશક ગમે તેટલા પ્રતિષ્ઠિત કે પ્રખ્યાત હોય એની સ્પૃહા કે શેહશરમમાં પડ્યા સિવાય મહદ્અંશે વસ્તુલક્ષી ધોરણ જળવાયું છે. લોકપ્રિય થવા માટે નીચું નિશાન તકાયું નથી, જે કરવું ઘણું સહેલું હતું. ‘પ્રત્યક્ષ’ના અવલોકનકારોએ એના સંપાદક જેટલી જ બૌદ્ધિક પ્રામાણિકતા નિખાલસ મતદર્શનમાં પ્રગટ થવા દીધી છે. જૂજ દાખલા એવા પણ હશે જ્યાં અવલોકનકર્તાની દૃષ્ટિનો દોષ, રાગ કે દ્વેષરૂપે, છતો થઈ ગયો હોય. (જે તે ગ્રંથના લેખકો સ્વયં પણ ‘ચર્ચા’ આપી શકે) પણ કુલ અનુભવ સાહિત્યિક, પ્રાધ્યાપકીય, પ્રાદેશિક, વિવેચનીય જૂથોવાદોથી સ્વ-તંત્ર રહેવાના પુરુષાર્થનો વધુ છે. એક ‘પ્રત્યક્ષીય’માં ગયા વર્ષે કહેવાયું તેમ ‘સામાજિક દૂષિતતાને બહાર રાખતું નરવું ને ઉત્તેજનાપૂર્ણ વાતાવરણ’ પ્રસરાવવા ‘ઊહાપોહ’ કરવા સુધીનો જે સરાહનીય સત્ત્વાભિનિવેશ સંપાદકનો છે. દીર્ઘ અવલોકનો સાથે ટૂંકાં અવલોકનો, મિતાક્ષરી : પુસ્તકસ્વીકાર, ચર્ચા, અવલોકન, લેખકોનો પરિચય, વિશિષ્ટ પુરસ્કાર કે સન્માન પામેલા લેખકો - વિદ્વાનોને અભિનંદન આદિ કીમતી ઉપયોગી વિભાગો તેમજ એ સર્વના વ્યાપને પ્રત્યેક અંકમાં સ્પર્શતો અને ઝીણવટથી ચર્ચતો સંપાદકીય લેખ ‘પ્રત્યક્ષ’ની સંરક્ષણપાત્ર મૂડી છે. પ્રત્યેક અંકે સાહિત્ય ઉપરાંત અન્ય લલિત કલાઓ સાથે સંકળાયેલા સિદ્ધ સર્જકો અને તદ્વિદો સાથેની ‘મુલાકાત’નો વિભાગ ખાસ આકર્ષણ જાળવે છે. પૂર્વોક્ત સર્વનું સમ્યક્ ઈક્ષણ કરતાં લાગે છે કે (ફાર્બસસભાના ‘ત્રૈમાસિક’ની ઉચ્ચ પરંપરામાં) પુસ્તક-સમીક્ષાને સવિશેષ વરેલું આ ‘પ્રત્યક્ષ’ ત્રૈમાસિક માત્ર શાબ્દિક અભિનંદનોથી અધિક, સર્વાંશે પ્રોત્સાહનને પાત્ર પણ છે.
અમદાવાદ, ૧૧ જૂન ૧૯૯૪
– રાધેશ્યામ શર્મા
[એપ્રિલ-જૂન, ૧૯૯૪, પૃ. ૩૩]