‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/સંપાદકની નોંધ : રમણ સોની
રમણ સોની [સંપાદકની નોંધ]
શ્રી કિશોર જાદવના સંપાદન અંગેનો વિવાદ લંબાવવાની જરાય ઇચ્છા ન હોવા છતાં, છેલ્લે સંપાદકની સ્પષ્ટતા પ્રગટ કરવી ઉચિત લાગવાથી એમનો પત્ર અહીં મૂક્યો છે. પણ ત્યાં જ શ્રી બહાદુરભાઈ વાંકનો પત્ર મળ્યો ને એથી આ વિવાદ સહેજ વધુ ઘેરો બન્યો! પરંતુ હવે આ વિષયની પત્રચર્ચા બંધ કરવી જરૂરી લાગે છે. પ્રશ્ન તો, એક ખરેખર સારા સાહિત્યકાર્યમાં લેખકો-અનુવાદકો સાથેના વ્યવહારની ચૂક રહી ગઈ એનો છે : શા માટે કિશોર જાદવે પુસ્તક આવતાંવેંત જ, પ્રકાશકે જો અનુવાદકોનાં નામ કાઢી જ નાખ્યાં હતાં તો, એ અંગે જાહેર ઊહાપોહ ન કર્યો? આવી છેતરપિંડી થઈ હોય તો સંપાદકનો આક્રોશ ભભૂકી ઊઠવો જોઈતો હતો. પણ પ્રકાશક ઉપર ૧૦ જાન્યુ. ૨૦૦૦ના રોજ એમણે લખેલો પત્ર પણ ઠંડો, ઠાવકો ને મોળો લાગે છે. એ પત્રનાં પહેલા પેરેગ્રાફમાં તો એમણે, આ પ્રકાશન માટે પ્રકાશકનો આભાર માન્યો છે ને એ પણ આ શબ્દોમાં : I have no word to express my joy and gratitude. ને પછી, નામો નીકળી ગયાની વાત કંઈક મૂંઝવણરૂપે જ રજૂ કરી છે – સ્પષ્ટ વાંધા-વિરોધરૂપે કે એના ખુલાસાની અપેક્ષારૂપે નહીં. આ વિવાદમાં, પ્રકાશન ન બોલે ત્યાં સુધી વાંચનારના મનમાં પ્રશ્ન એમનો એમ પડી રહે, એમ પણ કદાચ બને આમ થવાનું એક કારણ એ લાગે છે કે કિશોરભાઈએ પહેલેથી છેલ્લે સુધી વાર્તાકાર-અનુવાદક-વ્યવહાર પૂરેપૂરો ચોખ્ખો ને સ્પષ્ટ રાખ્યો નથી. બહાદુરભાઈનો પત્ર એનું જ એક દૃષ્ટાંત છે. એમણે બહાદુરભાઈની વાર્તાની ને એના અનુવાદની આટલી પ્રશંસા કરી – ને એ પણ આ વાર્તાચયનના સંદર્ભે – ને પછી એ વાર્તા બહાર રાખી એનો કોઈ ખુલાસો મળતો નથી. વાર્તા એમને ચયન-યોગ્ય ન લાગી હોય તો એની સ્પષ્ટતા પહેલેથી થવી જોઈએ; ગમી હોય એ બધી જ વાર્તાઓ કંઈ ચયનમાં સમાવાય નહીં. પણ તો, એની ચયનસંદર્ભે અસ્પષ્ટતા રહેવી ન જોઈએ. કિશોર જાદવને ન્યાય કરીએ તો પણ એટલું તો સમજાય છે કે આવી અસ્પષ્ટતાને કારણે જ બહાદુરભાઈને અપેક્ષાનો ને પછી આશ્ચર્ય-આઘાતનો અનુભવ થયો – ને એ સ્વાભાવિક છે. વળી, પુસ્તક પ્રગટ થયા પછી પણ એમણે બહાદુરભાઈને કેમ કશો જવાબ ન આપ્યો? હિમાંશી શેલત, વિજય શાસ્ત્રી વગેરે વાર્તાકારોને કેમ, એની સમીક્ષાસુદ્ધાં આવી ગઈ ત્યાં સુધી, પુસ્તકની નકલ ને પુરસ્કાર પહોંચ્યાં નહીં? હરિકૃષ્ણ પાઠક કહે છે એમ, એમણે પુસ્તક મોકલવા કિશોર જાદવને લખ્યું હતું. ને જવાબ ન મળ્યો ત્યારે પ્રકાશકને લખ્યું ત્યારે ‘પુનર્મુદ્રણ વખતે તમારી વાર્તા નહીં લઉં’ એવું કિશોર જાદવે લખ્યું – તો પ્રશ્ન થાય કે આવો વ્યવહાર શા માટે? તમે, સંપાદક તરીકે, વાર્તા પસંદ કરો છો એટલે શું સર્જકને ઓશિંગણ કરો છો? (જો કે સંપાદકો અને અનુવાદકોને આવી ટેવ પાડવામાં આપણા સર્જકોનો ફાળો પણ ઓછો નથી હોતો! પોતાની કૃતિ કોઈ સંચયમાં લેવાય, એનો અન્ય ભાષામાં અનુવાદ થાય એ માટે કેટલાક સર્જકો – અલબત્ત, કેટલાક – અનેકવિધ પ્રયત્નો કરતા હોય છે ને કૃતિ સ્વીકારાય ત્યારે ખૂબ જ ઉપકૃત થયાનો ભાવ વ્યક્ત કરતા હોય છે. ધીરજનો ને ખુમારીનો આવો અભાવ શા માટે?) જો સંપાદક લેખકને આ રીતે ‘ઉપકૃત’ કરે છે એમ ન માનતો હોય તો એણે વ્યવહાર-ગૌરવ સાચવવું જોઈએ. વર્ષા દાસને, એમના અનુવાદો સીધેસીધા કેવી રીતે આવી ગયા (ને એમનેય અનુવાદક તરીકે પુસ્તક ન મળેલું!) એનું આશ્ચર્ય થયું એના જવાબમાં કિશોરભાઈ લખે છે કે લેખકો તરફથી એમની સંમતિસહિત’ એ અનુવાદ એમણે લીધા છે. એમાં લેખકો એટલે? મૂળ વાર્તાકારો જ ને? ખરેખર તો અનુવાદકની પણ સંમતિ લેવાવી જોઈએ. આવો, ચોખ્ખા ને સ્પષ્ટ એવા આવશ્યક વ્યવહારનો અભાવ જ આ આખા વિવાદની ચર્ચા કરવા પ્રેરે છે – કિશોર જાદવે અનુવાદકોનાં નામ મોકલ્યાં જ નહીં કે મોકલ્યાં છતાં પ્રકાશકે છાપ્યાં જ નહીં, એ બાબત પણ, આ વ્યવહારના-ને એ માટેની આખી પદ્ધતિના – ભાગ તરીકે જ મહત્ત્વની છે. એની સત્યાસત્યતાની લપમાં પડવાની ય જરૂર નથી. સંપાદક-લેખક-સંબંધની આટલી વાત મૂકીને આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ...
– સંપાદક
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૦, પૃ. ૪૧-૪૨]