‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/શિરજોરી? : હર્ષદ ત્રિવેદી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૯ ખ
ત્રણ ચર્ચાપત્રોને એક ઉત્તર...

[સંદર્ભ : જાન્યુ.-માર્ચ, ૧૯૯૭, હર્ષદ ચંદારાણાની પત્રચર્ચા]

‘શિરજોરી?’

‘પ્રત્યક્ષ’ના ૨૦મા અંકમાં શ્રી હર્ષદ ચંદારાણાના કાવ્યસંગ્રહ ‘નદીને મળ્યા પછી’ની મેં કરેલી સમીક્ષાના સંદર્ભે સ્વયં ‘કવિશ્રી’એ પાઠવેલો પત્ર ૨૧મા અંકમાં પ્રગટ થયો છે. એમણે કરેલા મુદ્દાઓના જવાબો એમના સંગ્રહમાં ને મારા લેખમાં જ પડ્યા છે એટલે મારે કંઈ વિશેષ ઉમરેવાનું હોય નહીં. પણ, પત્રના આરંભે અને અંતે એમણે એકની એક વાત ભારપૂર્વક કરી કે ‘બીજું કોઈ પુસ્તક પણ આવી ધોકાવાળીનો ભોગ ન બને.’ આ વિધાનથી મને તો રમૂજ થઈ. કેમકે, પ્રત્યેક પુસ્તકની વિશેષતાઓ અને મર્યાદાઓ જેમ જુદીજુદી હોય છે એમ એની વિવેચના પણ સ્વાભાવિક જ અલગ હોવાની. મારી પાસે સમીક્ષાનું એવું કોઈ તૈયાર ડૉળિયું નથી કે જેમાં આમતેમ ફેરફાર કરીને કોઈ પણ પુસ્તકને એમાં નાખી દેવાય! જેમની રચનાઓની સમીક્ષા હજી મેં કરી જ નથી એવાઓનું ઉપરાણું લેતા શ્રી ચંદારાણાને હું પૂછું છું કે આપણી કોઈ મર્યાદા બતાવે ત્યારે ધોકાવાળી થઈ એવું કહેવાનું? ગુજરાતી ગઝલના છંદો બાબતે ઉર્દૂ અને ગુજરાતીના વિદ્વાનો અને ગઝલકારો વચ્ચે વર્ષોથી મતભેદો પડેલા છે જ મૂળ કારણ બંને ભાષાની તાસીર અને હ્રસ્વ-દીર્ઘના ઉચ્ચારો ઉપરાંત શબ્દસંધિઓમાં પડેલા છે. અલબત્ત, એ ચર્ચા જુદા પ્રકારની, વ્યાપક અને અનેકને સાથે લઈને કરવાની છે. પ્રશ્ન લઘુ-ગુરુને જડ રીતે વળગી રહેવાનો નથી, પ્રવાહિતાનો છે, આંતરલયનો છે, સ્વાભાવિકતાનો છે. એ અત્યંત સૂક્ષ્મ બાબત હોવાથી જેનો કાન કવિનો હોય ને જેમને ગઝલના છંદોલય-માધુર્યની ખબર હોય એમને વિનંતી કરીએ કે એક જ ગઝલના મેં જે ત્રણ શે’ર ઉદાહરણ તરીકે મૂક્યા છે તેના સ્વર-વ્યંજન માર્યા-મચડ્યા વિના પૂર્ણ ઉચ્ચાર સાથે પ્રવાહી રીતે પઠન કરે. આપોઆપ બધું સમજાઈ જશે. વળી, કોઈ સમીક્ષકે આપણી રચનામાં કોઈ દોષ બતાવ્યો એટલે આપણે ય એ સમીક્ષકની રચનામાં કોઈ દોષ શોધી કાઢવાનું માંદલું અને રઘવાયું વલણ અપનાવીએ એ ચેષ્ટા જ કેવી વિચિત્ર ગણાય? એ તો ભાઈશ્રી ચંદારાણાના નસીબે હું છેલ્લા વીસેક વર્ષથી ગઝલો લખું છું (છંદ થોડોઘણોય નહીં જાણતો હોઉં?) તે આવું અળવીતરું કરવાની તક મળી. હું સમજુ છું ત્યાં સુધી ‘ગિફ્ટ ઑફ સોલિટ્યુડ’ની કવિશ્રી પાસે હશે એ ઉપરાંત પણ નકલો બહાર પડી હશે, એટલે મારા જોવામાં પણ આવી! શ્રી અશ્વિન મહેતાનો સ્વાભાવિક રાજીપો અને વિવેક મારા લગી પહોંચે છે પણ એથી કરીને એમના શબ્દને પણ આખરી માની લઈને આ નબળા દોહરા-સોરઠાઓને સ્વર્ગની ટિકીટ આપી દેવી યોગ્ય નહીં ગણાય. ‘અઢાવામાં ઘણી ઘલાત રહે છે’-નો અર્થ સમજવા કવિશ્રીને હું ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ જોઈ જવાની ભલામણ કરું છું અથવા બોલાતી જીવંત ભાષા સરવા કાને સાંભળવા વિનંતી કરું છું એમાંનો કાકુ ન સમજાવી શકવા બદલ દિલગીર છું. અન્યોના પડછાયા તરવરવાની વાત એટલી પ્રગટ લાગેલી કે ઉદાહરણો મૂકવાની જરૂર જણાઈ ન હતી. છતાં, મારા લેખમાં કવિશ્રીની પંક્તિઓ આ સંદર્ભે ટાંકી છે તેનાં મૂળ મને ક્યાં દેખાયાં છે એ બતાવવા કેટલાંક ઉદાહરણો આપું :

(૧) કેમ ભૂલી ગયા? દટાયો છું!
આ ઇમારતનો હુંય પાયો છું
– અમૃત ઘાયલ (‘આ પડખું ફર્યો લે,’ પૃ. ૯૫)
મ્હેંકથી ફાટ ફાટ ફાયો છું,
અત્તરો પી-પીને ધરાયો છું
– હર્ષદ ચંદારાણા (‘નદીને...’ પૃ. ૨૧)

(૨) સાત હાથ સિંચણ ને બાર હાથ કૂવો
પાણિયારાં પડ્યાં ખાલી રે
બેડાં લઈને હું તો હાલી રે....
– વિનોદ જોશી (‘ઝાલર વાગે જૂઠડી,’ પૃ. ૨૭)
સાગર મારો સાહ્યબો
હું તો મળવાને ખળખળ હાલી રે
હોડી મારું બેડલું
માથે ઈંઢોણી લેર્યુંની ઘાલી રે....
– હર્ષદ ચંદારાણા (‘નદીને...’ પૃ. ૬૩)

(૩) તું મીંઢળ જેવો કઠ્ઠણ ને હું નમણી નાડાછડી,
તું શિલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી
– વિનોદ જોશી (‘ઝાલર...’ પૃ. ૧૩)
તું નગરનો રાજમાર્ગ ને હું જંગલની કેડી...
તું રાજમહેલનો દિવાનખંડ ને હું છું સૂની મેડી...
– હર્ષદ ચંદારાણા (‘નદીને...’ પૃ. ૯૩)

આ પંક્તિઓમાં ‘કેડી’ અને ‘મેડી’ પછી ‘શામળા ક્યાંથી મળીએ?’ એવું લટકણિયું ટીંગાડ્યું છે. હવે હું સાહિત્યના ભાવકોને પૂછું છું કે –

રાધા એક કૉળતું બીજ છે.
શ્યામ તમે તાજી કૂંપળ
અળગા ન થાજો એક પળ...
રાધા તો જાસૂદનું ફૂલ છે
શ્યામ તમે ટીપું ઝાકળ
અળગા ન થાજો એક પળ... (‘નદીને...’ પૃ. ૫૯)

– આ વાંચતા કવિ સુરેશ દલાલની એક સાથે કેટલી બધી રચનાઓ મનમાં ઝબકી ગઈ? ને હવે આ વાંચો – તને યાદ કરવી એટલે / વિચારોની / એક્સપ્રેસ ટ્રેનનું / કોઈ જંકશન ઉપર રોકાઈ જવું./ તને પત્ર લખવો એટલે / ઊંચાઈએ ઊડતા / વિમાનની પાંખ પર બેસી / નીચે પસાર થતી / હરિયાળી સામે / હાથ ફરફરાવવો - (‘નદીને....’ પૃ. ૮૧) – આ પંક્તિઓ શ્રી ગુણવંત શાહના નિબંધોનો કોઈ અંશ લાગે કે નહીં? અને હા કવિ, આપ કોઈની બેઠેબેઠી નકલ તો ન જ કરો એ તો સમજી શકાય એમ છે, પરંતુ સવાલ છે – અગાઉ વપરાઈ ગયેલા તાણાવાણાનો, ઊંડે ઊંડે પડેલી સૂક્ષ્મ અસરોનો, પૂર્વજોને અતિક્રમવાનો, નવું નિપજાવવાનો, પોતાની મુદ્રા ઊભી કરવાનો. જો આ બધુ ન સમજવું હોય ને લખે રાખવું હોય તો તમારી સાથે કોઈ તકરાર નથી. આ તો તમારામાં કંઈક નવું મળશે એવી શક્યતા જણાઈ હોવાથી આટલો પ્રપંચ કર્યો. આમ તો આટલાં બધાં ઉદાહરણો લઈને આવવું એટલે કીડી ઉપર કટક લઈ જવા જેવું ગણાય, પરંતુ ‘પ્રત્યક્ષ’ના સંપાદકશ્રીને ઉદ્દેશીને અપાયેલા ઉપદેશને એક પ્રકારની ગુસ્તાખી ગણીને પણ આટલું લખવું જરૂરી લાગ્યું છે. હવે અહીં અટકું.

(ગાંધીનગર : ૬, જૂન ૯૭.)
[એપ્રિલ-જૂન, ૧૯૯૭, પૃ. ૩૯-૪૦]