‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/શબ્દસૂચિ ન મૂકવાનો પ્રમાદ : હર્ષદ ત્રિવેદી
૨૨
હર્ષદ ત્રિવેદી
શબ્દસૂચિ ન મૂકવાનો પ્રમાદ
હમણાંહમણાં વિવેચનનાં જે પુસ્તકો પ્રગટ થાય છે એમાં પાછળનાં પાને ભાગ્યે જ લેખકસૂચિ, વિષયસૂચિ કે શબ્દસૂચિ જોવા મળે છે. એનું એક કારણ તો પુસ્તક પ્રગટ કરી દેવાની ઉતાવળ હોય છે તે, અને બીજું, સૂચિની કડાકૂટમાં કોણ પડે? પરંતુ એને કારણે અભ્યાસીઓને પાર વિનાની મુશ્કેલી પડતી હોય છે. ક્યારેક સાવ નાનકડો સંદર્ભ પણ મહામહેનતે જોવા મળે, તો ક્યારેક બહુ મોટો સંદર્ભ પણ ચૂકી જવાય એવી સ્થિતિ સૂચિના અભાવે સર્જાતી હોય છે. આપણે જો વિવેચક હોઈએ તો – લેખો ભલે જુદેજુદે નિમિત્તે લખાયા હોય, પણ જાતભાતના લેખો બે પૂંઠા વચ્ચે મૂકીએ ત્યારે – સૂચિ વિના પ્રગટ ન કરીએ. જો પીએચ.ડી., એમ.ફિલ. કે અન્ય કોઈ કક્ષાએ માર્ગદર્શક હોઈએ ને વિદ્યાર્થીનો નિબંધ સૂચિ વિનાનો હોય તો – ‘મારા માર્ગદર્શન નીચે સંતોષકારક રીતે આ કાર્ય પૂર્ણ કર્યું છે’ એવું પ્રમાણપત્ર ન આપીએ. ક્યાંક પરામર્શક થયા હોઈએ તો સૂચિ વિનાની હસ્તપ્રતને પ્રગટ કરવાની ભલામણ ન કરીએ. આપણે જો પારિતોષિક આપવા સંદર્ભે નિર્ણાયક હોઈએ તો એવાં પુસ્તકોને પુરસ્કારતાં રોકાઈએ કે જેમાં સૂચિ ન હોય. આ સિવાય પણ જ્યાં આપણો પ્રભાવ પડતો હોય ત્યાં આ વાતનો આગ્રહ રાખીએ તોય ઠીકઠીક સારું પરિણામ આવી શકે. બાકી અત્યારે તો વિવેચનનાં પંચાણું ટકા પુસ્તકોમાં સૂચિ હોતી નથી અથવા હોય છે ત્યાં એ અપૂર્ણ ને અધકચરી હોય છે; વ્યવસ્થિત અને શાસ્ત્રીય નથી હોતી. કોઈ અભ્યાસી કે સાહિત્યરસિક આપણા પુસ્તકનો સમુચિત ઉપયોગ કરી શકે એમ પણ જો આપણે ઇચ્છતા હોઈએ તો સૂચિ મૂકવી જરૂરી જ નહીં અનિવાર્ય છે. શબ્દસૂચિ એ આપણી વિદ્યાકીય શિસ્તની પણ એક મહત્ત્વની આવશ્યકતા છે.
ગાંધીનગર, ૨૫, મે ૧૯૯૪
– હર્ષદ ત્રિવેદી
[એપ્રિલ-જૂન ૧૯૯૪, પૃ. ૩૩]